Charchapatra

ધર્મ અને વિજ્ઞાન પરસ્પર જોડાયેલાં છે

 ‘ રામન અસરની’ (રામન ઇફેક્ટ )શોધ ભારતના  સર સી.વી.રામને કરી હતી.પોતાની શોધની જાહેરાત ૨૮ મી ફેબ્રુઆરીએ કરી હતી,જેના માટે તેમને ૧૯૩૦ માં નૉબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું.વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ જાગૃતિ લાવવા માટે ભારતમાં દર વર્ષે ૨૮ મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધર્મમાં પૂર્ણ વિજ્ઞાન અને વિજ્ઞાનમાં પૂર્ણ અધ્યાત્મ રહેલું છે. દરેક તહેવારો, ઉત્સવો, રીતિ રિવાજો, પરંપરા અને ધર્મમાં ક્યાંકને ક્યાંક વિજ્ઞાન છૂપાયેલું છે. એની અજ્ઞાનતાના કારણે માનવ ધર્માંધ બની અંધશ્રદ્ધા,વહેમ અને ધર્મભીરુ બની જાય છે અને વિજ્ઞાને શોધેલાં યંત્રોનો ઉપયોગ વિનાશ માટે કરે છે.માનવીની દરેક ક્રિયાઓમાં વિજ્ઞાન છે. વૈજ્ઞાનિકોએ અનેક શોધ કરી માનવજાતને વિવિધ સાધનો આપ્યાં છે, જે જરૂરી પણ છે. તેનો અવિચારી ઉપયોગ વિવેક ગુમાવે છે અને વિનાશની ગર્તામાં ડુબાડે છે.

અલ્ટ્રાસાઉન્ડથી (સોનોગ્રાફી )ગર્ભમાં રહેલ બાળકનું જાતિ પરીક્ષણ થાય છે. જાતિ જાણ્યા પછી દીકરી હોય તો ભ્રૂણહત્યા  કરીએ ,ત્યારે વિજ્ઞાનનો દુરુપયોગ કર્યો કહેવાય. ગર્ભમાં રહેલ ભ્રૂણની હત્યા ન કરાય આ વાતનો વિવેક ધર્મ જ આપે. વિજ્ઞાનની સાથે ધર્મને સાચા અર્થમાં સમજી અનુસરીએ  તો વિનાશ નહીં, વિકાસ જ થશે. વિજ્ઞાન જો પોતાના ધર્મને સમજે અને ધર્મ જો પોતાના વિજ્ઞાનને સમજે તો વિશ્વશાંતિ!  રશિયા જેવા મહત્ત્વાકાંક્ષી દેશો વિજ્ઞાને શોધેલ શસ્ત્રોનો/ યંત્રોનો ઉપયોગ શક્તિ પ્રદર્શન માટે કરે એનાથી વિનાશ જ સર્જાય. ત્યારે કહી શકાય કે વિજ્ઞાન ક્યારેય માણસને માનવધર્મ ન શીખવી શકે. માનવતા તો ધર્મ જ નિર્માણ કરી શકે.માનવતા વગરનું બધું જ ખતરારૂપ છે એ ના ભુલાય. વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન આપે, પણ જ્ઞાનનો સદુપયોગ કરવાનો વિવેક તો ધર્મ જ આપી શકે.
સુરત     – અરુણ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top