Business

યુક્રેન પર રશિયાએ હૂમલો કરતા ભારતીય શેરબજાર ખૂલતાં જ તૂટ્યું, મિનીટોમાં 8 લાખ કરોડ ધોવાયા

મુંબઈ: છેલ્લાં એક મહિનાથી જેની ભીતિ સતાવી રહી હતી તે આખરે સાચી પડી છે. રશિયાએ આજે વહેલી સવારે એકસાથે યુક્રેનના 11 શહેરો પર હૂમલો કરી દીધો છે. રશિયાના યુક્રેન પર હૂમલાની ભારતીય શેરબજાર પર ગંભીર અસર પડી છે. સવારે બજાર ખૂલતાંની સાથે જ 2000 પોઈન્ટ તૂટી ગયું હતું, જેના લીધે રોકાણકારોના શરૂઆતની ગણતરીની મિનીટોમાં 8 લાખ કરોડ ધોવાઈ ગયા હતા.  શેરબજારોમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 2000 પોઇન્ટથી વધુ ઘટી 55297 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 575 અંક ઘટી 16487 પર કારોબાર કરી રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આદેશના પગલે રશિયાએ યુક્રેન પર હૂમલો કરતા ભારતીય શેરબજારમાં ધરતીકંપ આવ્યો છે અને ક્રુડ પણ ભડકે બળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સવારે 3 ટકાનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રુડનો ભાવ 100 ડોલરને પાર નીકળી ગયો છે. આ તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે ભારતીય રૂપિયો 55 પૈસાના ઘટાડા સાથે 75.61 પ્રતિ યુએ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધની સ્થિતિના પગલે ક્રુડ હજુ વધશે અને રૂપિયા 77 સુધીના લેવલે ઘટી શકે છે.

ક્રૂડના ભાવ વધ્યા, આ શેર્સની કિંમતો ઘટી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ બ્રેન્ડ ક્રુડના ભાવ 999.75 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયા છે. આ પાછલા 8 વર્ષનો રેકોર્ડ છે. નિષ્ણાતો અનુસાર આવનારા દિવસોમાં ક્રુડના ભાવ 120 ડોલર સુધી પહોંચી શકે છે. પેટ્રોલ ડિઝલ 20 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે. આ તરફ સેન્સેક્સ પછડાતા ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ,ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, ટાટા સ્ટીલ સહિતના શેર્સની કિંમતોમાં ઘટાડો થયો છે. ટેક મહિન્દારા 5.33 ટકા ઘટી 1338.65 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 5.57 ટકા ઘટી 665.00 પર કારોબાર કરે છે. ભારતીય શેરબજારની જેમ વિશ્વના અન્ય દેશોના શેરબજારો પર પણ યુદ્ધની અસર જોવા મળી છે. ડાઉ જોન્સ ફ્યૂચર 500 પોઈન્ટ તૂટ્યો છે. હેંગ સેંગ 600 પોઈન્ટ તૂટ્યો છે.

Most Popular

To Top