Business

પરીક્ષા કાઉન્ટ ડાઉન ટીક ટીક ટીક…

વહાલા વિદ્યાર્થીઓ,
આજે તા. 5:3:2022, 22 દિવસ બાકી રહ્યા. તમે પણ કાઉન્ટ ડાઉન કરી દીધું હશે. આખા શૈક્ષણિક વર્ષમાં ઓનલાઇન- ઓફલાઇન- ઓનલાઇન મોડથી શિક્ષણ કાર્ય ચાલ્યું. પરીક્ષા ઓફ લાઇન જ લેવાશેની જાહેરાત સાથે સમયપત્રક તેમ જ પેપર પેટર્ન પણ જાહેર થઇ ગઇ છે. પરીક્ષાઓ ઓફ લાઇન હોવાથી જવાબો લખવાના તો રહેશે જ. છેલ્લાં બે વર્ષથી વિદ્યાર્થીઓમાં વિવિધ કારણોસર લખવાની પ્રેકટિસ છૂટી ગઇ છે. લખવાની ઝડપ ઓછી થઇ ગઇ છે. અક્ષરો બગડી ગયા છે. આપેલા સમયમાં પુછાયેલા પ્રશ્નોના જવાબો લખાવા જોઇએ, એ પ્રાણપ્રશ્ન છે.

ધો. 10ના વિદ્યાર્થીની વાત કરીએ તો વિષય પ્રમાણે પરીક્ષા પેટર્ન પ્રશ્નપત્રની નવી સ્ટાઇલ સાથે જેમાં પાર્ટ-એ કવેશ્ચન પેપર જેતે વિષયના થિયરીને લગતા પ્રશ્નો હશે. જયારે પાર્ટ-બીમાં ચાર સેકશન હશે. નોલેજ, અન્ડરસ્ટેન્ડીંગ, એપ્લિકેશન, સ્કીલ્સ. આમ પાર્ટ-એ+બી (50+50=100) માર્કસનું પેપર હશે. આજે આપણે 50 માર્કસના થિયરીને લગતા પ્રશ્નો પરીક્ષાખંડમાં સમયમર્યાદામાં કેવી રીતે પૂરા કરવા તેની ચર્ચા કરીશું. તમારી પાસે 25 દિવસ છે. તમે પરીક્ષાને લગતું રીવીઝન શરૂ કરી દીધું હશે. પહેલાં તો વિદ્યાર્થીઓ આગળનાં વર્ષોમાં પ્રશ્નપત્ર લખવાની પ્રેકટીસ કરતાં. આ વખતે ભાર હળવો કરવા પ્રશ્નપત્રની પેટર્ન બદલાઇ છે માટે માર્ગદર્શન માટે નવી પધ્ધતિ પ્રમાણે લખવાની પ્રેકટિસ કરવી રહી. લખવાની પ્રેકટિસ વખતે એક અમલમાં મૂકી શકાય એવું વાસ્તવિક સમયપત્રક બનાવવું રહ્યું.

સમયપત્રક:
લખવાની પ્રેકટિસનો સમય પરીક્ષાના સમય પ્રમાણે કરવો. દા.ત. 10.15 વાગ્યાથી પરીક્ષામાં લખવાનો સમય છે તો 10.15 વાગ્યાથી જવાબો લખવાની પ્રેકટિસ કરવી રહી. હવે તો લગભગ લર્ન કરવા જેવું બધું જ લર્ન થઇ ગયું હશે માટે માત્ર વાંચન કરતાં પ્રશ્નપત્રની પેટર્ન પ્રમાણે સંભવિત પ્રશ્નોના ઉત્તરો મોઢે લખવા જરૂરી બને છે.

બધાં જ મુદ્દાઓનો સમાવેશ કરો:
 નવી પધ્ધતિની ચિંતા કર્યા વગર, જેતે પ્રશ્નના ઉત્તરમાં કેટલા મુદ્દાઓ હોવા જોઇએ એની આઉટલાઇન તૈયાર કરી રાખો અને એ પ્રમાણે લર્ન કરી, લખાણમાં સમાવવાનો પ્રયત્ન કરો.
■ હવે પ્રશ્નોનું વર્ગીકરણ નોલેજ-અન્ડરસ્ટેન્ડીંગ, એપ્લિકેશન અને સ્કીલ્સ પ્રમાણે છે. તો એ પ્રમાણે પાઠમાં વિગતોનું માર્ગદર્શન શિક્ષક દ્વારા કે ટયુશન શિક્ષક દ્વારા મળ્યું જ હશે. તો તેને ખ્યાલમાં રાખી પુછાયેલા પ્રશ્નમાં કોને ભાર આપવાનો છે તે સમજીને લખવામાં આવે તો પ્રશ્નનો હાર્દ સમજયા કહેવાશે.
■ જો પ્રશ્નોનો હાર્દ સમજાશે તો માર્ક અપાશે જ:
પરીક્ષાના ઉત્તર શિક્ષકો તપાસે ત્યારે ‘માર્ક કાપવા કે માર્ક આપવા’નો જ વિકલ્પ શિક્ષક પાસે હોય છે. જો જરૂરી મુદ્દાઓ એના ક્રમ પ્રમાણે લખાયા હશે તો શિક્ષક પાસે ‘માર્ક આપવાનો’ જ વિકલ્પ રહે છે જે આપ સૌના હિતમાં છે કેમ કે સામાન્ય રીતે ધો. 1-9 સુધીમાં શાળાનાં પેપર, શાળામાં પરીક્ષા અને શાળાના શિક્ષક દ્વારા જ મૂલ્યાંકન થાય એટલે થોડું કાનો-માત્રની ભૂલ જેવું ચલાવી લેવામાં આવે પણ અહીં બોર્ડમાં તો મૂલ્યાંકન કરનાર શિક્ષક તટસ્થતાથી તપાસે માટે બને તેટલી ચોકસાઈ સાથે ઉત્તરો લખવા. તમે સાચું જ લખ્યું હશે તો ‘માર્ક કાપવાનો’ વિકલ્પને અવકાશ રહેતો જ નથી.

‘સ્વ’ને ચેલેન્જ આપો
એટલે કે તમે તમારું પ્રશ્નપત્ર લખવાની પ્રેકટિસ કરી જો મોઢે લખાયું હોય તો તેનું મૂલ્યાંકન- તપાસ તમે જાતે પણ કરી શકો છો. જેથી તમને વધારે લર્ન કરવાનું છે કે બરાબર લખવાનું છે તેની ખબર પડશે. ‘આજ કરતાં કાલે વધુ સારું’ નો સિધ્ધાંત અપનાવજો. દરરોજ વધુ સારું કરવાનું ધ્યેય હશે તો પરીક્ષામાં ખૂબ જ સારું પર્ફોર્મન્સ કરી શકશો.
નંબર કરતાં ગુણવત્તા પર ભાર:
કેટલા પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ થાય છે એના કરતાં કેવી પ્રેકિટસ થાય છે એને વિશેષ મહત્ત્વ આપશો. ગુણવત્તા ભરેલ પ્રશ્નોના ઉત્તરો જ તમને વધુ સારું પરિણામ લાવી આપશે માટે સમાવેશ કરવાનાં મુદ્દાઓ, સ્પેલિંગ, અક્ષર આ બધાંનું ધ્યાન રાખી લખવાની પ્રેકટિસ કરજો.

ધ્યાન કેન્દ્રિત કરવાનું:
 મિત્રો, આપણે એવા સમયમાં જીવીએ છીએ કે કયારે કોરોનાની લહેર આપણી આજુબાજુ આવી જાય તેની અચોક્કસતાનો સતત અનુભવ કરીએ છીએ. કદાચ ઘણાં ઘરોમાં અનિચ્છનીય બનાવો પણ બન્યા હશે. એવે વખતે બાળકો અસુરક્ષિતતાની લાગણી અનુભવતાં હોય છે અને અન્ય કારણોસર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બને છે. ત્યારે કુટુંબીજનોને એક જ સલાહ કે સંતાનોનાં કારકિર્દીનાં વર્ષને ધ્યાનમાં રાખી સુમેળભર્યો, ભાવનાત્મક સપોર્ટ આપો. એમની સમસ્યા એમના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરો. સંતાનો અભ્યાસમાં જરૂરથી ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

Most Popular

To Top