નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ તાબે જીભઈપુરામાં દારૂડીયા પતિ તેમજ સાસુ-સસરાંના અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાની અઢી વર્ષની પુત્રી સાથે ટ્રેન નીચે જંપલાવી જીંદગી ટુંકાવી લીધી હતી. મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં રહેતાં પંકજભાઈ રાવજીભાઈ જાદવની પુત્રી રમીલાબેન ઉર્ફે મનીષાબેનના લગ્ન સન ૨૦૧૧ની સાલમાં ખાત્રજ તાબે જીભઈપુરા ગામમાં રહેતાં મહેશભાઈ રાવજીભાઈ ગોહેલ સાથે જ્ઞાતિના રીતીરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન જીવનમાં રમીલાબેન ઉર્ફે મનીષાબેને સન ૨૦૧૪ માં પુત્ર પાર્થને જન્મ આપ્યો હતો. જેના થોડા સમય બાદ મહેશ દારૂના રવાડે ચડી ગયો હતો અને કામધંધો છોડી દીધો હતો.
જેથી રમીલાબેન ઉર્ફે મનીષાબેન પોતાના પતિ મહેશને દારૂ પીવા બાબતે તેમજ કામધંધો કરવા મુદ્દે ઠપકો આપતાં હતાં. તે વખતે ઉશ્કેરાયેલો મહેશ અપશબ્દો બોલી પત્નિ રમીલાબેન ઉર્ફે મનીષાબેન સાથે ઝઘડો કરી મારઝુડ કરતો હતો. સાસુ-સસરાં પણ અવારનવાર ઝઘડો કરી રમીલાબેન ઉર્ફે મનીષાબેનને મારમારતાં હતાં. દારૂડીયા પતિ તેમજ સાસરીયાઓનો ત્રાસ અસહ્ય બનતાં રમીલાબેન ઉર્ફે મનીષાબેન સન ૨૦૧૭ માં પોતાના પિયર ચાલી ગઈ હતી. જેના દોઢેક વર્ષ બાદ પુત્ર પાર્થના બાળાવાળ (મુંડન) ની વિધી માટે સાસરીયાઓ રમીલાબેનને તેડી લઈ ગયાં હતાં. જે બાદ સન ૨૦૧૯ ની સાલમાં રમીલાબેન ઉર્ફે મનીષાબેને પ્રિયા નામની પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાદ પણ સાસરીયાઓ ભેગાં મળી રમીલાબેન ઉર્ફે મનીષાબેનને ત્રાસ આપતાં હતાં. ગત તા.૨૭-૨-૨૨ ના રોજ રાત્રીના સમયે અઢી વર્ષીય પ્રિયાને એકાએક ખાંસી થઈ હતી. જેથી બીજા દિવસે સવારે પ્રિયાને દવાખાને લઈ જવા રમીલાબેન ઉર્ફે મનીષાબેને પતિ મહેશને જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે સવારે મહેશ પોતાની પુત્રીને દવાખાને લઈ જવાની ના પાડી દીધી હતી અને નોકરીએ જવા તૈયાર થઈ ગયો હતો. જેથી રમીલાબેન ઉર્ફે મનીષાબેન અને પતિ મહેશ વચ્ચે ઝઘડો થયો હતો.
તેમછતાં મહેશ પોતાની પુત્રીને દવાખાને લઈ ગયો ન હતો અને નોકરીએ ચાલ્યો ગયો હતો. પતિ મહેશ બિમાર પુત્રીની સારવારની પણ દરકાર લેતો ન હોવાથી રમીલાબેન ઉર્ફે મનીષાબેને લાગી આવ્યું હતું. જેથી રમીલાબેન ઉર્ફે મનીષાબેન પોતાની અઢી વર્ષની પુત્રી પ્રિયાને લઈને ઘરેથી નીકળી મહેમદાવાદના ટેકરીયા વિસ્તારમાં આવેલ રેલ્વે ગરનાળાએ પહોંચ્યાં હતાં. જ્યાં ટ્રેક પરથી પુરપાટ ઝડપે પસાર થતી ટ્રેન નીચે રમીલાબેન ઉર્ફે મનીષાબેને પોતાની અઢી વર્ષીય પુત્રી પ્રિયા સાથે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જોકે, પ્રિયાને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરણજનાર રમીલાબેનના પિતા પંકજભાઈ રાવજીભાઈ જાદવની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે મહેશભાઈ રાવજીભાઈ ગોહેલ, રાવજીભાઈ મોહનભાઈ ગોહેલ અને કપીલાબેન રાવજીભાઈ ગોહેલ સામે ગુનો નોંધ્યો હતો.
આઠ વર્ષના પાર્થે માતાની મમતા ગુમાવી
રમીલાબેન ઉર્ફે મનીષાબેનને સંતાનમાં આઠ વર્ષીય પુત્ર પાર્થ અને અઢી વર્ષીય પુત્રી પ્રિયા હતાં. બંને સંતાનોનું ભવિષ્ય ન બગડે તે માટે રમીલાબેન છેલ્લાં સાતેક વર્ષથી દારૂડીયા પતિ તેમજ સાસરીયાઓના ત્રાસ સહન કરી રહ્યાં હતાં. જોકે, આ ત્રાસ અસહ્ય બનતાં આખરે રમીલાબેન ઉર્ફે મનીષાબેને પોતાની અઢી વર્ષીય પુત્રી સાથે ટ્રેન નીચે જંપલાવી જીંદગી ટુંકાવી લીધી હતી. જેને પગલે આઠ વર્ષીય પાર્થે એક ઝાટકે માતાની મમતાં અને બહેનનો સાથ ગુમાવી દીધો છે.
પુત્રીની હત્યા બદલ માતા સામે ગુનો નોંધાયો
પતિ તેમજ સાસુ-સસરાંના અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલાં રમીલાબેન ઉર્ફે મનીષાબેને અઢી વર્ષની પુત્રી સાથે ટ્રેન નીચે જંપલાવી મોત વ્હાલુ કર્યું હતું. આ બનાવ અંગે મહેશભાઈએ પોતાની પુત્રીના મોત માટે જવાબદાર પત્નિ રમીલાબેન સામે મહેમદાવાદ પોલીસમથકમાં ફરિયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.