SURAT

ગ્રીષ્મા હત્યા કેસની ફાસ્ટટ્રેક કોર્ટમાં રોજેરોજ સુનાવણી કરાશે, કોર્ટ રૂમ અને કોર્ટ કેમ્પસમાં બંદોબસ્ત વધારાશે

સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) ફેનિલની સામે ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ હવે સુરત સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ફેનિલની સામે 80 જેટલા દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. ફેનિલને વીડિયો કોન્ફરન્સથી ચાર્જફ્રેમની કાર્યવાહી માટે આવતીકાલે સવારે સુરત કોર્ટમાં હાજર કરાશે. આ કેસની સુનાવણી દરરોજ કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટે (Court) પરવાનગી આપી હતી. આ ઉપરાંત કેસની સુનાવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ નહીં બને તે માટે કોર્ટ રૂમ અને કોર્ટ કેમ્પસમાં બંદોબસ્ત વધારવા માટે સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિમલ કે. વ્યાસે સુરતના પોલીસ કમિશનર (Surat Police Commissioner) અજય તોમર તેમજ એસપી બી.કે. વનારને પત્ર લખ્યો હોવાની વિગતો મળી છે.

  • પ્રથમ દિવસે આરોપી સામે 80 દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરાયું
  • ફેનિલને વીડિયો કોન્ફરન્સથી હાજર રખાયો, ચાર્જફ્રેમ માટે આજે કોર્ટમાં રજૂ કરાશે
  • ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલને આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત કોર્ટમાં હાજર કરાશે

આ કેસની વિગત મુજબ પાસોદરા ગામ પાસે લક્ષ્મીધામ સોસાયટી નજીક રહેતી ગ્રીષ્મા નામની યુવતીનું કાપોદ્રામાં રહેતા ફેનિલ પંકજભાઇ ગોયાણીએ ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી નાંખી હતી. હત્યાના આ કેસમાં પોલીસે ફેનિલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઇ છે. તાલુકાની કઠોર કોર્ટમાંથી ફેનિલ સામેનો હત્યાનો કેસ સુરતની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિમલ કે. વ્યાસની કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ચાલતા આ કેસમાં આજે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફે હાજર રહીને 80 જેટલા ડોક્યુમેન્ટનું લિસ્ટ રજૂ કર્યું હતું.

આ ઉપરાંત ફેનિલની વીડિયો કોન્ફરન્સથી હાજરી પુરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ આવતીકાલે ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ફેનિલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં હાજર રાખવામાં આવશે. આજની કોર્ટ કાર્યવાહી બાદ ડિસ્ટ્રિક્ટ જજે સુરતના પોલીસ કમિશનર તેમજ રૂરલ એસપીને પત્ર લખીને ગંભીર ગણાતા આ કેસમાં કોર્ટ કેમ્પસમાં કોઇ અનિચ્છનિય કાર્યવાહી નહી થાય તે માટે પોલીસ બંદોબસ્ત વધારવા માટે સૂચન કર્યું હતું.

Most Popular

To Top