Madhya Gujarat

ખંભાતના DSC કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિ અનાજનો જથ્થો તારાપુર મોકલ્યો હતો

આણંદ : તારાપુર રાઇસ મીલમાં 16મી ડિસેમ્બરના રોજ એસઓજીએ દરોડો પાડી સરકારી અનાજના જથ્થા સાથે ટ્રક પકડી પાડી હતી. આ અંગે જરુરી તપાસ બાદ ખંભાત ખાતે ડીએસસી કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિની સંડોવણી ખુલતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે તારાપુર મોરજ રોડ પર આવેલી એ.એમ. એગ્રો રાઇસ મીલમાં મીની ટ્રકમાં સરકારી અનાજ ક્યાંથી ભરી લાવી મીલમાં ખાલી કરવામાં આવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે મીલમાં દરોડો પાડ્યો હતો અને ચાલકની અટક કરી પુછપરછ કરતાં તે મોહંમદ સલીમ મોહમંદ હુસેન શૈખ (રહે.ખુરજા મહોલ્લા કોર્ટ, ખંભાત) હોવાનું જણાવ્યું હતું. મીની ટ્રકમાં તપાસ કરતાં સરકારી અનાજના ઘઉં તથા ચોખાના કટ્ટા મળી આવ્યાં હતાં. આ અંગે ચાલક પાસે બીલ તથા અન્ય રસીદો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. આ કેસમાં એસઓજીએ ઘઉંના 150 કટ્ટા, ચોખાના 60 કટ્ટા મળી કુલ 210 કટ્ટા કિંમત રૂ.1.86 લાખ અને મિનીટ્રક, મોબાઇલ મળી કુલ રૂ.6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે તપાસ કરતાં સમગ્ર બનાવમાં ડીએસડીના પ્રતિનિધિ ઇશાક ચાવડા ઉર્ફે ઇકબાલ ચાવડાની સંડોવણી ખુલી હતી. ઇકબાલ દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારોનો જે જથ્થો ઇસ્યુ કરવામાં આવ્યો હતો, તે જથ્થાની ડીલીવરી કર્યા બાદ દુકાનદારની સહી અને તકેદારી સમિતિના સભ્યની સહી મેળવી ગોડાઉન મેનેજરને સમયસર ડીલીવરી ચલણ જમા કરાવવાની જવાબદારી સોંપી હતી. આમ છતાં તેણે ગોડાઉન મેનેજર ખંભાતને 16મી ડિસેમ્બરના રોજ જથ્થો મળ્યા બદલની દુકાનદાર અને તકેદારી સમિતિના સભ્યોની સહીવાળા ડિલીવરી ચલણ રજુ કરવામાં આવ્યાં નહતાં અને તેના કહેવા મુજબ ગોડાઉનમાંથી સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ઇશાક ઉર્ફે ઇકબાલ ચાવડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top