SURAT

સુરતમાં આવા અધિકારીઓને કારણે કૌભાંડીઓ જલસા કરે છે, પોલીસ અને કોર્ટ પણ કાંઈ કરી શકતી નથી

સુરત: (Surat) જીએસટીના (GST) કરોડો રૂપિયાના કૌભાંડમાં (Fraud) આરોપીઓ સામે ચાર્જશીટ નહીં કરી તેને બચાવી જીએસટીના અધિકારીઓ કરોડો રૂપિયાનો તોડ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ તપાસના નામે પગ ઉપર પગ નાંખીને બેસી રહે છે, અને ચાર્જશીટના અભાવે આરોપીને આરામથી જામીન અપાવી દેવાની વાતે ભારે હોબાળો થયો છે. સુરતમાં હજારો કરોડોનાં ફ્રોડ બિલ બન્યાં છે તેમાં જે આરાપીઓ પકડાયા છે તેઓ સામે જે ચાર્જશીટ (Charge-sheet) જોઇતી હોય તે મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સરવાળે છેલ્લા એક વર્ષમાં સંખ્યાબંધ કૌભાંડી અને ચીટરોને સરળતાથી બેઇલ મળી ગયા છે. આ મામલે ચાર્જશીટ અને તપાસનાં કાગળિયા નહીં મળતાં હોવાને કારણે સરકારી વકીલ, કોર્ટ અને પોલીસ ચૂપચાપ બેસવાનો વારો આવ્યો છે.

  • હજારો કરોડોનાં ફ્રોડ બિલ બનાવનાર કૌભાંડીઓને છોડી દેવા જીએસટીની વરવી ભૂમિકા
  • કરોડો રૂપિયાના કૌભાંડમાં અનેક આરોપીઓને ડિફોલ્ટ બેઇલનો લાભ મળતાં અધિકારીઓ શંકાના દાયરામાં
  • નિયત સમયમાં તપાસનાં કાગળિયા જમા કરાતા નથી
  • હજારો કરોડોનાં ફ્રોડ બિલ બનાવનારા સરળતાથી છૂટી જાય છે
  • રાજ્ય સરકારને ફરિયાદ થયા પછી પણ કોઈ કાર્યવાહી નહીં
  • પોલીસ અને કોર્ટ પણ આરોપી સામે કાંઈ કરી શકતી નથી

બોગસ બિલિંગ કહો કે પછી ટેક્સ ભર્યા વગર જ સરકારને ચૂનો ચોપડતા વેપારીઓ જીએસટી વિભાગના અધિકારીઓની સાઠગાંઠમાં બીજા કરોડો રૂપિયાનાં કૌભાંડ કરી રહ્યા છે. પહેલા કૌભાંડના નામે જીએસટીના અધિકારીઓ વેપારીઓની અટકાયત કરે છે, ત્યારબાદ વેપારીઓની સામે તપાસ કરતી નથી. સમયાંતરે વેપારી સામે કોર્ટમાં ચાર્જશીટ આવતી નથી. કરોડોના કૌભાંડો કરતા આ વેપારીઓ બે મહિના જેલમાં રહ્યા બાદ ચાર્જશીટના અભાવે ડિફોલ્ટ જામીનની માંગણી કરી કોર્ટમાં અરજી કરે છે, અને આવા વેપારીઓને આસાનીથી ડિફોલ્ટ જામીન મળી જાય છે.

કૌભાંડીઓને જામીન અપાવવા માટે પણ જીએસટીના અધિકારીઓની જ સાઠગાંઠ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અધિકારીઓ જેટલા રૂપિયાનું કૌભાંડ હોય તે પ્રમાણે તોડપાણી કરીને આરોપીને ડિફોલ્ટ બેઇલ અપાવવામાં મદદગારી કરતા હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ ત્રણ જેટલા વેપારીને ડિફોલ્ટ જામીન મળ્યાં છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ સાતથી આઠ અધિકારીઓને જામીન મળ્યા હોવાનું કહેવાય છે.

Most Popular

To Top