આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે…
યુક્રેન: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બ્રિટનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે રશિયન સેના યુક્રેનની રાજધાનીની નજીક આવી ગઈ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે રશિયન સેના હવે કિવથી માત્ર 30 કિલોમીટર દૂર છે. રશિયન સેના કિવ તરફ આગળ વધી રહી છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુક્રેનમાંથી નાગરિકોની હિજરતની પ્રક્રિયા ચાલુ છે. યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1 લાખ 20 હજાર યુક્રેનિયન નાગરિકો દેશ છોડી ચૂક્યા છે.
કિવમાં કડક નિયંત્રણો સાથે કર્ફ્યું લાગુ
કિવ: યુક્રેનના રાષ્ટ્રપતિનાં જણાવ્યા અનુસાર રશિયા આગામી કલાકોમાં યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શકે છે. ત્યારે કિવ પર વધતા ખતરાને જોતા કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજધાનીમાં 26 ફેબ્રુઆરીથી સાંજે 5:00 થી સવારે 8:00 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. હાલમાં, આ કર્ફ્યુ 28 ફેબ્રુઆરીની સવાર સુધી લાગુ કરવામાં આવી રહ્યો છે. કર્ફ્યુ દરમિયાન રસ્તા પર આવતા તમામ નાગરિકોને દુશ્મન તોડફોડ અને જાસૂસી જૂથોના સભ્યો ગણવામાં આવશે. વહીવટીતંત્રનું કહેવું છે કે કૃપા કરીને પરિસ્થિતિને સમજીને વર્તન કરો અને બહાર ન નીકળો.આજે ત્રીજા દિવસે પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, એવા સમાચાર છે કે રશિયન સેના રાજધાની કિવમાં પ્રવેશી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધાનો રશિયાનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જ એક દાવો હવે રશિયન મીડિયાએ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રાજધાની કિવમાંથી ભાગી ગયા છે. આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જો કે, આ દાવાનો અર્થ વધી જાય છે કારણ કે ગઈકાલે, યુક્રેનના રાષ્ટ્રપતિએ એક સંદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ દેશ છોડવાના નથી, તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી તેમના દેશ માટે લડશે. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં આખું યુક્રેન એક સાથે મળીને રશિયન સેનાનો સામનો કરી રહ્યું છે. તેમના સંબોધનમાં, ઝેલેન્સકીએ પણ અપીલ કરી હતી કે તેમના દેશને હજુ પણ શસ્ત્રોની જરૂર છે. તેઓ એકલા રશિયન સેનાનો સામનો કરી રહ્યા છે, તેમને હવે અન્ય દેશોના સહયોગની જરૂર છે. તે સંબોધન પછી, ફ્રાન્સ ચોક્કસપણે શસ્ત્રો અને અન્ય લશ્કરી સામગ્રી આપવાની વાત કરી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે તેઓ ફ્રેન્ચ તરફથી જરૂરી હથિયારો અને અન્ય સૈન્ય સામગ્રી મેળવી શકે છે.
કીવની સુરક્ષા માટે સામાન્ય લોકોએ બંદુક ઉઠાવી
યુક્રેન: યુક્રેનમાં સતત ત્રીજા દિવસે યુદ્ધ આક્રમક બન્યું છે. ત્રીજા દિવસે રશિયાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. કિવમાં મોટો બોમ્બ ધમાકો કર્યો હતો. ત્યારે હવે આ જંગમાં યુક્રેનનાં નાગરીકો હવે સાથ આપવા માટે બંદુક લઈને જોડાઈ ગયા છે. કિવની સુરક્ષા માટે હવે સામાન્ય લોકોએ પણ બંદૂક ઉઠાવી લીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદોમિર જેલેંસ્કીએ કહ્યું છે કે, આજની રાત દેશનું ભવિષ્ય નક્કી કરશે. તેમણે જનતાને અપીલ કરી છે કે, રશિયાને રોકવા માટે તેઓ અડગ રહે.
