હિન્દી ફિલ્મના સંગીતની ગાયકી ક્ષેત્રે જેમનો કોઇ પર્યાય નહોતો અને લાગે છે કે ભવિષ્યે પણ એ પર્યાય મળે એમ નથી, એવાં મહાન ગાયિકા લતા મંગેશકરનો પાર્થિવ દેહ હવે આપણી વચ્ચે રહ્યો નથી. એમણે ગાયેલાં સેંકડો હિન્દી ફિલ્મોનાં ગીતો વડે લતાજી આપણી વચ્ચે બિરાજમાન જ છે. એમના ગળાની સ્વરપેટીમાંથી નીકળેલા અલૌકિક સૂર સાંભળતાં આપણે ડોલી ઊઠીએ છીએ. અતિશયોકિત વહોરીને પણ કહેવાનું મન થાય છે કે, આ પૃથ્વી ઉપરનાં મનુષ્યોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાયિકા તરીકે અમે લતાજીને સમજીએ છીએ. એમણે એક વખત કહેલું કે, ‘મને મારાં ગાયેલાં બધાં જ ગીતો ગમે છે. છતાં કહું છું કે બર્મનદાદાની તર્જ પર ગાયેલું ફિલ્મ હાઉસ નં. ૪૪ નું, ફૈલી હુઇ હૈ સપનોંકી બારે’ આ જા ચલ દે કહીં ઓર એમાં વચ્ચે જે ગળામાંથી આલાપ અપાયો છે, તે આલાપ મને ઘણો પસંદ છે.’
આધુનિક ટેકનોલોજીને કારણે, લતાજીનાં ગીતો નિરંતર ભારતમાં જ નહિ, પણ જગતના અનેક દેશોમાં ગૂંજતાં રહે છે. ટી.વી. હોય કે રેડિયો, લતાજીનાં ગીતો વગર એમને ચાલતું નથી. આવાં મહાન સ્વર-આરાધક લતાજી કયારેક ગુસ્સે પણ થતાં રહેતાં. તેઓ દયાળુ પણ એટલાં જ હતાં કે કેટલાંક ગરીબ નિર્માતાઓ પાસેથી ગીત ગાવાના પૈસા, કાં લેતાં નહિ કે ઓછા લેતાં હતાં. સ્વમાની પણ એવાં હતાં કે બર્મનદાદા સાથે પણ બે-ત્રણ વર્ષ માટે અબોલા થઇ પડેલાં-ગીતોની રોયલ્ટી બાબતે, પણ સહગાયક રફી સાહેબ સાથે મન:દુખ વહોરી લીધેલું. સુમન કલ્યાણપુર તથા વાણી જયરામ જેવી ઉત્તમ ગાયિકાઓને અવરોધવાનો આક્ષેપ લતાજી ઉપર લાગેલો છે. આમ છતાં એક સજજાદ હુસેનથી માંડી, જતિન લલિત સુધીના સંગીતકારો સાથે એમણે ગાયકી ક્ષેત્રે ઉત્તમ કામ કર્યું હતું. ઓ.પી. નૈયર સાથેના અબોલા તો કાયમ રહેલા. આવા માનવસહજ સ્વાભાવિક લક્ષણો ધરાવતાં લતાજી કશે જ ગયાં નથી. એમના સાત સૂરોની સૂરાવલિ વચ્ચે તે આપણી સાથે જ છે.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.