Charchapatra

શિક્ષકોની સોટીનો ડર ગયો અનિષ્ટો વધ્યા

 ‘સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ’ આ વાકય અને એનો અમલ બે ત્રણ દાયકા પહેલા આપણો જાણ્યો જ છે. જયારે શિક્ષકોની સોટીનો ડર હતો ત્યારે વિદ્યાની સાથે સાથે શિસ્ત અને સંસ્કાર જેવા મુલ્યોનો પણ વિકાસ પામતો હતો જેથી અત્યારે જેટલા અને જેવા સામાજિક દુષણો છે એટલા અને એવા તે સમયે ન હતા. હવે તો શિક્ષકો સોટી તો શું ટપલી પણ અડકાડી શકતા નથી અને જો કદાચ એક થપ્પડ લગાવી હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકની શિક્ષાને બહુ મોટી સજા કરવાનો ગુનો કર્યો હોય એવો અનુભવ કરાવે છે અને વાલીઓ વિદ્યાર્થીઓને (પોતાના સંતાનોને) જ છાવરે છે. આપણા સમયમાં આપણને શિક્ષકોનો ડર હતો. સમાજ હોય કે ઘર હોય, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને સદ્‌વિચાર આપણા સારા વર્તન વ્યવહાર માટે ઉપયોગી થતા. પરંતુ હવે બાળકોમાં નાનપણથી જ શિસ્ત અને સંસ્કાર જેવા મુલ્યો કેળવાતા નથી.

ધીમે ધીમે બાળક આ મુલ્યોના અભાવે ગુનાખોરી તરફ વળે છે. કોઇ પણગુનાની જો સજા જ ન હોય તો એ ગુનો ધીમે ધીમે મોટુ સ્વરૂપ ધારણ કરે છે. પછી એ કાર્યમાં પાવરધો થઇ જાય છે અને કોઇનો પણ ડર રાખ્યા વિના ગુનાઓ કર્યે જ જાય છે. જેનું ગંભીર પરિણામ આ સમાજે ભોગવવું પડે છે. આજે યુવાધન ખોટા રવાડે ચડયું છે. સમાજ અનિષ્ટો અને અપરાધોથી ફાટફાટ થતો નજરે પડે છે. જયારથી શિક્ષકોએ સોટી છોડી દીધી છે ત્યારથી અપરાધો વધ્યા છે અને પોલીસે દંડા લેવાનો વારો આવ્યો છે. શિક્ષકો તો કાયદો અને પોતાનો વ્યવસાય જોખમમાં મુકીને ગંભીર સજા કરતા અચકાય છે. પરંતુ માતા પિતાએ આ દુષણોને ડામવા માટે પગલા લેવા પડશે. દરેક મા-બાપ ફકત પોતાના જ સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કરવામાં સફળ થશે તો એ પ્રયત્ન આ સમાજના દુષણો ઓછા કરવામાં ઘણો મોટો ભાગ હશે.
અમરોલી    – પાયલ વી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top