નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતા સતત ચર્ચામાં રહેતા નથી. તેમની પાસે અભિનય સિવાયનાં નુસખા ઓછા હોય છે એટલે તેમને ચર્ચે કોણ ? જો કોઈ સારી ફિલ્મમાં સારી ભૂમિકા સાથે આવે તો તરત તેની ચર્ચા ઉપડે. આ બે વર્ષનો કોરોના સમય પણ તેને ભારે પડયો છે. આ દરમ્યાન તેની ફિલ્મોની સંખ્યા વધી પણ રજૂ થઈ હોય એવી ફિલ્મોની સંખ્યા ઘટી. નવાઝુદ્દીન એવો અસલામત અભિનેતા નથી કે ફિલ્મો ન રજૂ થઈ હોય ત્યારે બ્હાવરો બની જાય. અત્યારે તેની પાસે સાતેક ફિલ્મ છે. હવે તે એવું વલણ રાખે છે કે લોકપ્રિય સ્ટાર સાથેની ફિલ્મો પણ સ્વીકારવી. સલમાનખાન સાથેની ‘બજરંગી ભાઈજાન’ યા શાહરૂખ સાથેની ‘રઈસ’ પછી તે ‘જગ્ગા જાસૂસ’ અને શ્રીદેવી સાથેની ‘મોમ’માં પણ આવ્યો હતો. તમે એમ કહી શકો કે ઓમપુરી અને મનોજ વાજપેયીના રસ્તાને તેણે અપનાવ્યો છે. ગંભીર વિષયવાળી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળે પણ પ્રેક્ષકો ફરતા ન મળે તો શું કરવું ?
બાકી ‘મન્ટો’ ને ‘ઠાકરે’માં તે કેન્દ્રિય ભૂમિકામાં જ હતો. તેને સારી ફિલ્મોમાં કામ કરવું ગમે છે પણ એવીજ ફિલ્મોમાં કામ કરતા રહેવું સલાહભર્યુ નથી. તેમાંય ‘સેક્રેડ ગેમ્સ’ વેબ સિરીઝના ગણેશ ગાઈતોંડેની ભૂમિકા લોકોને ખૂબ ગમી પછી તેણે પોતાના માટે નક્કી કરેલી સીમાઓ તોડી છે. અત્યારે નવાઝુદ્દીન સિદ્દીકીની બે ફિલ્મો એકદમ કમ્પલીટ છે પણ મોટી ફિલ્મો વચ્ચે ખોવાય ન જાય એટલે તેની રજૂઆત પાછળ ઠેલાય રહી છે. એ ફિલ્મો છે ‘ધ માયા ટેપ’ જેમાં તે કાલીપ્રસાદ મુખરજી અને વિશાખા સીંધ સાથે છે. એ એક હોરર થ્રીલર છે. તો ‘બ્લેક કરન્સી : ધ ફેક કરન્ટસી ટ્રુથ અનફોલ્ડ’ પણ તૈયાર છે જેમાં તેની સાથે ઝિન્નત અમાન, અર્જૂન રામપાલ છે.
આ એક જબરદસ્ત ગેંગસ્ટર થ્રીલર છે. નવાઝુદ્દીનની એકટર તરીકેની ઈમેજ એવી છે કે તે વિષય અને પોતાના પાત્રોમાં પ્રયોગ કરી શકે. હકીકતે તો આવા પ્રયોગ જ તેની ઈમેજને મદદ કરે છે. પણ તે આ બધા વચ્ચે ટાઈગર શ્રોફ, તારા સુતરિયા સાથેની ‘હીરોપંતી-2’ અને ‘ટીકુ વેડસ શેરુ’ નામની કોમેડી ફિલ્મ પણ કરી રહ્યો છે જેમાં તે અવનીત કૌર સાથે છે. અન્ય એક ફિલ્મ ઋતિક રોશન સાથેની ‘ક્રિશ-4’ છે અને શ્રેયા ધનવંતરી સાથેની ‘અદભૂત’ તો છે જ. તેને વેબ સિરીઝનો વાંધો ય નથી એટલે 1967ની નકસલવાદી મુવમેન્ટ આધારીત વેબસિરીઝમાં તે ચારુ મજુમદાર જેવા આંદોલનકારી નેતાની ભૂમિકા કરી રહ્યો છે.
નવાઝુદ્દીન ફિલ્મો સિવાયના વિવાદમાં પડતો નથી.કામમાં જ પૂરું ધ્યાન હોવાના કારણે તેને અનેક એવોડ્સ મળી ચુક્યા છે. ‘કહાની’ ‘ગેગ્સ ઓફ વાસેપૂર’ ‘ધ લંચ બોક્સ’ ‘બદલાપુર, બજરંગી ભાઈજાન’, ‘મોમ’ ‘તલાશ’ને ‘ધ સિરીયસ મેન’ જેવી ફિલ્મો માટે તે ખૂબ વખણાયો છે. હા, તેનું લગ્નજીવન ખોરવાયું છે અને વિત્યા દોઢ વર્ષથી પત્નીથી છૂટો થઈ ગયો છે. પણ તે અત્યારે બીજા લગ્નનાં પ્લાનમાં નથી. ગયા વર્ષે અમેરિકન-બાંગ્લાદેશી ફિલ્મ ‘નો લેન્ડસ મેન’ ફિલ્મમાં આવેલો નવાઝુદ્દીન ‘જોગીરા સરારારા’ ફિલ્મમાં નેહા શર્મા સાથે દેખાશે. પણ તે કહી નથી શક્તો કે તેની કઈ ફિલ્મો ક્યારે રજૂ થશે પણ રજૂ થશે એટલે ચર્ચામાં આવી જશે. આખર તે નવાઝુદ્દીન સિદ્દીકી છે.