સુરત: (Surat) છેલ્લાં એક અઠવાડિયાથી સુરત શહેરમાં ગરમી અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં હતાં ત્યારે આજે બુધવારે સવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. પારો ગગડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ધુમ્મસે (Fog) જાણે આખાય શહેરને આગોશમાં લઈ લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધુમ્મસના લીધે વહેલી સવારે શહેરમાં માંડ 20થી 30 ફૂટ જેટલી જ વિઝિબિલિટી હતી. ઠંડીમાં ધ્રુજતા શહેરીજનોને ગાઢ ધુમ્મસના લીધે જાણે સિમલા જેવા હિલ સ્ટેશન (Hill Station) પર પહોંચી ગયાનો અનુભવ કર્યો હતો. હજુ સોમવારથી જ સ્કૂલો શરૂ થઈ હોય આજે શાળાએ જવા માટે બાળકોએ સ્વેટર પહેરવા પડ્યા હતા.
દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતથી શહેરમાં ગરમી શરૂ થઈ જતી હોય છે અને શિવરાત્રિ નજીક આવે તેમ ફરી ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. આ વર્ષે પણ છેલ્લાં એક અઠવાડિયાથી ગરમી અને બફારા નો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો હતો અને આજે એકાએક સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે ઠંડીનો પારો પણ ગગડ્યો હતો તેના લીધે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ધુમ્મસનું એટલું ગાઢ હતું કે સુરત શહેર સિમલા જેવા હિલ સ્ટેશન જેવું અનુભવાતું હતું. ધુમ્મસનું પ્રમાણ એટલું વધુ હતું કે વાહનચાલકોને હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ધુમ્મસના કારણે 20થી 30 ફૂટ જેટલી વિઝિબિલિટી પણ થઈ ગઈ હતી.
સવારે પારો ગગડી 19 ડિગ્રી થયો
આજે વહેલી સવારે સુરત શહેરનું તાપમાન 19 ડિગ્રી કરતાં પણ ઓછું નોંધાયું હતું. જેથી અંદાજ મુકી શકાય છે કે ઠંડીનું પ્રમાણ કેટલું વધી ગયું હશે. શહેર થોડા સમય માટે ગાઢ ધુમ્મસથી ઘેરાઈ ગયું હતું. વાહનચાલકોને ફ્લાય ઓવરબ્રિજ ઉપરથી નીચે ઉતરતી વખતે વિઝિબિલિટી ખૂબ ઓછી જોવા મળી હતી. વાહનચાલકો પોતાનું વાહન ઝડપથી વધારે ચડાવી શકાય તેવી સ્થિતિ ન હતી. માર્ગ ઉપર આગળ કેટલો ઓછું દેખાતો હતો કે હેડલાઇટ ચાલુ કર્યા બાદ પણ વાહનની ગતિ ખૂબ ધીમી રાખવી પડે તેવી સ્થિતિ હતી.