નવો દેશ, નવો પરિવેશ, નવા લોકો! બધું જ નવું. અરે! પોતે પણ નવી નથી થઈ ગઈ! જાણે કોઈએ તાંબાના લોટાને લીંબુથી ઘસી ઘસીને ઉટક્યો હોય તેવું ચકચકિત નવું ક્લેવર! નવોનકોર જીમ સૂટ, સાથે મેંચિગ શૂઝ અને લાંબા વાળની ઊંચી લીધેલી પોનીટેલ..ઈશા પોતાના પર જ મોહી પડી હોય તેમ પોતાને ક્ષણભર નીરખી રહી. ખરેખર આ એનો નવો જન્મ છે. હજુ મહિના પહેલાં તો એ ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં રહેતી હતી. ત્યાં આધુનિક જીમની વાત તો છોડો રમવા માટે એક સરખું મેદાન પણ ન હતું. હતી તો સીમ. જેમાં તરછોડાયેલાં ઢોર અને કૂતરાં ફરતાં હોય! કચરાના ઢગલા અને ઠેર ઠેર ઊડતી પ્લાસ્ટિકની કોથળીઓના ડૂચા! અહીં તો રસ્તા પર કાગળની ચબરખી પણ દેખાતી નથી. ઢોર કે કૂતરાં તો શું ઉંદરડો પણ દેખાતો નથી. જે દેખાય તે ચકચકિત હોય. કૂતરાંય એવા રૂપાળા લાગે કે ન પૂછો વાત. તરત ઊંચકીને વહાલ કરવાનું મન થાય તેવા.
પાછા ટ્રેઈન કરેલાં હોય! એટલે તમારાં કપડાં પણ ન બગાડે. ઈશા જીમમાં પહોંચીને કસરત કરવા મંડી. સાથે ભણતાં બે–ચાર ઈન્ડિયન વિદ્યાર્થીઓ જીમમાં દેખાયા એટલે એમની સાથે પણ હાય હેલ્લો કરી લીધું. જીમમાં કલાક એક્સરસાઈઝ કરીને એ ફટાફટ ઘરે આવી. હેલ્ધી સાર ડો બ્રેડની સેન્ડવિચ બનાવતાં સમયે વતનમાં ખાધેલી અનહેલ્ધી અને મેંદાના લોંદા જેવી બ્રેડ એને યાદ આવી. અવાકાડો સાથે સેલેરીનાં પત્તાં અને બેબી ટમેટો મૂકીને એણે હેલ્ધી સેન્ડવિચ બનાવીને ડબ્બો ભર્યો ત્યારે વિશ્વના શ્રેષ્ઠ દેશમાં રહેવા મળે છે તેનું અભિમાન ચહેરા પર છલકાયું. બ્રેકફાસ્ટ માટે ઓટસ અને ફ્રૂટસ સ્મુધી બનાવી એણે ગ્લાસ ભરીને પીધો. હેલ્ધી બ્રેકફાસ્ટ. વતનમાં તો ચા ને ભાખરી એ ખાતી હતી. એ યાદ આવતાં એનું મોઢું બગડી ગયું.
યાર કેવા દિવસો પસાર કર્યા. હજુ તો અહીં આવે બે મહિના થયા છે પણ લાગે છે કે હવે પાછા વતનમાં જઇશ તો કઈ રીતે રહી શકીશ? આ બધી ફેસિલિટી વિના તો બહુ અઘરું થઈ જશે. હમણાં તો જવું જ નથી. બે વર્ષ ભણી લઉં પછી જોયું જશે. આ વિચારતાં ઈશા કોલેજ જવા માટે યુનિવર્સિટીની AC બસ પકડીને કોલેજ પહોંચી. કોલેજમાં લેક્ચર ભરીને એને પાર્ટ ટાઈમ જોબ માટે લેબોરેટરીમાં જવાનું હતું. લેબોરેટરીમાં એ પ્રોફેસરના હેલ્પર તરીકે કામ કરતી હતી. પ્રોફેસર એટલાં પ્રામાણિક હતાં કે ઈશા ચાર થી પાંચ કલાક કામ કરતી તે માટે દર મહિને એને એક હજાર ડોલર પગાર આપતાં. વતનમાં ગામની નજીકની કોલેજમાં એ ફિઝિક્સમાં B.Sc. કરતી હતી ત્યારે લેબમાં પ્રોફેસરને ખૂબ મદદ કરતી. ઘણી વાર જુનિયર સ્ટુડન્ટને એ જ પ્રયોગ શીખવાડતી પણ કદી પ્રોફેસરે એને પાંચિયું પકડાવ્યું ન હતું. હા, વખાણ સાંભળવા મળતાં, ‘ઈશા બહુ હોંશિયાર છોકરી છે. મહેનતુ!’ બસ આ સર્ટિફિકેટથી સંતોષ હતો. ત્યારે ક્યાં ખબર હતી કે પ્રોફેસરને મદદ કરો તો પણ પૈસા મળે?
