Columns

રશિયાએ યુક્રેનમાં શાંતિસૈનિકો મોકલીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે

રશિયાએ આખરે યુક્રેનમાં લશ્કર મોકલવાનું સજ્જડ બહાનું શોધી કાઢ્યું છે. યુક્રેન પર સીધો હુમલો કરવાને બદલે તેણે પૂર્વ યુક્રેનમાંથી ૨૦૧૪ માં છૂટા પડેલાં ડોનેત્સ્ક અને લુહાન્સ્ક  પ્રાંતોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી હતી.  ત્યાર બાદ આ બે પ્રાંતોની ‘સરકારો’ ની વિનંતીને માન આપીને તેણે ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયાનું લશ્કર મોકલી આપ્યું છે, પણ તેને નામ શાંતિસૈનિકોનું આપ્યું છે. લશ્કરનું કામ યુદ્ધ કરવાનું હોય છે, તેને શાંતિસૈનિક તરીકે ખપાવવા તે મોટું છળ છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન યુક્રેન પર પોતાનો કબજો જમાવવા આતુર થયા છે, જેને કારણે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ ભંગ કરીને યુક્રેનમાં લશ્કર મોકલી રહ્યા છે.

જો રશિયા દ્વારા ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા ન આપવામાં આવી હોત તો યુક્રેનના બે પ્રાંતમાં લશ્કર મોકલવાનું પગલું યુદ્ધના આરંભ તરીકે ગણવામાં આવત, પણ બે પ્રાંતોને બે દેશ તરીકે માન્યતા આપીને રશિયાએ હાથચાલાકી કરી છે. તેણે આ બે દેશોની સરકારો સાથે શાંતિકરારો કર્યા છે, જે મુજબ રશિયા તેમને લશ્કરી મદદ કરી શકે છે. આ કરારના ભાગરૂપે રશિયાએ પોતાનું લશ્કર મોકલ્યું છે. અહીં તકલીફ એ છે કે ડોનેત્સ્ક અને લુહાન્સ્ક  પ્રાંતો સંપૂર્ણપણે રશિયાતરફી બળવાખોરોના કબજામાં નથી. તેનો બે તૃતિયાંશ હિસ્સો હજુ પણ યુક્રેનના કબજામાં છે. જો રશિયાનું લશ્કર તેના પર હુમલો કરશે તો યુક્રેનનું લશ્કર તેનો પ્રતિકાર કરશે.

ડોનેત્સ્ક અને લુહાન્સ્ક  પ્રાંતોની પ્રજા રશિયા તરફી છે, તેનું કારણ પણ ઐતિહાસિક છે. બીજા વિશ્વયુદ્ધ પછી રશિયાએ ત્યાં મોટી સંખ્યામાં પોતાના નાગરિકો વસાવ્યા હતા, જેને કારણે તેમાં રશિયન ભાષા બોલતાં નાગરિકોની બહુમતી થઈ ગઈ હતી. આ નાગરિકો ૨૦૧૪ ની સાલથી પોતાનો દેશ અલગ માગી રહ્યા હતા, પણ કોઈ દેશે તેમને માન્યતા આપવાની હિંમત કરી નહોતી.

દુનિયાનો કોઈ પણ ભાગ પોતાને સ્વતંત્ર દેશ તરીકે ક્યારે જાહેર કરી શકે? તેના પણ કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો છે. ૧૯૩૩ માં થયેલા મોન્ટેવીડિયો કરાર મુજબ કોઈ પણ પ્રદેશ સ્વતંત્ર દેશ બનવા માગતો હોય તો તેણે ચાર શરતો સંતોષવી જોઈએ. પહેલી શરત એ છે કે તે પ્રાંતમાં વસતી જનતા તેને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવા ચાહતી હોય. બીજી શરત એ છે કે તે પ્રાંત પાસે પોતાની જમીન હોવી જોઈએ, જે તેમના પોતાના નિયંત્રણ હેઠળ હોવી જોઈએ. ત્રીજી શરત એ છે કે તે પ્રાંતના લોકોની પોતાની સરકાર હોવી જોઈએ, જે તેનો વહીવટ કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. આ સરકાર લોકશાહી ઢબે ચૂંટાયેલી હોય તો ચાલે; અને સરમુખત્યાર હોય તો પણ ચાલે.

ચોથી અને સૌથી મહત્ત્વની શરત એ છે કે તે પ્રાંતના લોકો બીજા દેશો સાથે સંબંધો વિકસિત કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. આ ચાર શરતો ઉપરાંત પાંચમી શરત ૧૯૪૫ માં યુનોના ચાર્ટરમાં મૂકવામાં આવી હતી. આ શરત મુજબ નવા દેશની જમીન બીજા દેશની લશ્કરી તાકાત વડે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ નહીં. ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રાંતો આ પાંચમી શરત પૂરી કરી શકે તેમ નથી. તેમના કબજામાં જે જમીન છે તે તેમણે પોતાના પુરુષાર્થથી નથી મેળવી, પણ રશિયાના લશ્કરની મદદથી મેળવી છે. વળી ડોનેત્સ્ક અને લુહાન્સ્કની સંપૂર્ણ જમીન પર તેઓ કબજો મેળવી શક્યા નથી. આ કારણે તેઓ બીજી શરત પણ પૂરી કરી શક્યા નથી. તેમની યુક્રેન સાથેની સરહદો હજુ નક્કી થઈ નથી. વળી ડોનેત્સ્ક અને લુહાન્સ્ક  રશિયાના લશ્કરી ટેકા વગર પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકે તેમ નથી. આ કારણે રશિયાએ તેમને માન્યતા આપીને ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ કર્યો છે.

દુનિયાની મહાસત્તાઓ પોતાના સ્વાર્થ માટે કોઈ દેશના ભાગને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દે, તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. ઇ.સ. ૧૯૦૩ માં અમેરિકાએ કોલોમ્બિયાના એક ભાગને પનામા નામના નવા દેશ તરીકે માન્યતા આપી હતી, કારણ કે અમેરિકા ત્યાં પનામા નહેર બાંધવા માંગતું હતું અને કોલોમ્બિયા તેની પરવાનગી આપતું નહોતું. ૧૯૩૨ માં જપાને ચીનના પૂર્વોત્તર પ્રાંત મંચુકુઓને નવા દેશ તરીકે માન્યતા આપી હતી, કારણ કે તેના લોકો જપાનીઝ ભાષા બોલતા હતા. ઇ.સ. ૧૯૭૨ માં ભારતે પૂર્વ પાકિસ્તાનમાં લશ્કર મોકલવું હતું, માટે તેને બાંગ્લા દેશ નામના સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી હતી. જો કે બાંગ્લા દેશ પશ્ચિમ પાકિસ્તાન સાથે જમીન માર્ગે જોડાયેલું ન હોવાથી તેને સ્વતંત્ર કરવું સહેલું હતું. ડોનેત્સ્ક અને લુહાન્સ્ક યુક્રેન સાથે જમીન માર્ગે જોડાયેલા હોવાથી તેમને કાયમ માટે યુક્રેનથી સ્વતંત્ર રાખવા મુશ્કેલ છે.

રશિયાએ જેવી ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપી દીધી કે તરત તેમણે રશિયાના લશ્કરને આમંત્રણ આપીને બોલાવ્યું હતું. પરંતુ દુનિયાના લગભગ તમામ દેશોની નજરે તે યુક્રેનની જમીન હતી. તેના પર રશિયા દ્વારા ગેરકાયદે આક્રમણ કરવામાં આવ્યું હતું. રશિયાનું લશ્કર અત્યારે તો આ બે શહેરોમાં ફરી રહ્યું છે, જેના પર ૨૦૧૪ થી બળવાખોરોનો અંકુશ છે. આ બે દેશો તેવા પ્રદેશો પર પણ પોતાનો દાવો બતાવી રહ્યા છે, જે પ્રદેશો તેમના નિયંત્રણ હેઠળ નથી. જે પ્રદેશ પર યુક્રેનનો અંકુશ છે તેમાં રશિયન લશ્કર પ્રવેશ કરશે ત્યારે ખરેખરા યુદ્ધનો પ્રારંભ થશે. જો રશિયા આક્રમણ કરે તો કદાચ નાટોનું લશ્કર પણ યુક્રેનની મદદે આવી શકે છે.

