Charchapatra

તૂફાન ઔર દીયા

વિકરળા રશિયાએ એક ઘણા નાના રાષ્ટ્ર એવા યુક્રેઇન ઉપર યુદ્ધ છેડી દીધું છે. રશિયન ટેન્કો અને એમાંનો દારૂગોળો યુક્રેનના અનેક શહેરી વિસ્તારો ઉપર અગનગોળા ફેંકી રહ્યાં છે. એક ઇમારત બનાવતાં વર્ષો લાગી જાય એવી ઇમારતો રશિયન તોપો વડે ચંદ મિનિટોમાં જમીનદોસ્ત થઇને આગમાં પલટાઇ રહી છે. યુક્રેનમાં માત્ર વિનાશ જ વિનાશ જોવાઇ રહ્યો છે. રશિયાના હવાઇ હુમલા હવે તો માનવવસતિ ઉપર થઇ રહ્યા છે. એમાં યુક્રેનના કેટલાય નાગરિકો માર્યા જતા હશે, એના સાચા આંકડા આવે ત્યારે ખરા. રશિયન પ્રમુખ પૂટિન, યુક્રેનને તહસ-નહસ કરવા રાક્ષસી હવે જઇ રહ્યા છે. દુનિયાના અનેક દેશો પૂટિનને, યુદ્ધ બંધ કરવા વિનંતી કરી રહ્યા છે. પણ પૂટિનના મગજમાં ખૂની રાક્ષસ ઘુસી ગયો લાગે છે. એ રાક્ષસ, યુક્રેનના સૈનિકો અને આમ જનતાને કચડી રહ્યો છે. યુક્રેનમાં વસતા ઘણા દેશના નાગરિકો અને વિદ્યાર્થીઓ યુદ્ધમાં ફસાઇ ગયા છે.

ભારતે તો આપણા વિદ્યાર્થીઓ અને નાગરિકોને પાછા દેશમાં લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કરી દીધું છે. આશરે માઇનસ દસ ડીગ્રીએ આપણા વિદ્યાર્થીઓ ઠૂંઠવાઇ રહ્યા છે. બોર્ડર ઉપર પહોંચેલા આપણા વિદ્યાર્થીઓને યુક્રેનના સૈનિકો, બોર્ડર બહાર પોલેન્ડ જેવા દેશમાં જતા રોકી રહ્યા છે. આમ આપણા વિદ્યાર્થીઓ ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. હવે પૂટિનના મગજમાં ઘુસેલો ‘બાબરો ભૂત’ કયારે શાંત થાય છે, એનું સમગ્ર જગત ચિંતાતુર નજરે રાહ જોઇ રહ્યું છે. પૂટિને તો અણુશસ્ત્રો પણ સાબદાં કરવા માંડયાં છે. પૂટિન, શાંત નહિ પડે તો યુક્રેન સાફ થઇ જશે. તૂફાન સામે દીવાની શું વિસાત હોઇ શકે?! આમ છતાં યુક્રેન પૂરી તાકાત સાથે પૂટિનના મહાકાય શકિતશાળી સેના સામે ઝઝૂમી રહ્યું છે. પૂટિનના ભયંકર તૂફાન સામે, બીચારો યુક્રેનનો દીપ કયાં સુધી જલતો રહેશે?! પૂટિનની વિસ્તારવાદની ભૂખનો કોળિયો, યુક્રેન બની જશે, જેા યુદ્ધ અટકશે નહીં તો.
સુરત        – બાબુભાઇ નાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top