યુક્રેનનો દાવો, બે વિમાન તોડી પડયા
રશિયાનાં હુમલા વચ્ચે યુક્રેન સેના જડબાતોડ જવાબ આપી રહી છે,યુક્રેને શનિવારે કહ્યું કે તેમણે બે રશિયન સુખોઈ-35 એરક્રાફ્ટ, એક IL-76 ટ્રાન્સપોર્ટ પ્લેન અને એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે આ IL-76 ટ્રાન્સપોર્ટ પ્લેનમાં રશિયન પેરાટ્રૂપર્સ સવાર હતા. યુક્રેનિયન સૈન્ય અનુસાર, તેના મિગ-29 વિમાને એક રશિયન સુખોઈ-35ને તોડી પાડ્યું હતું, જ્યારે અન્ય સુખોઈ-35ને એસ-300 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
યુક્રેનના 800 લશ્કરી થાણાઓને નષ્ટ કર્યા, રશિયાનો દાવો
યુક્રેને 3,500 રશિયન સૈનિકો, 02 ટેન્ક, 14 એરક્રાફ્ટ અને 8 હેલિકોપ્ટરને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે, આ તરફ પરિસ્થિતિને જોતા અમેરિકાએ યુક્રેનને રશિયા સામે લડવા માટે 600 મિલિયન ડોલરની સુરક્ષા સહાય આપવાની જાહેરાત કરી છે. યુક્રેન પરના હુમલાના ત્રીજા દિવસે, રશિયાએ દાવો કર્યો હતો કે તેણે યુક્રેનના 800 લશ્કરી થાણાઓને નષ્ટ કર્યા છે. તેમાં 14 લશ્કરી એરફિલ્ડ, 19 કમાન્ડ પોસ્ટ, 24 S-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ અને 48 રડાર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુક્રેનિયન નૌકાદળની 8 બોટનો પણ નાશ કરવામાં આવ્યો છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જંગ આક્રમક સ્થિતિમાં આવી ગઈ છે. યુક્રેનનાં શહેરમાંથી પીળી વાનમાં રશિયન સૈનિકો પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેને યુક્રેનિયન સૈનિકો દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
કિવમાં રશિયાનો મોટો હુમલો, ઈમારતને નુકશાન
કિવ: રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં મોટો હુમલો કર્યો છે. કિવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. આજે અગાઉ, રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા હતા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે. રશિયાની સેના ટૂંક સમયમાં કિવ પર કબજો કરી શકે છે, યુક્રેન પર હુમલાની ગતિને ઝડપથી વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન સેનાએ યુક્રેન પર ચાર બાજુથી હુમલો કર્યો છે અને તેની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી છે. જો કે, રાજધાની કિવ અત્યાર સુધી રશિયન સેનાના કબજાથી દૂર રહી હતી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પોતે ચિંતા વ્યક્ત કરી છે કે કિવ પર રશિયન દળો દ્વારા કબજો લેવાનું જોખમ છે. આજની રાત અમારા માટે સૌથી મુશ્કેલ હશે, પરંતુ આપણે ઊભા રહેવું પડશે, એમ તેમણે કહ્યું. અહેવાલ છે કે ઝેલેન્સકીને યુએસ તરફથી યુક્રેન છોડવાની ઓફર મળી હતી. પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી.
રશિયન સેના યુક્રેનની રાજધાની કિવમાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે. આ દરમિયાન એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને સેનાઓનું યુદ્ધ કિવની ગલીઓમાં પહોંચી ગયું છે. હવે યુક્રેનના અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ શેરીઓમાં બહાર ન નીકળે અને ઘરમાં જ રહે. કાટમાળ કે ગોળીઓનો ભોગ ન બને તે માટે નાગરિકોને બારી કે બાલ્કનીમાં ન આવવા માટે કહેવામાં આવ્યું છે.
અમેરિકાની યુક્રેન છોડવાની ઓફર નકારી
રશિયા યુક્રેન પર સતત ત્રીજા દિવસે હુમલો કરી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે અમેરિકાએ યુક્રેનના રાષ્ટ્રપતિને યુક્રેન છોડવાનો ઓફર આપી હતી. જો કે આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક મોટી જાહેરાત કરી છે. યુક્રેન છોડવાની અમેરિકાની ઓફરને ઠુકરાવી કાઢતાં તેણે સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં ભાગીશ નહીં. તમારે મારી મદદ જ કરવી હોય તો મને હથિયાર આપી, મને દારૂગોળો આપો. રશિયા -યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના દેશ છોડવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી રાષ્ટ્રપતિએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેઓ તેમના દેશ યુક્રેનમાં ઉભા છે.
