મોની રોય હવે સુરજ નાંબિયારની પત્ની છે. ‘નાગિન’થી જેની કારકિર્દીએ ફૂંફાડો મારેલો એ મૌની વિશે હવે સવાલ પૂછાય રહ્યા છે કે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશે કે નહિ? હજુ આમ જુઓ તો ફિલ્મોમાં તેની કારકિર્દી શરૂ જ થઇ હતી. ‘ગોલ્ડ’, ‘રોમિયો અકબર વોલ્ટર’, ‘મેડ ઇન ચાઇના’, ‘લંડન કોન્ફિડેન્શીઅલ’ ને ‘વેલ’ ફિલ્મો વડે તેણે એવું પૂરવાર તો કર્યું કે તે ટોપની હીરોઇનો વચ્ચે ટોપ પર પહોંચી શકે છે. પણ હવે લગ્ન કરવાને કારણે તેની આગળની કારકિર્દી અટકી જશે એવું લાગે છે. તેણે જેની સાથે લગ્ન કર્યા તે દૂબઇ રહેતો બિઝનેસ મેન છે. તે જયારે સુરજને ડેટ કરતી હતી ત્યારે વારંવાર દૂબઇ જતી અને એ જોઇ તેને યુએઇના ગોલ્ડન વિઝા મળેલા. મતલબ કે તે સુરજ વિના રહી શકે તેમ નથી તો પછી ફિલ્મોમાં કામ કઇ રીતે કરશે?
મૌની જયારે ટી.વી. સિરીયલોમાં કામ કરતી હતી ત્યારે વધારે ગંભીર હતી કારણ કે તેણે કારકિર્દી બનાવવી હતી પણ ફિલ્મોમાં આવ્યા પછી ટી.વી. સિરીયલ્સને પડતી મુકી. તેને થોડાક મ્યુઝિક વિડીયો મળ્યા તો કામ કરી લીધું. તે અત્યારે જે ફિલ્મોમાં કામ કરે છે તે પછીની નવી ફિલ્મો સ્વીકારવી બંધ કરી છે. રણબીર કપૂર, અમિતાભ અને આલિયા ભટ્ટ સાથેની ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત વિકાસ બહલની ‘ગનપત પાર્ટ વન’ ઉપરાંત સંજય ગુપ્તાની એક ફિલ્મમાં તે હર્ષર્ધન રાણે અને મિઝાન જાફરી સાથે કામ કરી રહી છે. તે નવી ફિલ્મો નથી સ્વીકારતી એટલે ઘણા નિર્માતા સમજી ગયા છે કે મૌની રોયને હવે ફિલ્મોમાં વધારે રસ રહ્યો નથી. શરૂઆતની ફિલ્મો કોઇ પણ અભિનેતા કે અભિનેત્રી માટે ભવિષ્યના રોકાણ સમી હોય છે.
એ ફિલ્મો આધારે તેમનું ભવિષ્ય નક્કી થાય છે. મૌની રોયએ જે ફિલ્મોમાં કામ કર્યું તે હવે તેને ભવિષ્યમાં કામ લાગશે નહીં. જો પોતે સક્રિય ન રહે. ‘બ્રહ્માસ્ત્ર’માન મુખ્ય વિલન બનેલી મૌની જાણે પોતાની કારકિર્દીની પણ વિલન બની ગઇ છે કે શું? ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ સાથે કામ કર્યા પછી તે બોલી હતી કે હવે મને મારી કારકિર્દીનો સંતોષ છે. જેણે લાંબો સમય કામ કરવું હોય તે આવા સંતોષી ન બની શકે. મૌન અત્યારે મિલન લુથરીયાની વેબ સિરીઝમાં પણ તાહિર રાજ ભસીન, નેહા શર્મા સાથે કામ કરે છે. અર્ણબની ‘સુલતાન ઓફ દિલ્હી: ’ પરથી બની રહેલી સિરીઝ તેની એક માત્ર વેબ સિરીઝ બની રહે એમ લાગે છે. મૌની કામણગારી છે અને પરદાપર કામણ સર્જે છે પરંતુ તેણે વધુ ફિલ્મોમાં કામ કરવું જોઇએ. કયારેક આઇએએસ બનવા ચાહતી મૌની શું બિઝનેસમેન પતિની ગૃહિણી તરીકેના સુખથી તૃપ્ત બની રહેશે?