વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનમાં ભેદી કોરોનાવાયરસનો રોગ શરૂ થયો, ત્યારબાદ ૨૦૨૦ની શરૂઆતમાં ધીમે ધીમે વિશ્વભરમાં તેનો રોગચાળો ફેલાવા માંડ્યો ત્યારથી ક્વોરેન્ટાઇ, આઇસોલેશન, લૉકડાઉન, સેનિટાઇઝેશન વગેરે શબ્દો ખૂબ વ્યાપક બન્યા છે. રોગચાળો શરૂ થયા બાદ ભારત સહિત વિશ્વભરના દેશોએ બે વર્ષમાં તો જાત જાતના નિયંત્રણો જોયા છે. આપણે તો ૨૦૨૦ના માર્ચના અંતથી મેની શરૂઆત સુધીમાં તો અત્યંત કડક દેશવ્યાપી લૉકડાઉન જોઇ ચુક્યા છીએ. આ લૉકડાઉનનો અંત આવ્યા બાદ પણ જાત જાતના નિયંત્રણો અને નિયમો વધતા ઓછા પ્રમાણમાં લાંબા સમય સુધી અમલી બનતા રહ્યા છે. હજી પણ ભારત સહિતના દેશોમાં કેટલાક નિયંત્રણો અને નિયમો અમલી છે. જો કે સમય જતા અને ખાસ કરીને રસીકરણ શરૂ થયા પછી નિયંત્રણોના અમલમાંથી સખતાઇ ઓછી થતી ગઇ છે. લોકોમાં ઇમ્યુનિટી વધી હોવાનું પણ કારણ અપાય છે, જો કે નિયંત્રણો હજી પણ થોડા અંશે ચાલુ જ છે ત્યારે બ્રિટન કદાચ દુનિયામાં પ્રથમ એવો દેશ બનશે કે જે કોવિડ-૧૯ને એક સામાન્ય રોગની જેમ જ ગણીને તમામ નિયંત્રણો ઉઠાવી લેશે અને કોવિડના દર્દીએ પણ આઇસોલેશનમાં રહેવું નહીં પડે. વ્યાપક રસીકરણ અને કથિત હર્ડ ઇમ્યુનિટી પછી તેઓ હવે કોવિડ સાથે જીવનની યોજના બનાવી રહ્યા છે.
બ્રિટિશ સરકારે એ વાતને સમર્થન આપ્યું છે કે કોવિડ-૧૯થી અસરગ્રસ્ત લોકોએ આ સપ્તાહથી સેલ્ફ આઇસોલેટ થવાની કાનૂની રીતે જરૂર રહેશે નહીં, કોવિડ સાથે જીવવાની યોજનાના ભાગરૂપે આ કરવામાં આવી રહ્યું છે જેમાં કોરોનાવાયરસ માટેના ટેસ્ટિંગ પણ પાછા ખેંચવામાં આવી શકે છે. વડાપ્રધાન બોરિસ જહોનસને જણાવ્યું હતું કે વાયરસનો ફેલાવો રોકવા માટેના તમામ કાનૂની નિયંત્રણોનો અંત યુકેના લોકોને પોતાની સ્વતંત્રતાઓ નિયંત્રિત કર્યા વિના પોતાનું રક્ષણ કરવા દેશે. જો કે સરકારના કેટલાક વૈજ્ઞાનિક સલાહકારોએ જણાવ્યું હતું કે તે એક જોખમી પગલું સાબિત થશે અને તેના કારણે ચેપના કેસોમાં વધારો થઇ શકે છે અને ભવિષ્યના વધુ ચેપી સ્ટ્રેઇનો સામે દેશનું સંરક્ષણ નબળું પડશે.
