સુરત: (Surat) ચોર્યાસી તાલુકાના આભવા ગામના ખેડૂતોની (Farmer) ફળદ્રુપ જમીન વારંવાર જુદા જુદા હેતુ માટે સંપાદનમાં લેવાની પ્રક્રિયાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 1989, 1999, અને હવે 2022માં ફરી આભવા ગામની જમીન સંપાદનમાં લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. આજે આભવા ગામના ખેડૂત અગ્રણીઓની બેઠક યોજાઇ હતી જેમાં ખેડૂત આગેવાનોએ આ વખતે સુરત એરપોર્ટના હેતુ માટે બિન જરૂરી રીતે 700 એકર જમીન સંપાદન હેઠળ મુકવાની દરખાસ્ત ખુડાના ડીપીમાં સામેલ કરી સરકારની (government) મંજૂરી માટે મોકલવામાં આવી છે. તેનો વિરોધ નોંધાવવા અસરગ્રસ્ત આભવાના 300 ખેડૂતો સહિત 4000 પરિવારો વતી ખેડૂત આગેવાનો આજે કલેક્ટર અને ખુડાના મુખ્ય કારોબારી અધિકારીને આવેદનપત્ર આપશે.
અસરગ્રસ્ત આભવા ગામમાં બેનરો લગાવી રોષ વ્યકત કરાયો છે. ખેડૂતો આવતીકાલે કલેક્ટર અને ખુડાના મુખ્ય કારોબારી અધિકારીને આવેદનપત્ર આપી બિન જરૂરી જમીન સંપાદન કરતાં પહેલાં સુરત એરપોર્ટના રનવેનો કેટલો ઉપયોગ થાય છે અને 2035 માં કેટલો પેસેન્જર ટ્રાફિક રેહશે એનો સર્વે કે અભ્યાસ કર્યા પછી જ નિર્ણય લેવા વિનંતી કરશે. કારણકે સૂચિત 851 હેક્ટર જમીનનો ઉપયોગ 2050 સુધી પણ થઈ શકે એમ નથી. કારણકે સુરતથી માંડ 24-24 ફ્લાઈટ અવર જવર કરી રહી છે અને વર્તમાન રનવે ક્ષમતા સામે 8 ટકા પણ ઉપયોગમાં લેવાતો નથી. આ આખું ષડયંત્ર બિલ્ડરોના ગેરકાયદે બાંધકામો તૂટતાં અટકાવવા માટે ઘડવામાં આવ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. ખુડાના નવા ડીપીમાં અંદાજિત ૧૭ સ્કવેર કિલોમીટર કરતાં વધુ જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે . જેમાં અંદાજિત ૬૦ ટકા જમીન એરપોર્ટના વિસ્તરણ અને નવા પેરેલલ રનવે માટે ૨૫ ટકા ટાઉનશીપ અને ૧૫ ટકા અન્ય વિકાસના કામો માટે અનામત રાખવામાં આવી છે.
ચોથી વાર જમીન સંપાદન થશે તો આભવાના ઘણા ખેડૂત મટી જશે: કાંતિ પટેલ
આભવા ગામના ખેડૂત અગ્રણી કાંતિભાઈ નાનુભાઈ પટેલ કહે છે કે,1998 થી અત્યાર સુધી 3 વાર ગામની હજારો એકર જમીન સંપાદનમાં જતી રહી છે. હવે ખેડૂતો પાસે માંડ બે થી 10 વીંઘા જમીન બચી છે. ખૂબ ઓછા ખેડૂતો પાસે એક-બે એકર જમીન બચી છે. જો 2022ના વર્ષમાં ફરી જમીન સંપાદન થશે તો ગામના ઘણા ખેડૂતો પાસે ખેતીની જમીન નહીં રહે. એ સ્થિતિમાં તેઓ ખેડૂત તરીકે મટી જશે. 2035ના ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં 700 એકર આભવા ગામની જમીન જાય છે .ખજોદ,ભીમપોરની જમીન જુદી જશે.
આભવા ગામની ભૂતકાળમાં જે જમીનો સંપાદનમાં લેવાઈ તે હજી બિન ઉપયોગી પડી રહી છે. 1989માં આભવા ગામની 46 વીંઘા જમીન સંપાદનમાં ગઈ હતી.1999માં બીજીવાર 180 વીંઘા જમીન સંપાદનમાં લીધી એ પૈકી 60 ટકા જમીન બિન ઉપયોગી પડી રહી છે.વર્ષ 2004માં ફરી 860 હેક્ટર જમીન પર સંપાદન મુકાયું તે પૈકી મોટા ભાગની જમીનનો વપરાશ બાકી છે. હવે 2022માં 700 એકર જમીન પર સંપાદનમાં મુકાયું છે. એરપોર્ટમાં ગયેલી કેટલી જમીનની ઉપયોગ થયો તેનો રિપોર્ટ જાહેર થવો જોઈએ.
એરપોર્ટ માટે આ સરકારી જમીનો ફાળવી ખેડૂતોની જમીન બચાવી શકાય
કાંતિ નાનુભાઈ પટેલે જણાવ્યું હતું કે વારંવાર બિન જરૂરી ખેતી લાયક જમીનો સંપાદન કરી ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યાં છે. સરકાર ઈચ્છે તો એરપોર્ટના વિસ્તરણ માટે બ્લોક નં.505, 506, 507ની 3296 એકર, ભીમપોરની 71 નંબરની 2100 એકર સરકારી જમીન સંપાદનમાં મુકવામાં આવે તો એરપોર્ટનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે.