Gujarat Main

વડાપ્રધાન મોદીનાં રોડ શોમાં છવાઈ કેસરિયા ટોપી, જાણો તેની પાછળનો ઈતિહાસ

અમદાવાદ: ઉત્તર પ્રદેશ, ગોવા સહિત ૪ રાજ્યોમાં ભાજપનો કેસરિયો ભગવો છવાતા સમગ્ર ભાજપ પક્ષમાં ખુશી છવાઈ ગઈ છે. આ જીતની ભવ્ય ઉજવણી વડાપ્રધાન પોતાનાં વતન ગુજરાતમાં કરી રહ્યા છે. આજથી બે દિવસ માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં છે. જેના કારણે કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા છે. આજે અમદાવાદ ખાતે પી.એમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં લાખો કાર્યકર્તા મોદીના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા.

ચુંટણીની જીતના જશ્નમાં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં કેસરિયો છવાયો છે. હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં હતા, રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો, અને કેસરિયા ફૂલોથી શણગારેલા શહેરને જોઇને જાણેઆખું ગુજરાત ભાજપમય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આ 10 કિ.મી.ના રોડ-શોમાં જે સૌથી વધુ ચર્ચામાં રહી એ છે કેસરિયા ટોપી.

આ ટોપી કેસરી કલરની છે જેમાં ભાજપ લખેલું છે. અત્યાર સુધી ભાજપનાં તમામ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરતા જોવા મળ્યા હતા. જો કે હવે આ ટ્રેન્ડ બદલી ટોપીએ આકર્ષણ જમાવ્યુ હતું. ભાજપ તરફથી એવી પણ જાહેરાત કરાઈ છે કે, હવે આગામી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરશે. આ ટોપીનો હેતુ જે જે લોકો આ ટોપી પહેરે તે તમામ લોકો ગુજરાતમાં કમળ ખીલવે તેવો છે. ભાજપના હિરેન કોટકે જણાવ્યુ કે, આ ટોપી ખાસ ડિઝાઈન કરાઈ છે, જે ભારતીયતાની નિશાની છે.

ભાજપે લોકોને ભૂતકાળ યાદ કરાવ્યો : કાર્યકર્તા
ટોપી પર ચિકન એમ્બ્રોઈરી વર્કથી ભાજપ લખવામાં આવ્યુ છે. ટોપી પર લીલો અને સફેદ કલર પણ છે, જે ત્રિરંગાને દર્શાવે છે. એક કાર્યકર્તાએ કહ્યુ કે, ટોપી દ્વારા ભાજપે લોકોને ભૂતકાળ યાદ કરાવ્યો છે. 80 થી 90 ના દાયકામાં જનસંધના કાર્યક્રમમાં આવી ટોપી પહેરાતી હતી. ત્યારે આવી ટોપી ફરીથી જોઈને ખુશી થાય છે.

80નાં દાયકાથી ટોપી હોટ ફેવરીટ
80નાં દાયકામાં નરેન્દ્ર મોદી જયારે RSSના પ્રચારક હતા ત્યારે સંઘના દરેક કાર્યક્રમમાં કાળી ટોપી પહેરતા હતા.અને પછી અલગ-અલગ પ્રસંગે અલગ-અલગ શૈલીની ટોપી પહેરતા હતા.મોદી જુલાઈ, 2017માં ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે હિમાચલી ટોપી પહેરી હતી જેમાં ગઢવાલી શૈલીની ઝલક જોવા મળી હતી. આ ટોપી તે સમયે ખાસ્સી ચર્ચાસ્પદ થઈ હતી અને પછીથી તો ફેશન ટ્રેન્ડમાં પણ આવી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હિમાચલી ટોપીની ડિમાન્ડ પણ ખૂબ વધી હતી.

અલગ-અલગ શૈલીની ટોપી પણ ચર્ચાસ્પદ
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ આઝાદ હિંદ ફોજના કાર્યક્રમમાં નેતાજી કેપ પહેરી હતી. ગત 21 ઓક્ટોબરના રોજ આઝાદ હિંદ ફોજ દ્વારા સ્વતંત્રતાની ઘોષણા કરાયાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજવંદન કર્યું ત્યારે વડાપ્રધાને નેતાજી સુભાષચંદ્રની કેપ પહેરી હતી. જ્યારે ગત 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં મોદીએ ઉત્તરાંચલની બ્રહ્મકમલ ટોપી પહેરી હતી. આ બંને અલગ-અલગ શૈલીની ટોપી પણ તે સમયે ખૂબ ચર્ચાસ્પદ બની હતી.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સુધી ભગવા ટોપી રહેશે
​​​​​​​​​​​​​​ગુજરાતના કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે એ હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.

Most Popular

To Top