જોહનસનની રૂઢિચુસ્ત સરકારે મોટા ભાગના વાઇરસ નિયંત્રણો જાન્યુઆરીમાં ઉઠાવી લીધા હતા, વિવિધ સ્થળો માટેની વેક્સિન પાસપોર્ટોની જરૂરિયાતો રદ કરી હતી અને ઇંગ્લેન્ડની હોસ્પિટલો સિવાય મોટા ભાગના સ્થળો માટેના ફરજિયાત માસ્કના નિયમોનો અંત આણ્યો હતો. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના વિસ્તારો પણ ખોલવામાં આવ્યા છે, અલબત્ત ધીમી ઝડપે. યુકેમાં રસીકરણનો ઉંચો દર અને મંદ પ્રકારના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે એવું જણાયું છે કે નિયંત્રણો હળવા કરવાથી હોસ્પિટલાઇઝશેન અને મૃત્યુઓમાં ઉછાળો આવશે નહીં. બંનેનું પ્રમાણ ઘટી રહ્યું છે, જો કે યુકેમાં હજી પણ રશિયા પછી યુરોપનો સૌથી ઉંચો કોરોનાવાયરસથી મૃત્યુઆંક છે જેમાં ૧૬૦૦૦૦ મૃત્યુઓ નોંધાયા છે. જો કે વૈજ્ઞાનિકોએ એ બાબત પર ભાર મૂક્યો છે કે આ વાયરસ અંગે ઘણી બાબતો હજી જાણી શકાઇ નથી. ભવિષ્યના વેરિઅન્ટો હાલના ડોમિનન્ટ ઓમિક્રોન કરતા વધુ ગંભીર હોઇ શકે છે.
આ ઉપરાંત જેઓ સરકારને સલાહ આપે છે તે રોગચાળા મોડેલરોએ પણ ચેતવણી આપી છે કે અચાનક નીતિમાં ફેરફાર, જેમ કે ટેસ્ટિંગ અને આઇસોલેશનનો અંત આણવાથી, રોગચાળામાં ઝડપથી વૃદ્ધિ ફરીથી સર્જાઇ શકે છે. બીજી બાજુ રાજકારણીઓ અને ઘણા લોકો સરકારના આ પગલાંથી ખુશ થઇ શકે છે જેઓ આ નિયંત્રણોને બિનજરૂરી માનતા હતા. આ નિયંત્રણો અંગે વિશ્વભરમાં વિવાદો છે અને જાત જાતના સંઘર્ષો પણ તેને કારણે સર્જાતા રહ્યા છે ત્યારે બ્રિટનથી પ્રેરાઇને અન્ય દેશો પણ કોવિડના નિયંત્રણો હળવા કરવા પ્રેરાય તો નવાઇ નહીં. એ દિવસો યાદ કરો કે જ્યારે રોગચાળાની શરૂઆત હતી અને પોઝિટિવ આવનાર વ્યક્તિના આખા ઘરને સીલ કરી દેવામાં આવતું હતું. અનેક ઇમારતો અને લત્તાઓ સીલ થઇ ગયા હતા. સોશ્યલ ડિસ્ટન્સિંગની સલાહો અપાતી હતી, જે સોશ્યલ ડિસ્ટન્સિંગ એ સાવ અવ્યવહારૂ બાબત હતી અને તેનો ભાગ્યે જ પુરો અમલ થઇ શક્યો છે. લૉકડાઉન પછી પણ કેસો તો ખૂબ વધ્યા, ભારત સહિત અનેક દેશોમાં ઘણા બધા મૃત્યઓ થયા.
ભારતમાં બીજી લહેરમાં જ્યારે દેશભરમાં હાહાકાર મચી રહ્યો હતો અને મોતનું તાંડવ ખેલાઇ રહ્યું હતું તે જ સમયે નિયંત્રણો ખૂબ હળવા હતા. રોગચાળાની શરૂઆતમાં જે સખત લૉકડાઉન લાદવામાં આવ્યું અને તેના જે આર્થિક પરિણામો આવ્યા અને જે અંધાધંધી સર્જાઇ પછી આવા સખત લૉકડાઉનની સરકારમાં ભાગ્યે જ હિંમત હતી. આ રોગચાળા દરમ્યાન આખા વિશ્વમાં ઘણુ બધું વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ પણ બનતું રહ્યું છે. ઘણી બાબતો એવી હતી કે જે સાવ અવ્યવહારુ કે પછી ખોટા આગ્રહો જેવી હતી અને લોકોને તેના પાલનની ફરજ પાડવામાં આવી. હવે રસીકરણ કે લોકોમાં વધેલી ઇમ્યુનિટીનું કારણ આપીને બ્રિટન નિયંત્રણો ઉઠાવી રહ્યું છે ત્યારે વિશ્વના અનેક દેશો તેને અનુસરે તેવી શક્યતા છે પરંતુ આમાં પણ ઉતાવળીયા અને આડેધડ નિર્ણયો નહીં લેવાય તે જરૂરી છે. વૈજ્ઞાનિકોએે અને નિષ્ણાતોએ આપેલી ચેતવણીઓને પણ ધ્યાનમાં રાખવી જોઇએ અને વ્યવહારુ અને વાજબી કાળજીઓ હાલ ચાલુ જ રાખવી જોઇએ.