વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં કાઉન્ટ ડાઉનથી તૈયારીઓ શરૂ કરી. હવે તમને પૂરેપૂરા સજજ થવાના છેલ્લા ૧૫ દિવસ છે. ત્યારે સ્વાભાવિક છે કે તમને અને તમારા વાલીઓને ચિંતાનો પારો ઉપર ચઢતો હોય એવો અનુભવ થાય અને એ થવું જ જોઇએ.
માટે ચિંતાનું થોડું પ્રમાણ તમને સારું પર્ફોર્મન્સ કરવા પ્રેરક બળ પૂરું પાડે છે. પરીક્ષા શરૂ થવાના છેલ્લા દિવસો હોવાથી….
- છેલ્લું ફાસ્ટ રીવીઝન શરૂ કરી દો અને એને તમારા વાંચવાના / અભ્યાસના સમયપત્રકમાં ઊંધું ગોઠવવું રહ્યું એટલે કે જે પરીક્ષા છેલ્લે હોય તેનું રીવીઝન ૧૨-૧૩ તારીખથી શરૂ કરી બે – અઢી દિવસો એક વિષય માટે રાખો તો ૨૮ માર્ચ પહેલાં પહેલી પરીક્ષાનો વિષય આવી જાય.
- હવે વાંચવાના કલાકોમાં નોંધપાત્ર વધારો થવો જોઇએ અને એની સાથે પૂરતા કલાકોની ઊંઘ પણ લેવાવી જોઇએ તો જ માનસિક – શારીરિક રીતે સ્વાસ્થ્ય જળવાય રહેશે.
- વાંચવાના કલાકોમાં વધારો કરવા માટે તમારા ટાઈમ વેસ્ટરને શોધીને કન્ટ્રોલ રૂમમાં મૂકી દેવા પડશે. સામાન્ય રીતે ટાઇમ વેસ્ટર તરીકે સોશ્યલ મીડિયા, FB, what’s એપ, Insta…. કે પછી ટીવી, મોબાઈલ ગેમ્સ… દિવસે દિવસે લિસ્ટ લાંબું થતું જાય છે. આજના ટીનએજર, યુવકો – દર સેંકન્ડે updates લેતા હોય છે કેટલાં likes કોણે, કયારે કર્યા? કોણે શું update કર્યું…. માટે માતા-પિતા ટોકી – ટોકીને કહે, ઘરમાં વાદ-વિવાદ ન ઊભો કરતાં થોડા દિવસ મોબાઇલને આરામ આપવામાં આવે તો આપણી પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ સરસ રીતે ધ્યાન કેન્દ્રિત થઇ શકશે.
- રીવીઝન કરો ત્યારે ઝડપથી વાંચવાનું રાખો:
- પાઠ ૧ થી આગળ વધો. આડેધડ રીવીઝન ન કરવું જોઇએ. તમારે તમારી મેમરીને રીચાર્જ કરવાની છે માટે પાઠ -૧ થી જ શરૂઆત કરો કારણ કે મોટાભાગે તમારું સંપૂર્ણપણે વાંચન – લર્નિંગ થઇ ગયેલું છે. જો તમારું લર્નિંગ બાકી હોય તો ઝડપથી વાંચન કરી શકાશે નહીં અને ટેન્શનનો પારો ઉપર વધી જશે.
- આ દિવસો દરમ્યાન ઊઠવા – સૂવાના શેડયુલને જાળવો. પરીક્ષાના દિવસો દરમ્યાન જે સમયે ઊઠીને વાંચવાના હો તે પ્રમાણે જ ઊઠવાનું અને સૂવાનું રાખવાનું. કોઇ દિવસ રાત્રે બાર વાગ્યા સુધી વાંચ્યું તો કોઇ દિવસ બે વાગ્યા સુધી. કોઇ દિવસ સવારે ૬ વાગે ઊઠયા તો કોઇ દિવસ આઠ વાગે. ના, આમાં બોડીનું કલોક જળવાતું નથી. પૂરતી સ્ફુર્તિ રહેતી નથી માટે સાતત્યતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
- ફાસ્ટ રીવીઝનમાં ડાયાગ્રામ, આકૃતિ, ટેબલ કે નકશા જેવું ઊંડાણપૂર્વક રીવીઝન, પ્રેકટીસ થવી જોઇએ.
- MCQ કરતી વખતે ગોખવાને બદલે સમજીને કરો તો જો વાકયરચના ટવીસ્ટ થાય તો પણ તમને સમજવામાં વાંધો નહીં આવે.
- તમારા પ્રશ્નપત્રની ગાઇડલાઇન પ્રમાણે જે પાઠોમાં કે વિષયવસ્તુનો ભાર વધારે હોય તેને લર્નિંગમાં મહત્ત્વનું સ્થાન આપો જેથી તમારું સ્કોરીંગ વધી જાય.
- સામાન્ય રીતે જૂથમાં અભ્યાસ હંમેશાં હિતાવહ હોય છે. જો જૂથના તમામ વિદ્યાર્થીઓ (સામાન્ય રીતે ચાર – પાંચ) પરીક્ષાલક્ષી ઊંચું ધ્યેય લઇને અભ્યાસ કરતા હોય તો એકબીજાને ત્વરાથી શીખવવામાં મદદ કરશે નહીં તો વાતે ચઢીને સમયની બરબાદી પણ થવાની શકયતા વધી જાય છે.
- બે – અઢી કલાકના સમયગાળા પછી બ્રેક લેવાનું રાખવાનું. બ્રેકમાં ટીવી, મોબાઇલથી દૂર રહેવાનું. જેથી તમે કરેલાં રીવીઝનની મેમરી મગજમાં સેટ થઇ જાય.
- બ્રેકનો સમયગાળો 5 – 10 મિનિટથી વધુ ન રાખવો જોઇએ. ઘણા વિદ્યાર્થીઓ મમ્મી કે અન્યનાં મોબાઇલ લઇ ગેમ રમતાં હોય છે, જે ખરેખર જ હિતાવહ નથી.
- આ બધા સાથે તમારા ઘરના વાતાવરણની ખૂબ જ ઘેરી અસર પડતી હોય છે. ઘરનું વાતાવરણ હકારાત્મક રાખો. વાલી – સંતાનો વચ્ચે વાદ-વિવાદ ચાલતા જ હોય છે. તો એને થોડા અંકુશમાં રાખવા જોઇએ. ઘરના અન્ય સભ્યોએ પણ વાતાવરણ હળવું, હકારાત્મક બનાવવામાં સિંહફાળો આપવો જોઇએ.
- જો હજુ લર્નિંગ બાકી હોય તો બે – ત્રણ કલાકનો સમયગાળો એવો રાખો કે જેમાં ફકત તમે લર્નિંગ જ કરતાં હોવ. જેથી રીવીઝન અને લર્નિંગ સાથે ચાલી શકે.
- મિત્રો સાથેનાં ગપ્પાં ઓછાં કરવા જોઇએ. કેટલું વાંચ્યું? મારું વંચાયું નથી અને અન્ય વાતોથી દૂર રહેવું જોઇએ. મળવા – કરવાનું પણ ઓછું કરવું જોઇએ કેમ કે એ પણ એક ટાઇમ વેસ્ટર જ છે.
- મિત્રો, નાની નાની સ્ટ્રેટેજી તમને એક – બે વધુ માર્કસ લાવવામાં મદદ કરશે જે સરવાળે ટકાવારીમાં નોંધપાત્ર વધારો કરશે.
Design your time-table,
Time-table Makes you organized.