આણંદ : આણંદ જિલ્લાના બોરસદ અને સોજિત્રાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દિપડો હોવાના સગડ મળતાં હતાં. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સતત ફફડાટની લાગણી જન્મતી હતી. દરમિયાનમાં દંતાલી ગામે કેળના ખેતરમાં દીપડો દેખાતા વન વિભાગ અને એનજીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્રણથી ચાર કલાકની જહેમત બાદ પાજંરો પુરવામાં સફળતા મળી હતી. જોકે, આ પકડદાવમાં બે સ્વયંસેવકો પર દીપડાએ હુમલો કરતાં તેમને ઇજા પહોંચી હતી. જોકે, આ જ દીપડો બોરસદ અને સોજિત્રાનો છે કે કેમ ? તે હજુ વન વિભાગે તપાસ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના દંતાલી ગામે બુધવાર સવારે કેળના ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતે અચાનક દીપડો જોતાં ચોંકી ગયાં હતાં. આ અંગે તેઓએ તાત્કાલિક ગામમાં જાણ કરતાં વન વિભાગને ખબર આપવામાં આવી હતી. જેના પગલે વન વિભાગની ટીમ દંતાલી ગામે પહોંચી હતી. દીપડો હોવાની પુષ્ટિ થતાં તેના રેસ્ક્યુ માટે તુરંત એનજીઓની મદદ લેતા વિદ્યાનગર નેચર હેલ્પ પાઉન્ડેશન અને દયા ફાઉન્ડેશન કરમસદની ટીમ દંતાલી ગામે પહોંચી હતી. બપોરે દોઢેક વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ખુલ્લા ખેતરમાં દીપડાનું રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આમ છતાં ફાઉન્ડેશનના સ્વયંસેવકો જાળી લઇને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી. આખરે નમતી બપોરે દીપડો જાળીમાં ફસાતાં તેને પકડી પાંજરે પુરવામાં આવ્યો હતો. આશરે ત્રણેક કલાક ચાલેલા આ ઓપરેશનના અંતે ગ્રામજનોએ હાશકારો લીધો હતો.
ખુલ્લામાં રેસ્ક્યુ કરવું પડકારજનક હતું
`દંતાલી ગામે પકડાયેલો દીપડો 4થી 5 વર્ષની ઉંમરનો છે. તે યુવા અવસ્થા કહેવાય. અહીં તેણે પાડીનું મારણ કર્યું હોવાથી તેની હાજરી ખુલ્લી પડી ગઇ હતી. જોકે, ખુલ્લા ખેતરોમાં રેસ્ક્યુ કરવું ખૂબ જ પડકારજનક હતું. આમ છતાં સ્વયંસેવકોની મદદથી જાળીમાં ફસાતાં પાંજરે પુરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન કિશન પટેલ અને શિવમ્ જોષી નામના બે સ્વયંસેવકોને દીપડાને પંજો મારી દીધો હતો અને બટકુ ભરી લેતાં ઘવાયાં હતાં.’ – રાહુલ સોલંકી, નેચર હેલ્પ ફાઉન્ડેશન, વિદ્યાનગર.