Business

ગધેડાની છે અછત, છતાં છે એની બોલબાલા

‘ગધેડો’  શબ્દ  કેટલીક વાર  આપણે સામેવાળાને  ‘મૂરખ’ કહેવા માટે વાપરીએ છીએ. કામમાં ગરબડ કરે કે લોચો મારે ત્યારે ભૂલ દર્શાવવા કે આપણી ખીજ ઉતારવા પેલાને ગદર્ભના પર્યાયી એવા આ શબ્દથી નવાજીએ. હવે આ તાજા સમાચાર વાંચો. એક અહેવાલ કહે છે : ‘ગુજરાતમાં ગધેડા ઘટી રહ્યા છે!’ સમાચાર આશ્ચર્ય કરતાં રમૂજ ઉપજાવનારા વધુ છે કારણ કે આપણે બધાં જાણીએ-માનીએ  છીએ કે ગુજરાતી પ્રજા વેપારી છે- શાણી છે-બેવકૂફીભર્યાં કામ ઓછાં કરે છે અને આપણા ગુજરાતમાં આવા માણસો જો ઘટી રહ્યા હોય તો હરખની વાત છે.

જો કે, બીજી બાજુ આપણે ત્યાં ‘ગધેડાની ઘટતી જતી વસતિ’  એક રીતે સારા સમાચાર ન ગણાય. પશુ-પ્રાણીની છેલ્લામાં છેલ્લી  ૨ વર્ષની ગણતરીના  અહેવાલ મુજબ : ગુજરાતમાં સિંહ -દીપડા -નીલગાય જેવાં પ્રાણીની વસતિ વધી રહી છે પણ ગધેડાની ઘટી રહી છે. આમ જુઓ તો દેશભરમાં ગદર્ભની સંખ્યામાં 61% ઘટાડો નોંધાયો છે. એમાં ગુજરાતમાં આ પ્રમાણ 71% છે, જે ચિંતાજનક ગણાય.  આંકડાની ભાષામાં વાત કરીએ તો દેશમાં માત્ર 1 લાખ 12 હજાર ગધેડા છે, જેમાં ગુજરાતમાં સંખ્યા ઘટીને તો માંડ 11000  જ  રહી છે.  બસ?!  ‘ઈશિતા’ ને અંગત રીતે આ આંકડામાં  પણ ગરબડ લાગે છે. ખેર, આ બધા આંકડા એક સરકારી  એજન્સીના  છે.

આપણે  ત્યાં ગધેડાની સંખ્યા અચાનક આ રીતે ઘટવા કેમ માંડી એનું પગેરું પણ કાઢ્યું ત્યારે જે વિગતો જાણવા મળી  એ ખરેખર ચોંકાવનારી છે. આપણા દેશના ગદર્ભને ‘કિડનેપ’ કરીને એટલે કે  ચોરીને વાયા નેપાલ એને ગેરકાયદે ચીન પહોંચાડવામાં આવે છે. ગધેડાનું સ્વાદિષ્ટ માંસ ચીનાઓને બહુ ભાવે છે એટલે એની હત્યા કરી એનું માંસ ચીનની માર્કેટમાં વેચાય છે. આપણે ત્યાં ગદર્ભના માંસ પર GST ન હોવાથી ગધેડાના તસ્કરો ભારતમાં જ એની હત્યા કરીને બિહાર-નેપાલ સરહદથી એનું માંસ ચીન પહોંચતું કરે છે. મારવામાં આવેલાં ગધેડાની ચામડીનો પણ ધમધોકાર ધંધો છે. એની ચામડીમાંથી ‘ઈઝા ડો‘ નામનો પદાર્થ તૈયાર થાય છે. એમાંથી ચીનાઓ એક ખાસ પ્રકારની દવા બનાવે છે. આ દવા જાતીય આવેગ વધારનારી હોવાથી એ ત્યાં ધૂમ ખપે છે. આના કારણે પણ ચીનમાં ગધેડાની ડિમાન્ડ વધી રહી છે. કહે છે ને કે જે ચીજનું ઉત્પાદન વધુ હોય એની નિકાસ વધુ. પાકિસ્તાન ગધેડાની બાબતમાં ‘શ્રીમંત’ છે  એટલે આજકાલ પાકિસ્તાન એના જિગરી મિત્ર એવા ચીનને ઢગલાબંધ ગધેડા મોકલી રહ્યું છે…!

