માર્ચ – એપ્રિલ એટલે પરીક્ષાની સીઝન… વિદ્યાર્થીઓએ પુષ્કળ મહેનત કરી પોતાની ૧૦૦% મહેનતનું પ્રદર્શન કરવા માટે સજ્જ થવાનો મહિનો. વાલીઓ માટે બાળકોને બને એટલી સુવિધાઓ પૂરી પાડવાનો મહિનો કે જેથી બાળકોને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન નડે. બધાં પોતાની રીતે પૂરી મહેનત કરે પણ ક્યારેક અપૂરતું પોષણ અને અનિયમિત જીવનશૈલી બાળકોને તેમના ૧૦૦% આપતાં રોકે છે. આવા સંજોગોમાં પરીક્ષા સમયે કેવો આહાર બાળકને સુંદર રીતે અભ્યાસ કરવામાં, ભણેલા વિષયોને યાદ રાખવામાં અને પરીક્ષાના સમયે બાળક થાકી ન જાય તેનું ધ્યાન રાખવામાં ઉપયોગી નીવડી શકે તે જોઈએ.
આહારમાં નીચે મુજબનાં પોષક તત્ત્વોનું યોગ્ય પ્રમાણ જળવાય તે પરીક્ષાના દિવસો દરમ્યાન ખૂબ જરૂરી છે. આ દરેક પોષક તત્ત્વો કોઈક ને કોઈક એવાં કાર્યો સાથે સંકળાયેલાં છે જે ખરેખર બાળકને યોગ્ય રીતે અભ્યાસ કરવામાં મદદ કરે છે.
આવો એ પોષક તત્ત્વો વિશે વિસ્તારથી જાણીએ.
આયર્ન
લોહતત્ત્વનું મુખ્ય કાર્ય આપણા શરીરમાં ઓક્સિજનને બધા કોષો સુધી લોહીના પરિભ્રમણ દ્વારા પહોંચાડવાનું છે. જો લોહીમાં લોહતત્ત્વ (આયર્ન)નું પ્રમાણ ઓછું હોય તો મગજના કોષો તેમ જ શરીરના અન્ય કોષો સુધી ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પહોંચી શકે નહિ અને જેથી મગજ થાકે, કંટાળે અને યાદશક્તિ ક્ષીણ થાય. જેની સીધી અસર અભ્યાસ પર પડે. સ્કૂલો અને કોલેજોમાં કરવામાં આવતા સર્વે દરમ્યાન જાણવામાં આવ્યું છે કે ૧૦ માં થી ૭ છોકરીઓ અને ૧0 માં થી ૪ છોકરાઓમાં લોહતત્ત્વની ઊણપ હોય છે. છોકરીઓ માસિકસ્રાવ દરમ્યાન લોહીનો મોટો જથ્થો ગુમાવે છે અને જો યોગ્ય આહાર દ્વારા તે ફરી મેળવવામાં ન આવે તો આયર્નની ખામી સર્જાય છે. આ ખામી ન થાય એ માટે ખજૂર, કાળી દ્રાક્ષ, લીલી ભાજી, સફરજન, દાડમ, કઠોળ, ગોળ, ઈંડાં, લિવર, દરિયાઇ મેવો (માછલી), રાગી જેવા ખોરાકનો દૈનિક આહારમાં સમાવેશ કરો.
ઇલેક્ટ્રોલાઈટસ
સોડિયમ, પોટેશિયમ, કલોરાઇડ જેવા ક્ષારો આપણા શરીરમાં અગત્યનો ભાગ ભજવે છે. આ દરેક ક્ષારનું આગવું કાર્ય છે. સોડિયમ ચેતાતંત્રમાં સંદેશના વહન માટે અનિવાર્ય છે. સોડિયમ, કલોરાઈડ અને પોટેશિયમ કોષોની અંદર અને કોષોની બહારના દ્રવ્યનું બેલેન્સ જાળવી રાખે છે જે બ્લડપ્રેશર અને હૃદયના ધબકારાનું નિયમન કરે છે. અભ્યાસ અને પરીક્ષા દરમ્યાન હૃદયના ધબકારાનું નિયમન ખૂબ જરૂરી છે. વળી, મોટે ભાગે વાર્ષિક પરીક્ષાઓ આપણે ત્યાં ઉનાળામાં આવતી હોય છે. આવા સંજોગોમાં પુષ્કળ પરસેવો થતો હોય તો શરીરમાંથી પરસેવા દ્વારા આ ખનીજ ક્ષારો વહી જાય છે. તો આ ક્ષારોને ફરી મેળવવા માટે પરીક્ષાના દિવસો દરમિયાન ઓછામાં ઓછું ૨ ગ્લાસ (૫૦૦ મિલી) લીંબુનું શરબત (મીઠા, ખાંડ અથવા ગોળવાળું) લેવું. ખાંડને બદલે ગોળ ઉમેરવાથી શરબતમાં આયર્નનો ઉમેરો કરી શકાય છે. આ ઉપરાંત ખાટાં – મીઠાં ફળો, લીલી ભાજી , દરિયાઇ ખોરાક (માછલી, ઝીંગા) દ્વારા પણ ખોવાયેલા ખનીજ ક્ષારો પાછા મેળવી શકાય છે .
કાર્બોહાઈડ્રેટ
મોટેભાગે અનાજ, મીઠાં દ્રવ્યો, ફળો ,સૂકામેવા દ્વારા પ્રાપ્ત થતું કાર્બોહાઈડ્રેટ એ મગજ માટે ત્વરિત એનર્જીના સ્ત્રોતનું કાર્ય કરે છે. થોડા થોડા સમયે થોડા થોડા પ્રમાણમાં પૌંઆ, થેપલાં, ફળો, સૂકોમેવો લેવાથી મગજને સતત એનર્જી પૂરી પાડી શકાય છે અને મગજના કોષો સક્રિય રહી વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે. (અલબત્ત જરૂરિયાત કરતાં વધુ કાર્બોહાઈડ્રેટ એક સમયે લેવાથી શરીરમાં ચરબીનો ભરાવો થઈ સ્થૂળતા વધવાની શક્યતા રહેલી છે. જેથી ડાયટિશ્યન પાસે યોગ્ય આહારઆયોજન કરાવી તે પ્રમાણે જ ખોરાક લેવો)
આ ઉપરાંત પરીક્ષામાં વધુ સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખવા જેવાં આહારલક્ષી અન્ય પરિબળો વિશે આપણે આવતા અંકોમાં સવિસ્તાર ચર્ચા કરીશું.
ત્યાં સુધી…. All the best.