રીંકુ રાજગુરુ વ્રત-ઉપવાસ તો નથી કરતી પણ લાગે છે કે ‘ઝૂંડ’ ફિલ્મ માટે તેણે વ્રત રાખવા જોઇતા હતા. માત્ર ૧૫ વર્ષની હતી અને હજુ ૧૦ મા ધોરણમાં જ ભણતી હતી ત્યારે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં જબરદસ્ત સફળતા મેળવનાર રિંકુ હિન્દી ફિલ્મોમાં કયારની આવી જોઇતી હતી પણ સાવ હમણાં તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ઝૂંડ’ રજૂ થઇ રહી છે. આમ તો આ ફિલ્મ અમિતાભ બચ્ચનને કારણે જોવા બધા ઉત્સુક છે પણ રિંકુ તો અમિતાભ સાથે પોતાની પહેલી ફિલ્મ જોવા આતુર છે. ‘સૈરાટ’ના દિગ્દર્શક નાગરાજ મંજુલેની ફિલ્મ છે એટલે તેને પહેલી જ હિન્દી ફિલ્મ હોવા છતાં એકદમ કમ્ફર્ટેબલ છે. તેની સાથે તેની પહેલી ફિલ્મનો હીરો આકાશ ઠોસર પણ છે.
રિકું રાજગુરુએ ‘સૈરાટ’ પછી મરાઠીમાં ‘કાગર’, ‘મેકઅપ’, ‘૨૦૦-હલ્લા હો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને ‘અનપોઝડ’ નામની હિન્દી શોર્ટ ફિલ્મમાં પણ આવી. અમેઝોન પ્રાઇમ વિડીયો પર તે ૨૦૨૧૦ માં રજૂ થઇ હતી. જોકે તેમાં ગુલશન દેવૈયા, સુમિત વ્યાસ, સૈયામી ખેર, રિચા ચઢ્ઢા, અભિષેક બેનરજી, રત્ના પાઠક શાહ વગેરે હતા એટલે લોકોનું ધ્યાન બરાબર ગયું નહીં. ત્યાર પછી ગયા વર્ષે તે ‘૨૦૦ હલ્લા હો’ માં આવી હતી જે ઝીફાઇવ પર રજૂ થયેલી. આવા ડિજીટલ રિલીઝથી રિંકુને મઝા નથી આવતી બાકી ‘અનકહી કહાનીયાં’ પણ નેટફલિકસ પર રજૂ થઇ ચૂકી છે. પણ ‘ઝૂંડ’ થિયેટરમાં રજૂ થશે ને અમિતાભ હોવાના કારણે આપોઆપ મોટી બની ચુકી છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૮ ના ડિસેમ્બરમાં શરૂ થયેલું અને ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ માં પૂરું થયેલું પણ ફિલ્મ રજૂ થાય તે પહેલાં કોરોના આવી ગયો. ચારેકવાર તેની રિલીઝ ડેટ નકકી થઇ પણ હવે ચોથી માર્ચે આવશે. અમિતાભ કહી રહ્યો છે કે, ‘ઇસ ટોલીસે મુકાબલા કરને કે લિયે રહો તૈયાર! હમારી ટીમ આ રહી હૈ. રિંકુ રાજગુરુ આ ફિલ્મ પછી મરાઠી ‘આઠવા રંગ પ્રેમાચા’ માં અને પછી મરાઠી – હિન્દીમાં બની રહેલી ‘છૂમંતર’માં આવશે.