Charchapatra

વિકાસ, વિનાશ અને ‘પ્રલય’..!!

વિકાસને નામે હરિફાઈઓ કરવા બેઠેલા નેતાઓ(?!) જોત જોતામાં દુશ્મનો બનીને યુદ્ધના સમરાંગણમાં આવી ગયાં છે. એક અણુંબોંબ માત્ર, કેટલો વિનાશકારી પૂરવાર થયેલો, તે દુનિયાએ અનુભવેલું છે. (હિરોશીમા- નાગાસાકી) જ્યારે આજે તો ન્યુટ્રોન- બોંબ, નેયામ બોંબ, કેમિકલ વેપન્સ, જીવાણું-શસ્ત્રો તેમજ જીવલેણ ગેસવાળા શસ્ત્રોનો ભંડાર દુનિયા પાસે છે. કોરોના પણ એવું જ એક છૂપું શસ્ત્ર ગણાય. દુનિયા  જાણે વિનાશને આરે આવીને ઉભી હોય એવું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આજની ઉત્કૃષ્ટ ટેકનોલોજીવાળી સંસ્કૃતિ સેંકડો વર્ષો પાછળ ધકેલાઈ જશે?! વિશ્વનેતા બનવા થનગની રહેલાં નેતાઓ જનતા જનાર્દન તો વિચાર કરતા જ નથી.

70 વર્ષ પહેલાં મે વાંચેલી બોધપ્રધાન નવલકથા  ‘‘પ્રલય’’ (ર.વ.દેસાઈ) માં જાણે આજની દુનિયાનું જ ચિત્રણ! મારી સ્મૃતિ પ્રમાણે વિનાશકારી શસ્ત્રોની શોધ કરનાર પેલો વૈજ્ઞાનિક યુદ્ધથી બચવા માટે ગભરાઈને એક પહાડ પર ચઢી જાય છે. પોતાની જાતને તો બચાવી લે છે, પરંતુ માનવો નો મહાવિનાશ- પ્રલય જોઈને, હેબતાઈ જઈને ‘‘હવે હું એકલો કોના માટે જીવીશ’’ એમ કહીને પેલા પહાડ પરથી નીચે ઝંપલાવીને મોતને વહાલું કરે છે. આજે તો યુ.નો. નામની કટોકટી નિવારક સંસ્થા પણ લાચાર બનીને તમાશો જોઈ રહી છે. ચંદ્ર-મંગળ પર પહોંચેલો માનવી એક-બીજાના હૃદય સુધી પણ પહોંચી શકતો નથી. એનાથી મોટી વિટંબણા બીજી કઈ હોઈ શકે?! આવનારી પેઢી માટે નંદનવન પૃથ્વીને સાચવીએ અને સહી સલામત રાખીએ. કુર્યાત સદા મંગલમ.
સુરત     – રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top