જો કે એના વતનના પ્રોફેસરનો એક ઉપકાર ખરો. ઈશાની હોંશિયારી જોઈને જ એમણે એને ફિઝિક્સમાં આગળ ભણવા માટે દિશા ચીંધી. બાકી હતું તે ઈશાએ પોતાની હોંશિયારીથી ખાખાખોળા કરીને ફોરેન યુનિવર્સિટીમાં ભણવા માટેની એક્ઝામથી લઈને પાસપોર્ટ બનાવવા સુધીની માથાકૂટ જાતે કરી લીધી. પપ્પા પાસે એટલા પૈસા ન હતા કે એને ભણવા બહાર મોકલી શકે એટલે ખેતર પર બેન્કમાંથી લોન લીધી. પપ્પાએ શરત કરી કે એ લોન ભરશે નહીં તો એના લગ્ન માટે એનાં મમ્મી–પપ્પા પાઈપૈસો ખરચશે નહીં. એ શરત ઈશાએ કબૂલ રાખી હતી. એને લગ્ન કરવા કરતાં કરિયર બનાવવામાં રસ હતો. લગ્ન કરીને હાઉસ વાઈફ બનવાનું સપનું કદી એણે જોયું ન હતું. હાઉસવાઇફ કીસ ચિડયા કા નામ હૈ ! એવો ઈશાનો અટિટ્યુડ હતો. વર્ષ તો જોત જોતામાં નીકળી ગયું. ઈશાએ અહીંની કોલેજમાં પણ જાત જાતની એક્ટિવિટી ચાલુ રાખી હતી. એમાં નાનાંમોટાં ઇનામ જીતીને થોડી કમાણી કરી લેતી હતી. એ સિવાય વેકેશનમાં એણે બર્ગર શોપમાં ફૂલ ટાઈમ જોબ કરીને 5000 ડોલર એક્ઠા કરી લીધા. ત્યારે એને સંતોષ થયો.
બીજા વર્ષની શરૂઆત પણ સરસ રહી. એના પ્રોફેસરે એની લગન અને આવડત જોઇને પોતાની આસિસ્ટન્ટ તરીકેની જોબ આપી. હવે ઈશાને દર મહિને 2000 ડોલર પગાર મળવા લાગ્યો. સાથે સાથે એ વીકએન્ડમાં મોજમજા કરવાના બદલે મોલમાં કે ગેસ સ્ટેશન પર જોબ કરી લેતી. ત્રીજું સેમેસ્ટર પૂરું થાય તે પહેલાં તો એણે જોબ મેળવી લીધી. શાંતિથી હવે ચોથું સેમેસ્ટર પૂરું કરવાનું બાકી રહ્યું. બસ પછી ઇન્ડિયા એક આંટો મારી લેવો. પછી તો કોને ખબર ક્યારે જવાશે. એક વાર જોબ ચાલુ કર્યા પછી માંડ એકાદ- બે વીક મળે. ઈશાને પોતાનો દેશ તો નહીં પણ મમ્મી–પપ્પા અને ખાસ તો નાનો ભાઈ યાદ આવતો હતો. એ પણ બારમા ધોરણમાં આવશે એટલે એને તો ગ્રેજયુએટ જ અહીં પોતાની સાથે રાખીને કરાવવો તેવું એણે નક્કી કરી લીધું હતું. બસ એને સમજાવવા માટે જ એ ઇન્ડિયા જવા ઈચ્છતી હતી. ઈશા મહિનાની રજા લઈને ઈન્ડિયા આવી ત્યારે એને વસ્તીથી ઊભરાતું ગંદુંગોબરું ભારત જોઇને ચીડ ચડી. ઘરે પહોંચી ત્યારે મમ્મીએ આરતી ઉતારી. એ જોઈને એ ચિડાઇ. બે–ત્રણ દિવસ જેટલેગમાં ગયા. ત્રીજા દિવસે એ જરા ફ્રેશ થઈને ભાઈ સાથે વાત કરવા બેઠી. ત્યારે ભાઈએ બહાર ભણવા જવાનો પ્રસ્તાવ તરત નકારી દીધો. કારણ પૂછયું તો એટલું જ બોલ્યો, ‘જેવો છે તેવો મારો દેશ છે!’ ઈશા એને નવાઈથી તાકી રહી.