SURAT

વાતચીત કરવા બોલાવી પ્રેમીએ પ્રેમિકાના ભાઈને ચપ્પુના ઘા મારી પતાવી દીધો, સુરતમાં વધુ એક હત્યા

સુરત: (Surat) છેલ્લા થોડા દિવસોથી સુરતમાં રોજેરોજ હત્યા, ચપ્પુબાજી સહિતના ગુનાઓનું પ્રમાણ અચાનક વધી ગયું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Home minister Harsh Sanghvi) શહેરમાં જ ગુનાખોરો સતત બેફામ બની રહ્યા હોવાથી સરકાર પર પસ્તાળ પડી રહી છે. ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારે મોડી રાતે વધુ એક હત્યા (Murder) થતાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં વડોદ ખાતે ગણેશનગરમાં રાહુલ નામના યુવકની બહેન સાથે પ્રેમસંબંધ ધરાવતા એક ટપોરી સાથે તકરાર થઇ હતી. અને શુક્રવારે મોડી રાતે રાહુલને તેની બહેનના પ્રેમીએ વાતચીત કરવા બોલાવ્યો હતો. જ્યાં તકરાર થતાં ચપ્પુબાજી થઇ હતી. અને રાહુલને તેની બહેનના પ્રેમીએ જ ચપ્પુના ઘા મારી ઢીમ ઢાળી દેતાં નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન પોલીસને જાણ થતાં પાંડેસરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. તેમજ મધરાતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ હત્યા કરનાર ટપોરીને પણ પોલીસે મોડી રાતે ઝડપી લીધો હતો. જો કે, તેની ઓળખ છતી કરાઇ ન હતી. જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યા જેવી સંવેદનશીલ ઘટનામાં પણ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એકાદ કલાક બાદ પણ જાણ નહીં હોવાનું ગાણું ગવાયું હતું. તેથી વધુ એકવખત સુરત પોલીસની બેદરકારી બાબતે સવાલો ઊઠ્યા હતા.

અમરોલીમાં બે મહિલાએ વૃદ્ધને માર મારીને 2700 લૂંટી લીધા : બંનેની ધરપકડ
સુરત : અમરોલીમાં વલ્લભનગર સોસાયટી પાસે ઓમ રેસિડન્સીમાં રહેતા ૮૦ વર્ષીય હમીરભાઇ લાખાભાઇ વસરા વતન દ્વારકાથી 10 દિવસ પહેલા જ સુરતમાં આવ્યા હતા. તેઓ માનસરોવર બીઆરટીએસ જંક્શન પાસે પે એન્ડ યુઝ ટોયલેટમાં શૌચક્રિયા માટે ગયા હતા. ત્યાં બે મહિલા પહેલાથી જ હાજર હતી. આ બંને મહિલાઓએ હમીરભાઇને નિશાન બનાવીને મારામારી કરી હતી. એક મહિલાએ હમીરભાઇના હાથમાં બટકુ ભરી દીધું હતુ અને બીજી મહિલાએ હમીરભાઇના ખિસ્સામાંથી 2700 કાઢી લીધા હતા. આ સાથે જ લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતુ. લોકોએ બંને મહિલાને પકડીને અમરોલી પોલીસને જાણ કરી દીધી હતી. અમરોલી પોલીસે શીતલબેન પપ્પુભાઇ ગૌસ્વામી (રહે, તાપી ઇન્દીરાનગર ઝુંપડપટ્ટી) અને ચંપા મોહનભાઇ વણજારા (રહે, દેવી કૃપા સોસાયટી ઉત્રાણ અમરોલી)ની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top