1930ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના સોનાના શોધક લાલચુ માણસોએ પાપુઆ ન્યૂ ગિનીના ઉચ્ચ પ્રદેશની મોજણી કરી ત્યાં સુધી દુનિયાના મોટા ભાગના લોકોને ખબર ન હતી કે આ પ્રદેશમાં કોઇ રહે છે પણ આ પર્વતખેડુઓએ શોધી કાઢયું કે લગભગ દસ લાખ લોકો અહીં રહે છે, પણ 1950ના દાયકાના સંશોધકોને આશ્ચર્ય એ વાતનું થયું કે અહીં લોકો વિચિત્ર કારણથી મરતા હતા. ફોર નામના એક આદિવાસી કબીલામાં દર વર્ષે બસો લોકો કુરુ નામના ભેદી રોગથી મરતા હતા. કુરુ એટલે ધ્રુજારી. એક વાર કુરુનાં લક્ષણો શરૂ થયાં પછી કયારે મૃત્યુ આવે તેની રાહ જોવાની. દર્દીને સૌ પ્રથમ તો ચાલવાની તકલીફ પડે, પછી તેઓ પગ સાથે હાથ પરથી પણ કાબૂ ગુમાવી દે પછી વારો આવે લાગણી પરનું નિયંત્રણ ગુમાવી દેવાનો અને તેને અટ્ટહાસ્ય સાથેનું મોત કહે.
દર્દીઓ કેટલીક વાર ખડખડાટ હાસ્ય કરતા મૃત્યુ પામે. રોગનાં લક્ષણ શરૂ થાય તે પછી સૌ પ્રથમ ગંભીર પરિણામ એ આવે કે દર્દી ગણતરીના કલાકોમાં હસતા હસતા મરી જાય અથવા એક વર્ષ સુધીમાં બેઠા થવાની ક્ષમતા ગુમાવી દીધા પછી ખોરાક ખાઇ પણ નહીં શકે અને જમીન પરથી ઊઠી પણ નહીં શકે અને શરીરનાં દૈનિક કાર્યો પર પણ નિયંત્રણ નહીં રહે. પુખ્ત વયની સ્ત્રીઓ અને આઠ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો આ રોગનો ઝડપથી શિકાર બને છે. આ રોગનું મૂળ કારણ માનવ માંસ ખાવાની પ્રવૃત્તિમાં હોવાનું સંશોધકો માને છે. કેટલાંક ગામોમાં તો પુખ્ત વયની સ્ત્રીઓ બચી જ નથી અને તેથી નૃવંશશાસ્ત્રીઓ આ કબીલાને નામશેષ થતો બચાવવા માટે મથી રહ્યા છે એમ ન્યૂયોર્ક નૃવંશશાસ્ત્રી શર્લી લિંડરબોમે કહ્યું હતું.
આ રોગનું કારણ શોધવાનું સંશોધકો માટે સહેલું ન હતું. ચેપ લગાડે તેવાં સંખ્યાબંધ પરિબળોને ચકાસી તેમણે જમીન તત્ત્વો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1961માં લિન્ડરબોમે ગામડે ગામડે તપાસ કરી પરિવારના વૃક્ષોના નકશા બનાવ્યા, પણ કંઇ પત્તો ખાધો નહીં. તેઓ માથું ખંજવાળવા લાગ્યા અને તેને એક ભયંકર વિચાર આવ્યો અને તે પોતે ધ્રુજી ઊઠી! આ આદિવાસીઓની અંતિમ ક્રિયા વિશે મેં કેમ કંઇ વિચાર ન કર્યો? શર્લીએ આ બાબતમાં ધ્યાન આપ્યું તો જણાયું કે ફોર આદિવાસીઓ પોતાના સ્વજનોના શબને ખાઇ ખાઇને અંતિમ ક્રિયા કરતા હતા!! ઘણાં ગામમાં કોઇ માનવી મરી જાય તો મરનાર પ્રત્યે શોક દર્શાવવા અને પ્રેમ બતાવવા તેના શબના ટુકડા કરી રાંધીને ખાતા હતા અને કહેતા કે કીડા અને ઉંદર કે એવા અન્ય જાનવર કબરમાં અમારા સ્વજન ખાય તે થોડું ચાલે!
સામાન્ય રીતે પુખ્ત વયની સ્ત્રીઓ આ ક્રિયા કરતી કારણ કે તેઓ માનતી કે પોતે આ ક્રિયા નહીં કરે તો મરનારના શરીરમાં પ્રેત ભરાઇ જશે. વિજ્ઞાનીઓ ઊંડા અભ્યાસ પછી એ તારણ પર આવ્યા કે ફોર કબીલામાં મૃતદેહની ભયંકર અંતિમ વિધિને કારણે આ રોગ અસ્તિત્વમાં આવ્યો. આ સંશોધન બદલ નોબેલ પારિતોષિક મેળવનાર આ જૂથે તેને ‘સ્તો વાઇરસ’ નામ આપ્યું પણ તે વાઇરસ, બેકટેરિયા, ફૂગ કે પરોપજીવી જીવ ન હતો. તે જીવ જ ન હતો. તે એક વિકૃત પ્રોટિન હોવાનું બીજા જૂથને જાણવા મળ્યું અને તે મગજમાં છિદ્રો પાડી તેને વિકૃત બનાવી દે છે. ફોર લોકોએ મૃતદેહની મિજબાની બંધ કર્યાને 50થી વધુ વર્ષો થયાં છે. આખરે 2009 પછી ફુરુ જેવાં લક્ષણો ક્રુઝ ફેલ્ટ જેકબ ડિસીઝથી પ્રચલિત છે અને તે મેડ કાઉ ડિસીઝથી પીડાતી ગાયનું માંસ ખાવાથી ફેલાય છે.
-નરેન્દ્ર જોષી