UNSCમાં ભારતે કહ્યું…
યુક્રેન પર હુમલો રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઠરાવ મૂકવામાં આવ્યો હતો. દરખાસ્તની તરફેણમાં 11 મત મળ્યા હતા. જ્યારે ભારત રશિયાનો વિરોધ ન કરતા મતદાન કર્યું નહી. જો કે આ પછી ભારતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. યુક્રેન સામે રશિયન યુદ્ધનો ત્રીજો દિવસ છે. આ બધાની વચ્ચે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં બેઠક બાદ મતદાન થયું હતું. 11 દેશોએ રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો, જોકે રશિયાએ તેને વીટો કર્યો હતો, જ્યારે ભારત અને ચીને પોતાને મતદાન પ્રક્રિયાથી દૂર રાખ્યા હતા. ભારતે મતદાન પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા પરંતુ કહ્યું કે યુદ્ધ કોઈપણ વિવાદનો ઉકેલ હોઈ શકે નહીં. ભારતે તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું સન્માન કરવા હાકલ કરી છે, કારણ કે આ આગળનો રચનાત્મક માર્ગ પૂરો પાડે છે. ભારતીય સમુદાયની સલામતી, ખાસ કરીને ફસાયેલા વિદ્યાર્થીઓ, યુક્રેનમાંથી તેમનું સ્થળાંતર તાત્કાલિક પ્રાથમિકતા છે.યુક્રેનમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ વ્યથિત છે. અમે વિનંતી કરીએ છીએ કે હિંસા અને દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે. માનવ જીવનની કિંમત પર ક્યારેય કોઈ ઉકેલ શોધી શકાતો નથી
કોનોટોપમાં બે શક્તિશાળી વિસ્ફોટો
સતત ત્રીજા દિવસે યુદ્ધ આક્રમક સ્થિતિમાં પહોચી ગયું છે. રશિયાએ ભારે માત્રામાં બોમ્બ ધડાકા શરુ કર્યા છે. રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે. લશ્કરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે રશિયન એરક્રાફ્ટ કોનોટોપ પરથી પસાર થયું હતું. મળતી માહિતી મુજબ, કોનોટોપ જિલ્લામાં બે શક્તિશાળી વિસ્ફોટો કરવામાં આવ્યા છે. સુમી (SUMY)પ્રદેશના આ વિસ્તારમાં અથડામણ ત્રીજા દિવસે પણ સતત ચાલી રહી છે.
અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે ?
યુક્રેન અને રશિયા વચ્ચે ત્રણ દિવસથી ચાલી રહેલાં યુદ્ધમાં હવે અમેરિકા પણ ઝંપલાવે તેવા સંકેત મળી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે અમેરિકી વાયુસેનાના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ ક્ષેત્રમાં ઉડતા જોવા મળ્યા છે. આ વિમાન ત્રણ કલાકથી વધુ સમયથી ઉડી રહ્યાં છે. તેમાં એક વિમાન પોલેન્ડ હવાઈ ક્ષેત્રમાં ઈંધણ ભરનારું વિમાન છે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલા બાદ રૂસની એક્ટિવીટીને લઈને બ્રિટેન સહિત અમેરિકાએ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તે જ ક્રમમાં શનિવારે અમેરિકી વાયુસેનાના ત્રણ વિમાન દેખાયા છે.
અમેરિકાએ કહ્યું, રશિયાએ અમારા તમામ પ્રયાસોને નકાર્યા
આ અગાઉ અમેરિકાએ રશિયા પર એક્શન લેતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, આર્મી ચીફ સહિત બીજા રશિયન નેતાઓની સંપત્તિને ફ્રીઝ કરી દીધી છે. અમેરિકાએ કહ્યું કે, અમે યુદ્ધ રોકવા અનેક પ્રયાસ કર્યા પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમારા પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિનો નવો વીડિયો, કહ્યું, હું અહીં જ છું
આ અગાઉ શુક્રવારે સાંજે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેન્સ્કી એ એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ કહી રહ્યાં હતાં કે આ રહી રાષ્ટ્રપતિની ઓફિસની ટીમના ટોચના નેતાઓ અને આ રહ્યું હું. હું અહીં જ છું. વડાપ્રધાન ડેનિસ શ્મિહા પણ અહીં છે. યુક્રેનની રાષ્ટ્રપતિની ઓફિસ આ રહી. આપણી સ્વતંત્રતાને બચાવવા માટે અમે અહીં છે. યુક્રેનને બચાવનારા દરેક સૈનિક માટે અમને ગૌરવ છે. આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ દેશ છોડી જતા રહ્યાં હોવાના મેસેજ ફરતા થયા હતા તેના જવાબમાં આ વીડિયો પોસ્ટ કરાયો હતો.
પુતિન યુક્રેન સાથે મંત્રણા કરવા તૈયાર હોવાનું પુતિને જિનપિંગણે કહ્યું
રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને જણાવ્યું હતું કે તેઓ યુક્રેન સાથે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ યોજવા તૈયાર છે જ્યારે તેમણે પોતાના ચીની સમકક્ષ ઝિ જિનપિંગ સાથે આજે વાત કરી હતી, જેમણે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન બંનેએ કટોકટીને મંત્રણાઓ દ્વારા ઉકેલવી જોઇએ. ઝિ જિનપિંગ અને પુટિન, બંનેને એક બીજાના મિત્ર અને સાથીદાર માનવામાં આવે છે. ચીન અને રશિયા બંનેના અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે સંબંધો તંગ છે ત્યારે આ બંને નેતાઓએ આજે બરાબર એ સમયે ફોન પર મંત્રણા યોજી હતી જ્યારે રશિયન દળો યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ગયા હતા. રશિયા યુક્રેન સાથે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ યોજવા તૈયાર છે એમ ચીની સત્તાવાર મીડિયાએ પુટિનને ઝિને કહેતા ટાંક્યા હતા. આ જ સમયે આજે યુક્રેનિયન પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ આજે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીનને મંત્રણાઓ યોજવાની અને સંઘર્ષ અટકાવવાની પોતાની હાકલ દોહરાવી હતી. આક્રમણ બદલ રશિયાને નહીં વખોડવા બદલ ટીકાઓનો સામનો કરતી ચીની સરકાર હવે યુક્રેઇનના મામલે શાંતિ દૂત તરીકે ભૂમિકા ભજવવા માગે છે એમ જણાય છે.
યુદ્ધના પગલે રશિયાએ ફેસબુક પર નિયંત્રણો લાદયા
રશિયન સત્તાવાળાઓએ આજે સોશ્યલ મીડિયા નેટવર્ક ફેસબુક પર કેટલાક નિયંત્રણો મૂક્યા હતા. ફેસબુકે રશિયન સરકાર તરફી અને સરકારી એવા કેટલાક મીડિયા ગૃહો પર નિયંત્રણો મૂક્યા પછી વળતા પગલા તરીકે રશિયાએ આ પગલું ભર્યું છે. રશિયન સરકારી સંદેશવ્યવહાર વોચડોગ રોસ્કોમ્નાદઝરે આજે જણાવ્યું હતું કે તેણે માગણી કરી છે કે ફેસબુક તે નિયંત્રણો ઉઠાવી લે, જે નિયંત્રણો તેણે સરકારી ન્યૂઝ એજન્સી આરઆઇએ નોવોસ્તી, સરકારી ટીવી ચેનલ ઝ્વેઝદા અને સરકાર તરફી ન્યૂઝ સાઇો લેન્ટા.રુ અને ગઝેટા.રુ પર મૂક્યા છે. ફેસબુક આ મીડિયાની પોસ્ટોને બિનવિશ્વાસપાત્ર તરીકે માર્ક કરી રહી છે અને તેમના માટેના સર્ચ રિઝલ્ટો પર પણ ટેકનિકલ નિયંત્રણો મૂકી રહી છે.
લો બોલો, તાલીબાનની રશિયા-યુક્રેનને શાંતિ મંત્રણાની સલાહ
યુક્રેન પર રશિયાના આક્રમણથી વિશ્વભરમાં જ્યારે તનાવ અને ચિંતાનો માહોલ છે ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દુનિયાભરના લોકોને થોડી રમૂજ પુરી પાડી હતી જ્યારે તેણે એક નિવેદન બહાર પાડીને રશિયા અને યુક્રેનને મંત્રણા કરવાની સલાહ આપી હતી. કાબૂલથી તાલીબાન સરકારે એક નિવેદન બહાર પાડીને બંને પક્ષોને સંયમ રાખવાનું કહ્યું છે અને એવા પગલાથી દૂર રહેવા કહ્યું છે કે જેનાથી હિંસા વધી શકે છે. કાયમ બંદૂકની ભાષામાં વાત કરવા ટેવાયેલા તાલિબાનોને શાંતિની વાત કરતા જોઇને વિશ્વના લોકોને ભારે રમૂજ થઇ હતી. તાલીબાનનું શાંતિ માટેનું આ નિવેદન એના થોડા મહિનાઓ પછી આવ્યું છે જ્યારે તેણે અફઘાનિસ્તાનમાં બંદૂકોના જોરે સત્તા કબજે કરી છે.
