વડોદરા : વડોદરામાં વૈભવી સ્કીમો ધરાવતા બિલ્ડર જૂથો અને નામાંકિત આર્કિટેકને ત્યાં વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદ સુરત સહિત રાજ્યભરના આઇટીના અધિકારીઓની ટીમોએ વડોદરામાં ધામા નાખી બિલ્ડરોની ઓફિસ, સાઈડ અને રહેઠાણ ખાતે સર્વેની કામગીરી શરૂ કરી હતી જેમાં કરોડોની બેનામી આવકનો પર્દાફાશ થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે બિલ્ડર જૂથો અને આર્કિટેક ને ત્યાં આઇટી વિભાગની કાર્યવાહી વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી.
માર્ચ એન્ડિંગ પહેલાં કોરોના મહામારી બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા શહેરમાં એકસાથે 30 જેટલા સ્થળો પર મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આવકવેરા વિભાગની ટીમો જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ્ ની સુભાનપુરા સ્થિત ઓફિસની સાથે સાથે સાથે સાઈટ ઓફિસો અને રહેઠાણો પર ત્રાટકી હતી આઇટીની ટીમે તમામના મોબાઈલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી એવી જ રીતે સાંઈ સમૃદ્ધિ , વિહવ ગ્રુપ અને સાંઈ રુચિ ડેવલોપર્સની ઓફીસ, સાઈટ ઓફિસ અને રહેઠાણ ખાતે પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત વડોદરાના જાણીતા આર્કિટેક્ટ રુચિર શેઠની જુના પાદરા રોડ પર મનીષા ચોકડી ખાતે આવેલ ડિઝાઇન ઓફિસમાં પણ આવકવેરા ખાતું ત્રાટક્યું હતું અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વૈભવી સ્કીમો અને આલીશાન પ્રોજેક્ટથી સમૃદ્ધિમાં આળોટતા બિલ્ડરો ડેવલોપર્સ અને આર્કિટેકને આઇટી વિભાગ ના અધિકારીઓની ટીમ આવતા જ પરસેવો છૂટી ગયો હતો વહેલી સવારથી સર્ચ ઓપરેશનની શરૂ કરેલ કામગીરી મોડીરાત સુધી ચાલુ રહી હતી અને કદાચ આવતીકાલે પણ રહે તેવું જાણવા મળ્યું છે સુરત અમદાવાદ સહિત વડોદરાના આવકવેરાના અધિકારીઓની ટીમોએ બિલ્ડર જૂથના ભાગીદારો આર્કિટેક સહિત તેમની સાથે સંકળાયેલ લોકોની પૂછતાછ સાથે નિવાસસ્થાન અને ઓફિસમાંથી દસ્તાવેજો,બેંક દસ્તાવેજો કબજે કરી ચકાસણી સર્વે શરૂ કર્યો હતો આવકવેરાના મેગા સર્ચ ઓપરેશનથી કરોડો રૂપિયાની બેનામી આવકનો પર્દાફાશ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે આવકવેરાના સપાટાથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે વડોદરામાં નામાંકિત બિલ્ડર જૂથો અને આર્કિટેક ને ત્યાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી વડોદરા શહેરમાં દિવસભર ચર્ચામાં રહી હતી.
આર્કિટેક્ટ રુચિર શેઠના બિલ્ડર ભાઈ વિરલની પૂછપરછ
વડોદરાના આર્કિટેક રુચિર શેઠ બિલ્ડર પણ છે સાથે જમીન લે વેચની પણ કામગીરી કરતા પણ કહેવાય છે રુચિર શેઠ વડોદરાની અનેક પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરી છે. જોકે ગુરુવારે ડિઝાઇન સ્ટુડિયોમાં આઈટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા આર્કિટેક રુચિરશેઠ સાથે સંકળાયેલા લોકોમાં ફફડી ઉઠયા હતા આવકવેરા વિભાગના અધિકારીઓએ રુચિરશેઠના બિલ્ડર ભાઈ વિરલ શેઠની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.
દિવસભર વડોદરાના બિલ્ડરોના ફોનો રણકતા રહ્યા
વડોદરામાં વહેલી સવારથી જ આવક વેરા વિભાગ જાણીતા બિલ્ડર જૂથો અને આર્કિટેકની ઓફિસમાં ત્રાટક્યું હતું આવકવેરા વિભાગની કાર્યવાહીને પગલે વડોદરાની બિલ્ડર અને આર્કિટેક લોબીમાં ભારે દોડધામ મચી ગઇ હતી વડોદરાના મોટાભાગના જાણીતા બિલ્ડરોના ફોન પણ દિવસ પર રણકતા રહ્યા હતા ક્યાં કોને ત્યાં આઇટીની સર્ચમાં શું મળ્યું તે જાણવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા સાથે જ કેટલાક બિલ્ડરો એ તો પોતાની ઓફિસ સાઈડ ઓફિસ પણ બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.