વાપી: વલસાડ (Valasad) એસઓજી (SOG) અને એલસીબી (LCB) પોલીસની ટીમ જિલ્લામાં ગૌવંશની તસ્કરી અટકાવવા પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાપી ઈમરાન નગરના કંચનનગર ખાતેથી 48 કિગ્રા ગૌમાંસ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસની ટીમ વાપીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપીના ઈમરાન નગર, કંચન નગર રઝા મસ્જીદ સામે આવેલ જાહીદા બીબીની ચાલીમાં રેડ કરી હતી. જ્યાં રૂમ નં.3માં રહેતા મહેબૂબ બાબુ શેખ, ઈસ્માઈલ વાજીદખાન પાસેથી 48 કિગ્રા.ગૌમાંસનો જથ્થો, છરા, કોયતા તથા લાકડાનું ઢીમચું સાથે ઝડપી પાડ્યા હતા. આ ગૌમાંસ તેઓ સંજાણના એઝાઝ અને ઈમરાનનગરના ઝાકીરખાન પાસેથી મેળવી ફકીર ઉર્ફે ફકીરા મહમદ રઝાક શેખ અને સુમૈયા યાકુબ શેખ ને વેચવા આપવાના હતા. પોલીસે આ બનાવમાં ગૌમાંસ આપનાર એઝાઝ જુમ્મા ખાન, ઝાકીર ઈબ્રાહિમ રહેમાન અને અવેશ રફ્યુદ્દીન કાશીયા તમામ રહે. સંજાણ બંદરને પકડી પાડી વાપી ટાઉન પોલીસને સોંપી દીધા હતા.
ગૌવંશને ઘેનનું ઈન્જેક્શન મારી ચોરવા પ્રયાસ, એક પકાડાયો
સેલવાસ, દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સુરંગીમાં મહારાષ્ટ્રથી ટેમ્પામાં આવેલા 15 જેટલા ગૌતસ્કરો ગૌવંશોને ઉઠાવીને ટેમ્પામાં લઈ જાય એ પહેલા જ સ્થાનિક લોકો દોડી આવતા ઘર્ષણ થયું હતું. તકનો લાભ ઉઠાવી ગૌતસ્કરો ભાગી ગયા હતા. પૈકી એક ગૌતસ્કર સ્થાનિકોના હાથે લાગતા તેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી દીધો હતો.
દા.ન.હ.નાં સુરંગી વિસ્તારમાં મહારાષ્ટ્રનાં તલાસરી ગામમાંથી 15 ગૌતસ્કરો ટેમ્પા અને કારમાં મળસ્કે આવ્યા હતા. રસ્તામાં સૂતેલા ગૌવંશોને ઘેનનું ઈન્જેક્શન લગાવી તેમને ટેમ્પામાં મૂકવાની કામગીરી કરે એ પહેલાં જ સુરંગીના સ્થાનિક રહીશોને આ વાતની જાણ થતાં જ મળસ્કે ગ્રામજનો દોડી આવતા સ્થાનિકો અને ગૌતસ્કરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ગૌતસ્કરોએ હાર માની ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જ્યાં એક ગૌ તસ્કર ગ્રામીણો ના હાથે લાગતા આક્રોશિત ગ્રામીણોએ પ્રથમ તેને સારો એવો મેથીપાક ચખાડી તેને બાંધી રાખ્યો હતો. ભાગી છૂટેલા ગૌતસ્કરો ફરી પોતાના સાથીને છોડાવવા સવારે 7 વાગ્યાની આસપાસ ટાયગર ગૃપ મહારાષ્ટ્ર રાજ્ય નામના લખાણ વાળી મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં આવ્યા હતા.
જેને લઈ ફરી સ્થાનિકો સાથે ગૌતસ્કરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં વધુ સ્થાનિક લોકો આવતા પોતાના સાથીને છોડાવવા આવેલા ગૌતસ્કરો ત્યાંથી કાર મૂકી ભાગી છૂટ્યા હતા. મામલાની જાણ દાનહ પોલીસની સાથે મામલદારને પણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે ગ્રામીણોએ પકડેલા ગૌતસ્કરને પોલીસ હવાલે કરાયો હતો. ગ્રામીણોના કહેવા પ્રમાણે હાલમાં જ વેલુગામમાંથી 10 થી વધારે ગૌવંશોને ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. ત્યારે દાનહ પોલીસ મોડીરાતથી લઈ મળસ્કેના સુમારે પેટ્રોલિંગ કાર્ય સઘન બનાવે તો જ ગૌ તસ્કરી ની ઘટના અટકી શકે એમ છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ કાર્ય નિષ્ઠાભાવે નિભાવે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.