ભાજપે જ્યારથી સરકાર બનાવી અને કાયદાઓ બનાવ્યા તેના પર તેના તજજ્ઞો સાથે પૂરતો વિચારવિમર્શ કર્યો નથી અને પછી એ કાયદાઓ ક્યાં તો ખેંચવા પડે યા મોકૂફ રાખવા પડે એમાં સરકારની નીતિની બુદ્ધિમાની ગણાતી નથી. વિપક્ષોને મોકળું મેદાન મળી જાય છે અને સરકાર વિશે ગમે તેમ બોલવાનો મોકો મળી જાય છે. સરકારમાં પણ ઘણા બુદ્ધિશાળી નેતાઓ બેઠેલા હોય છે છતાં આવું બને છે અને એને સરકારની આ વડા પ્રધાનની જીદમાં ગણી લેવામાં આવે છે. તો શા માટે સરકારી તંત્ર જે તે વિભાગ યોગ્ય વિચારવિમર્શ કર્યા વગર નિર્ણયો લે છે? આમાં ભાજપે ઘણાં રાજ્યોમાં પોતાની સીટો ગુમાવવી પડી છે. અત્યારના ઘણા બધા કાયદાઓ આમ પ્રજા એટલે નીચલો મધ્યમવર્ગ અને મજૂર વર્ગને માટે ઘણા નુકસાનકારક છે. ઘણી વાર તો આ બંને વર્ગને બદલે ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ખાવાનાં ફાંફાં પડી જાય એવા છે.
કાપડ પરનો જીએસટી એટલો બધો વધારે હતો કે લોકો કાપડની ખરીદી કરવાનું જ ભૂલી ગયાં હતાં. માલેતુજારોને સરકારના કોઈ કાયદાઓ કનડગત કરતાં નથી કારણ તે વર્ગનો તો મોટો સવાલ છે કે પૈસા ક્યાં વાપરવા. હવે સરકારે જીએસટીનો કાયદો કાપડ બજાર કે ખાધાખોરાકી પરથી મોકૂફ રાખવાને બદલે રદ કરવો જોઈએ. સરકાર જો એશઆરામ કરાવે એવી લક્ઝુરીયસ વસ્તુ પર મોટા કરવેરા નાંખે તો આમ પ્રજાને ઘણી રાહત થાય! હોટલો, રેસ્ટોરન્ટ (આ સિવાય) વગેરે જંકફુડ આપતી સંસ્થાઓ પર ભરપૂર ટેક્સ નાંખવા જોઈએ જેથી જંકફૂડ ખાતા લોકોને સ્વાસ્થ્યની દૃષ્ટિએ રાહત થાય. સરકારને વિનંતી કે આમઆદમીને સ્પર્શતી વસ્તુઓ પરથી ટેક્ષો એકદમ શૂન્ય કરી દઈ લક્ઝુરીયસ આઈટેમો પર ભરપૂર ટેક્સ વસૂલ કરે. હજી સમય છે, સરકારે ફરીથી વિચાર કરવાની જરૂર છે. જીએસટીને અમુક ઉપર આજીવિકાની વસ્તુઓ પરથી રદ જ કરવો જોઈએ.
સુરત – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.