૧૯૯૦ પહેલાં યુક્રેન રશિયાનો ભાગ હતું. ૧૯૯૧ માં સોવિયેટ રશિયાનું વિસર્જન થયું ત્યારે અન્ય દેશોની જેમ યુક્રેન પણ તેનાથી છૂટું પડી ગયું હતું, પણ તેની સરકારો રશિયાતરફી હતી. રશિયાથી છૂટું પડેલું યુક્રેન સામ્યવાદ છોડીને મૂડીવાદ તરફ આગળ વધ્યું હતું. તેના વેપારી સંબંધો યુરોપના દેશો સાથે વધ્યા હતા. કોઈ તબક્કે તો યુક્રેન યુરોપિયન યુનિયનમાં જોડાવા પણ તૈયાર થઈ ગયું હતું. ૨૦૧૩ માં યુક્રેનમાં બળવો થયો હતો અને તેના રશિયાતરફી પ્રમુખને રાજીનામું આપવાની ફરજ પડી હતી. યુક્રેનમાં જે નવી સરકાર આવી તે યુરોપતરફી મૂડીવાદી સરકાર હતી. આ કારણે રશિયાના પેટમાં તેલ રેડાયું હતું, પણ તે સમસમીને બેસી રહ્યું હતું. રશિયાએ તેનો બદલો લેવા ક્રીમિયા પર આક્રમણ કરીને તેને યુક્રેનથી છૂટું પાડી દીધું હતું. યુક્રેને હજુ સુધી ક્રીમિયા પરનો પોતાનો દાવો જતો કર્યો નથી. રશિયાની માગણી છે કે ક્રીમિયાને તેના ભાગ તરીકે સ્વીકારી લેવામાં આવે.

ડોનેત્સ્ક અને લુહાન્સ્ક  પર રશિયાએ કબજો જમાવ્યો છે, પણ તેને ક્રીમિયાની જેમ પોતાના દેશમાં ભેળવી દેવાને બદલે તેને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપીને ઊંડી ચાલ ચાલી છે. રશિયા દ્વારા યુક્રેનને સંદેશો આપવામાં આવ્યો છે કે હાલ તેનો ઇરાદો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને યુક્રેનથી છૂટા પાડવા જેટલો જ મર્યાદિત છે. જો યુક્રેન તેનો સ્વીકાર કરી લેશે તો વાત કદાચ પતી જશે. ૨૦૧૪ માં રશિયા જેમ ક્રીમિયાને છૂટું પાડીને સંતુષ્ટ થઈ ગયું હતું તેમ હવે તે ડોનેત્સ્ક અને લુહાન્સ્કને છૂટાં પાડીને સંતુષ્ટ થઈ જશે. જો યુક્રેન દ્વારા તેનો પ્રતિકાર કરવામાં આવે તો  જ યુદ્ધ થશે.  જો કે યુક્રેન લડાઈ નહીં કરે તો પણ રશિયા ડોનેત્સ્ક અને લુહાન્સ્કના બાકીના ભાગો પર હુમલો નહીં કરે, તેની કોઈ ગેરન્ટી નથી. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનનો આખરી ઇરાદો જુદા પડેલા બધા દેશોને જોડીને ૧૯૯૦ પહેલાંના સોવિયેટ રશિયાનું ફરીથી નિર્માણ કરવાનો હોય તેવું લાગે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top