Gujarat

જીટીયુનાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે હવે ઇન્ટર્નશિપ ફરજિયાત

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (Gujarat Technological University-GUT)એ રાજ્યમાં એન્જિનિયરિંગ (Engineering) અભ્યાસક્રમની ઘટતી લોકપ્રિયતાનો મુદ્દો ઉકેલવા માટે અંતિમ વર્ષના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે 12 સપ્તાહની (Week) એટલે કે 84 દિવસની (Days) ફરજિયાત ઇન્ટર્નશિપનો નિયમ લાગુ કર્યો છે. 5,400થી વધુ સંલગ્ન કોલેજો અને 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથેની સૌથી મોટી આ ટેકનિકલ યુનિવર્સિટીમાં અત્યાર સુધી ઈન્ટર્નશિપ માત્ર વૈકલ્પિક જ હતી.

16 જાન્યુઆરીથી શરૂ થયેલા ચાલુ સેમેસ્ટરથી શરૂ કરીને જીટીયુની (GTU) તમામ શાખાઓમાં આઠમાં સેમેસ્ટરમાં 40,000 થી વધુ એન્જિનિયરિંગ (BE અને BTech) વિદ્યાર્થીઓ ફરજિયાત પણે ત્રણ મહિનાની ફિલ્ડ ઇન્ટર્નશિપમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં 300 થી વધુ એન્જિનિયરિંગ કોલેજોના પ્રિન્સિપાલો તેમજ ઉદ્યોગોના નિષ્ણાતો સાથેના ઘણા રાઉન્ડના મંથન સત્રો પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉદ્યોગો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે વિદ્યાર્થીઓ તેમની ઇન્ટર્નશીપના બનાવટી પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરી રહ્યા છે. જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠનાં જણાવ્યા અનુસાર, આ સત્રો દરમિયાન એક સામાન્ય બાબત બહાર આવી છે તે એ હતી કે કોલેજોમાંથી બહાર આવતા એન્જિનિયરોની ગુણવત્તામાં અને સંખ્યામાં પણ ઘટાડો થયો છે કારણ કે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં રોજગારીના અભાવે જવાનું પસંદ કરતાં નથી અને તેઓ માટે ઇન્ટર્નશિપ વૈકલ્પિક હોવાથી ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરવાનું પસંદ કરે છે. તેથી જીટીયુએ છેલ્લા સેમેસ્ટરને (આઠમું સેમેસ્ટર) સંપૂર્ણપણે ઇન્ટર્નશિપમાં રૂપાંતરિત કર્યું. આ વર્ષથી આ નવા નિયમ સાથે આ પ્રકારની પ્રથમ બેચ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત, આ માટે દરેક વિદ્યાર્થી માટે ઉદ્યોગ અને સંસ્થાઓમાંથી એક માર્ગદર્શકની નિમણૂક કરવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ પાસાઓમાં જ નહીં પણ સોફ્ટ સ્કિલ્સમાં પણ સંપૂર્ણ સમયની, વ્યવહારિક પ્રેક્ટિસની જરૂર છે. વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠતા લાવવા માટે એક પ્રકારની ઇન્ડસ્ટ્રી તૈયારી કરવાની જરૂર છે. કોલેજોને ઈન્ટર્નશીપ માટેની ખાલી જગ્યાઓ અંગે ઈન્ડસ્ટ્રીઝ પાસેથી માહિતી એકત્રિત કરી અને વિદ્યાર્થીઓ સરળ રીતે પસંદ કરી શકે તેના માટે સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી અપલોડ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કેટલીક કંપનીઓ સ્ટાઈપેન્ડ ઓફર કરી રહી છે, અન્યોએ પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટે પણ ડાયરેક્ટ પ્લેસમેન્ટની ખાતરી આપી છે. નકલી અહેવાલોના દાખલાઓને જોતા વિદ્યાર્થીઓના પ્રદર્શનને ટ્રેક કરવા માટે એક મોનિટરિંગ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે અને ઉદ્યોગોને આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જીટીયુએ એક મોનિટરિંગ મિકેનિઝમ બનાવ્યું છે જેમાં ઉદ્યોગો વિદ્યાર્થીઓના પ્રદર્શન પર માસિક પ્રતિસાદ આપશે.

Most Popular

To Top