Charchapatra

બોધિસત્વનો સંકલ્પ

‘એક સાચા બોધિસત્વ એટલે કે બૌદ્ધ ધર્મગુરુની ઓળખ શું? ભગવાન બુદ્ધના ઉપદેશો અને તેમના મધ્યમ માર્ગને સમજીને જીવન આગળ વધારે અન્યને શીખવે અને ઉપદેશ આપે અને પોતાના જીવનના મોક્ષ માટે સદા પ્રયત્નશીલ રહે.બધા આમ જ માને છે અને સ્વીકારે છે.’ એક બોધિસત્વએ પોતાના પ્રવચનની શરૂઆતમાં કહ્યું. આટલું કહી તેમણે એવું વાક્ય કહ્યું કે સાંભળનારાં બધાં ચોંકી ઊઠ્યાં…બોધિસત્વ બોલ્યા, ‘આ માન્યતા ખોટી છે.પોતાના મોક્ષ માટે કાર્યશીલ રહેનાર બૌદ્ધ સાધુ હોઈ શકે, પણ સાચો બોધિસત્વ નહિ.ભલે બૌદ્ધ ધર્મમાં ભગવાન તથાગતે જીવનનું અંતિમ ફળ મોક્ષ જ કહ્યું છે છતાં સાચો બોધિસત્વ પોતાના મોક્ષ માટે પ્રયત્નશીલ રહેતો નથી.તેનો સંકલ્પ જ જુદો હોય છે.’

એક શ્રોતાજને પૂછ્યું, ‘તો સાચા બોધિસત્વનો સંકલ્પ મોક્ષ નહિ તો પછી શું હોય છે?’ બોધિસત્વ બોલ્યા, ‘જેને જીવનમાં કિનારે પહોંચવું છે તે દરેક માટે હું વહાણ, પુલ, હોડી, તરાપો કે દિશાયન્ત્ર બની જઈશ અને તેમને સામે પાર જ્યાં પહોંચવું છે તે કિનારે પહોંચાડીશ.જેમને ચાલતાં નથી આવડતું અને સાચો રસ્તો ભટકી ગયા છે તેમને હું આંગળી ઝાલીને સાચા રસ્તે ચલાવીશ, જેમને ચાલવા માટે સહારાની જરૂર છે તેમના માટે હું ટેકણલાકડી બનીશ.જેઓ અંધારામાં ભટકે છે અને અજવાળું શોધી રહ્યા છે તેમને માટે હું દીવાની જેમ જાતે બળીને તેમને પ્રકાશ આપીશ.જેમને સૂઈ જવું છે, જીવનમાં નિરાંત માનવી છે તેમને માટે હું બિછાનું બની જઈશ તેમને સૂવા મારો ખોળો આપીશ.

જેઓ થાકેલા અને હારેલા છે તેમને જીવનમાં જીતવાનું જોમ આપે તેવી તાકાત આપીશ અને જેઓને મારી સેવાની જરૂર છે તેમનો હું ચાકર બની જઈશ.જેમને સાથ જોઈએ છે તેમનો સાથી અને જેમને જ્ઞાન જોઈએ છે તેમનો ગુરુ બની જઈશ.આ મારો સંકલ્પ છે અને આ જ સાચા બોધિસત્વની ઓળખ છે.જે બૌદ્ધ ગુરુ માત્ર પોતાના મોક્ષને માટે પ્રયત્નશીલ નથી રહેતો તે જ સાચો બોધિસત્વ છે.જે બોધિસત્વ પોતાના જીવનને અગ્રેસર લઇ જવાને બદલે બીજાઓની દરેક જરૂરિયાત મુજબ પોતાને ઢાળીને તેને મદદરૂપ થાય છે.બીજાને સાચા જીવનમાર્ગ વિષે ઉપદેશ આપવાને સ્થાને તેને સાચા જીવનમાર્ગ પર ચાલતાં શીખવાડે છે અને તેની સાથે ચાલે છે.જે જેને જેની જરૂર છે તેને તે આપવા તત્પર રહે છે.સાચો બોધિસત્વ અન્યની સેવા કરે છે અને માત્ર આત્મકલ્યાણ નહિ, પણ જન જનના કલ્યાણ માટે કાર્યરત રહે છે.’ બૌદ્ધ ગુરુએ પોતાનો સંકલ્પ જણાવી સાચા બોધિસ્ત્વની ઓળખ આપી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top