આણંદ : આણંદ શહેરના રાજશ્રી સિનેમા પાછળ આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં પંદર વર્ષ પહેલા રહેતા યુવકે સોસાયટીની જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નનો વાયદો કર્યો હતો. જોકે, થોડા સમય બાદ તેણે સગીરાને તરછોડી દીધી હતી. જેના કારણે તેને લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં કોર્ટે પ્રેમી યુવકને પાંચ વર્ષની કેદની સજા કરી હતી. જોકે, આ કેસમાં બેદરકારી બદલ તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીને દંડ પણ ફટકાર્યો હતો. આણંદ શહેરના રાજશ્રી સિનેમા પાછળ આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા મિહિર રમેશ પારેખ નામના યુવકે 2006ની સાલમાં નજીકમાં જ રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
આ સગીરા તેની સહેલી સાથે દર ગુરૂવારે સાંઇ બાબા મંદિરે જતી આવતી હતી. આ જતા આવતા સમયે મિહિર પારેખે તેને મળતો હતો. જેમાં તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, થોડા સમય બાદ અચાનક મિહિરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી સગીરાને લાગી આવતા તેણે 12મી ઓક્ટોબર,2006ના રોજ પોતાના ઘરે પંખાના હુક સાથે દુપટ્ટો લગાવીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આણંદ ટાઉન પોલીસે સગીરાના પિતાની ફરિયાદ આધારે મિહિર પારેખ સામે આપઘાતની દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ 30મી નવેમ્બર,2006ના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. આ કેસ સંદર્ભે ચાર્જશીટ રજુ કરી હતી. જે કેસ પાચમા એડિશનલ સેશન્જ જજની કોર્ટમાં ચાલ્યો હતો.
જેમાં ન્યાયધિશે 33 સાહેદ, 50 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકિલ એ.એસ. જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી મિહિર રમેશ પારેખને પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદામાં કોર્ટે તત્કાલિન સમયે તપાસમાં બેદરકારી દાખવનારા ત્રણ પોલીસ કર્મચારીને દંડ ફટકાર્યો હતો. જે તે સમયના હેડ કોન્સ્ટેબલ રતીલાલ ગણેશભાઈ ને રૂ.દસ હજાર દંડ કર્યો હતો. જો દંડ ન ભરે તો 20 દિવસની કેદની સજા. આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શનાભાઈ વીરાભાઈને રૂ.15 હજારનો દંડ અને દંડ ન ભરે તો 30 દિવસની સાદી કેદની સજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. રાઠોડને રૂ.25 હજારનો દંડ અને દંડ ન ભરે તો 45 દિવસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. આ કર્મચારીઓએ બનાવની તપાસમાં ગંભીર બેદરકારી દાખવવી હતી. જેમાં મૃતકની સ્યુસાઇટ નોટ રેકર્ડ પર લીધી નહતી.