સરવાળે બાદબાકી
ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે ‘બૅપ્ટિઝમ’  તરીકે ઓળખાતી દીક્ષા- શુદ્ધિસંસ્કાર કે નામકરણની વિધિ અત્યંત પવિત્ર અને અગત્યની ગણાય  છે. આ વિધિને લઈને હમણાં બમ્બૈયા ભાષામાં કહીએ તો બડો બબ્બાલ મચી ગયો છે.  ક્રિશ્ચિયન ધર્મના વડા મથક વેટિકન ચર્ચ દ્વારા દર્શાવેલી પ્રથા અને નિયમ મુજબ જ  આ વિધિનું પાલન કરવાનો વણલખ્યો નિયમ સૈકાઓથી ચાલ્યો આવે છે. જગતભરના પાદરી-ફાધર એનું અક્ષરશ:  પાલન કરે છે. હમણાં થયું એવું કે ખ્રિસ્તી ધર્મના જાણકારોને  જાણ થઈ કે એન્ડ્રેસ આરંગો નામના એક અમેરિકન  પાદરી ‘બૅપ્ટિઝમ’ કરવાની વિધિમાં જબરા લોચા મારે છે. વેટિકન  દ્વારા માન્ય શબ્દોને બદલે પોતાની ઈચ્છા મુજબ શબ્દો વાપરીને વિધિ પતાવે છે.

આનો અર્થ એ થયો કે અત્યાર સુધીમાં એમણે જે હજારો લોકોને આ વિધિ કરાવી એ નિયમોનુસાર નહોતી. શાસ્ત્રોકત  રીતે માન્ય નહોતી એટલે બીજા શબ્દોમાં એ ધાર્મિક દ્રષ્ટિએ રદબાતલ ગણાય. પત્યું…. આવી જાણ થતાં ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાઈ. એ ચિંતામાં પડયા : ‘હવે કરવું શું?’ જવાબમાં વેટિકનવાળા કહે છે કે શક્ય હોય તો અધિકૃત-અનુભવી ફાધર પાસે ફરી ‘બૅપ્ટિઝમ’ની રીત-રસમ પૂરી કરો…. આવા મૂંઝાયેલા આસ્થાળુઓને માર્ગદર્શન દેવા માટે એક ખાસ વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે અને આ દરમિયાન પેલા લોચો મારનારા પાદરીને કામચલાઉ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. હવે જસ્ટ હળવા મિજાજે આપણે એક વાર  ધારી લઈએ કે  આપણે ત્યાં દંપતીઓને પણ  જાણ થાય કે  એમની  લગ્નવિધિમાં  પણ ગોરમહારાજાએ સપ્તપદીના ફેરા વખતે  શ્લોકમાં લોચા માર્યા હતા એટલે એ લગ્ન ફોક તો બોલો, હજારો યુગલોને કેવો જેકપોટ લાગી જાય! …એ લગ્ન જો રદબાતલ ગણાય તો એમની લાઈફ તો  કેવી જિંગ્ગાલાલા થઈ જાય..!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
જરૂરિયાતમંદ દર્દીને ખરા સમયે લોહી આપવાની- ‘બ્લડ ડૉનેશન’ની  વૃત્તિ-પ્રવૃતિ વખાણવાલાયક છે. રક્તદાન મહત્ત્વનું  દાન ગણાય છે. આ દાનની સૌથી પ્રથમ શરૂઆત બ્રિટનમાં થઈ હતી.  ડૉ. પી.એલ.ઓલિવરની સમજાવટ પછી  ચાર વ્યકતિએ  પ્રથમ વાર લંડનની ‘કિંગ્સ  હૉસ્પિટલ’માં રક્તદાન કર્યું હતું . એ વખતે આજના જેવી રક્ત સાચવવાની  વ્યવસ્થા નહોતી. તાકીદે લોહીની જરૂર પડે તો સ્વૈચ્છિક રકતદાતાની એક યાદી લંડનની ‘રેડક્રોસ  સોસાયટી’ તૈયાર રાખતી. 1924માં આ રીતે 26 લોકોને  લોહીદાન  આપવામાં આવ્યું. ત્યાર પછીના પાંચ વર્ષમાં  5333 વ્યક્તિઓને ઊછીનું  લોહી આપવામાં આવ્યું.  એ બાદ, 1931માં સત્તાવાર રીતે મોસ્કોમાં  વિશ્વની પ્રથમ બ્લડ બૅન્કનો વ્યવસ્થિત આરંભ થયો…
■  શરીરશાસ્ત્રના નિષ્ણાતોના કહેવા અનુસાર આખી જિંદગી દરમિયાન  આપણે આશરે 2 લાખ 50 હજાર બગાસાં ખાઈએ છીએ. જો કોઈ 70 વર્ષ જીવવાનું હોય  તો  એ સરેરાશ રોજના ૧૦ લાંબાં લાંબાં બગાસાં ખાશે!
ઈશિતાની એલચી
ઘણાં ઘરમાં સુખ વહેંચવાનું દુ:ખ હોય છે તો કોઈ કોઈ ઘરમાં દુ:ખમાં ભાગ પાડવાનું સુખ હોય છે…!!

Most Popular

To Top