રશિયા હવે નાટો દેશને બનાવી રહ્યો છે નિશાન
મીડિયા અહેવાલો મુજબ કાળા સમુદ્રમાં રશિયાએ રોમાનિયાના એક જહાજ પર મિસાઇલ હુમલો કર્યો છે અને આ જહાજમાં આગ લાગી છે.
આ ખૂબ મહત્વના અહેવાલ છે કારણ કે રોમાનિયા નાટો સંગઠનનો દેશ છે. નાટો અત્યાર સુધી યુદ્ધમાં સંડોવાયું નથી કારણ કે તે કહે છે કે યુક્રેન નાટોનું સભ્ય નથી અને તેથી અમે તેની સીધી લશ્કરી મદદ કરી શકતા નથી. અમેરિકાએ કહ્યું છે કે જો નાટોના કોઇ સભ્ય દેશ પર હુમલો થશે તો તે વળતી કાર્યવાહી કરશે. આથી હવે અમેરિકા યુદ્ધમાં ઝંપલાવે તેનો ઇન્કાર કરી શકાય નહીં.
નાટો દેશોને નિશાન બનાવતા બાઇડનનો રશિયા પર આક્રોશ
અમેરિકી પ્રમુખ જો બાઇડને ચેતવણી આપી છે કે જો રશિયન આક્રમણ નાટો સંગઠનના સભ્ય દેશો સુધી લંબાશે તો અમેરિકા યુદ્ધમાં શામેલ થશે. બાઇડને જણાવ્યું હતું કે રશિયન પ્રમુખ પુટિન સાથે મંત્રણા કરવાની તેમની કોઇ યોજના નથી પણ તેમણે યુક્રેનિયન પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે યુક્રેનના લોકોનું દુ:ખ હળવું કરવા માટે અમેરિકા માનવતાવાદી સહાય આપશે. જો, તે(રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન) નાટો દેશોમાં આગળ વધશે તો અમે સંડોવાઇશું. મને જે વાત સમજાઇ છે તે એ જ છે કે જો (તેમને) આપણે હાલ રોકીશું નહીં, તો તેની હિંમત વધી જશે. જો આપણે આ નોંધપાત્ર પ્રતિબંધો સાથે તેમની વિરુદ્ધ આગળ વધીશું નહીં તો, તેમની હિંમત વધી જશે. એમ બાઇડને વ્હાઇટ હાઉસની પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું, જેમાં તેમણે રશિયા સામે શ્રેણીબધ્ધ કડક પ્રતિબંધો લાગુ પાડ્યા હતા. પ્રશ્નોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે તે એક મોટો સંઘર્ષ છે જ. અગાઉ બાઇડને કહ્યું હતું કે અમેરિકી દળો યુક્રેનમાં દાખલ થશે નહીં, પરંતુ જો રશિયા કોઇ નાટોના સાથી પર આક્રમણ કરશે તો સંજોગો બદલાશે.
તેમણે કહ્યું કે અમેરિકન દળો યુક્રેનમાં રશિયન સૈનિકો સાથે જોડાશે નહીં. “અમારા દળો યુક્રેનમાં લડવા માટે યુરોપ નથી જઈ રહ્યા, પરંતુ અમારા નાટો સાથીઓનો બચાવ કરવા અને પૂર્વમાં તે સાથીઓને આશ્વાસન આપવા માટે” એમ તેમણે કહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ બાઇડને ગુરુવારે વધુ દળો યુરોપ મોકલવા આદેશ આપ્યો હતો જ્યારે તેમણે નાટો દેશોના પ્રદેશોનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. પેન્ટાગોને જણાવ્યું હતું કે તે ૭૦૦૦ સૈનિકોની આર્મર્ડ બ્રિગેડ જર્મની મોકલી રહ્યું છે.