ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) તાલુકા પંચાયત હેઠળ આવેલા માસમા ગ્રામ પંચાયતમાં (Gram Panchayat) તલાટી કમ મંત્રી વિશાલ બારૈયાએ ગ્રામ પંચાયતના વેરાઓની (Taxes) વસૂલાત, જમીન મહેસૂલ શિક્ષણ ઉપકર તથા અન્ય વસૂલાત, વહીવટી તથા હિસાબી કામગીરી અને તમામ વેરાની વસૂલાત કરી ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર નોંધ નહીં કરી તથા વેરાનાં નાણાં સરકારી કચેરીમાં જમા નહીં કરાવી નાણાંની ઉચાપત કરી પોતાના અંગત લાભમાં ઉપયોગ કર્યો હતો. આથી પ્રજા તથા સરકાર સાથે છેતરપિંડી (Fraud) અને વિશ્વાસઘાત કરી નાણાંની ઉચાપત કરી હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુરત (surat) તથા તાલુકા વિકાસ અધિકારી ઓલપાડની કચેરીના હુકમને પગલે તાલુકા પંચાયત કચેરીના પંચાયત વિભાગના વિસ્તરણ અધિકારી બળવંત મૈસુરિયાએ ઓલપાડ પોલીસમથકે નાણાકીય ગેરરીતિ અને ઉચાપત અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ હતી.
- પંચાયત વિભાગના વિસ્તરણ અધિકારી બળવંત મૈસુરિયાએ ફરિયાદ દાખલ કરતાં તાલુકામાં ચકચાર
- માસમા ગ્રામજનોની ફરિયાદને પગલે સમગ્ર કૌભાંડ ઝડપાયું
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.૯/૨/૨૦૨૨ના રોજ ઓલપાડ તાલુકાના માસમા ગામના લોકોએ માસમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિશાલ રામજી બારૈયા વિરુદ્ધ ગ્રામ પંચાયતના વેરાઓની વસૂલાત, જમીન મહેસૂલ શિક્ષણ ઉપકર, અન્ય વસૂલાત, વહીવટી તથા હિસાબી કામગીરી અને તમામ વેરાની વસૂલાતની કામગીરીમાં ગેરરીતિ કરી હોવાના આક્ષેપો સાથે ઓલપાડના તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી. જેના આધારે ટીડીઓએ કચેરીના પંચાયત વિભાગના વિસ્તરણ અધિકારી બળવંત મૈસુરિયા, ઓલપાડ તાલુકા પંચાયતના ઈ.ચા.વિસ્તરણ અધિકારી તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નવીન જે. પટેલને તપાસ કરવા નિયુક્ત કર્યા હતા.
જેમાં તપાસ બાદ માસમા ગ્રામ પંચાયતના રેકર્ડની તપાસણી પૂર્ણ કરી તા.૨૧/૦૨/૨૦૨૨ના રોજ તપાસ અહેવાલ ઓલપાડ ટીડીઓને સુપરત કર્યો હતો, જેમાં તપાસ દરમિયાન તલાટી વિશાલ બારૈયાએ માસમા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકેની કાયદેસરની ફરજ દરમિયાન ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના સિક્કા રજિ.નં.૨૦૪૮થી ફાળવેલી ઘરવેરા બુક પહોંચ નં.૨૮૮૦૧થી ૨૮૯૦૦થી વસૂલાત કરેલા વેરાની રકમ રૂ.૮,૪૦,૭૫૦ તથા સિક્કા ૨જિ.નં.૨૧૩૭થી ફાળવેલી ઘર વેરા બુક પહોંચ નં.૩૫૨૦૧થી ૩૫૨૦૩થી વસૂલાત કરેલા વેરાની રકમ રૂ.૨૫,૮૫૦ તથા સિક્કા ૨જિ.નં.૨૨૧૦થી ફાળવેલી જમીન મહેસૂલ વસૂલાત બુક પહોંચ નં.૧થી ૨૭થી વસૂલાત કરેલી મહેસૂલની રકમ રૂ.૨,૫૭,૭૫૦ તથા સિક્કા રજિ.નં.૨૨૧૧થી ફાળવેલી જમીન મહેસૂલ વસૂલાત બુક પહોંચ નં.૧થી ૧૧૮થી વસૂલાત કરેલી મહેસૂલની ૨કમ ૩.૬,૯૧,૯૫૦ તથા સિક્કા ૨જિ.નં.૨૧૧૩થી ફાળવેલા શિક્ષણ ઉપકર વસૂલાત બુક પહોંચ નં.૧થી ૯૭થી વસૂલાત કરેલી ઉપકર રકમ રૂ.૬૭,૬૫૦ મળી કુલ રૂ.૧૮,૮૩,૯૫૦ના વેરા/મહેસૂલની વસૂલાત કરી હતી.
જેની ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર નોંધ નહીં કરી તથા આ નાણાં સરકારી કચેરીમાં જમા નહીં કરાવી નાણાંની ઉચાપત કરી પોતાના અંગત લાભમાં ઉપયોગ કરી જાહેર જનતા તથા સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસધાત કરી નાણાંની ઉચાપત કરી હોવાથી સુરતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીની કચેરીના હુકમને પગલે તાલુકા પંચાયત કચેરીના પંચાયત વિભાગના વિસ્તરણ અધિકારી બળવંત રતીલાલ મૈસુરિયા (ઉં.વ.૫૫) (રહે.,A/51, સ્વસ્તિક સોસાયટી, નવાગામ, કામરેજ)એ તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તલાટી વિશાલ બારૈયા (રહે.,પરિશ્રમ પાર્ક, પટેલ પ્રગતિની વાડીની નજીક, ઉગત રોડ, જહાંગીરાબાદ, સુરત) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.