મુબંઈ: અન્ડરવર્લ્ડ (Underworld) અને મની લોન્ડરિંગમાં (Money laundering) ઈડીને (ED) મોટી સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી છે. ઇડીએ સવારે 7 વાગે તેમના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ એક કલાક બાદ ED તેમને પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યારથી નવાબ મલિક ED ઓફિસમાં હાજર હતા. બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) ટીમે બુધવારે સવારે નવાબ મલિકના ઘરે દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. હવાલા કેસમાં ED દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવામાં મલિકનું નામ પ્રથમ આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર EDની આ કાર્યવાહી અન્ડરવર્લ્ડ સાથે સંબંધિત એક પ્રોપર્ટી કેસમાં થઈ છે. આમાં દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામે આવી રહ્યું છે. ઇડી ઇકબાલ કાસકર સાથે સંબંધિત કથિત જમીન સોદાની તપાસ કરી રહી છે. ગયા અઠવાડિયે ઈડીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ નાગપાડામાં હસીના પારકર સાથે જોડાયેલા 10 અલગ-અલગ સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ સિવાય એજન્સીએ દાઉદના ભત્રીજા અને પારકરના પુત્ર અલીશાહ પારકર અને છોટા શકીલના ગુલામ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ્સની પણ પૂછપરછ કરી હતી.
દાઉદના નજીકના મિત્રો પાસેથી જમીન ખરીદી?
નવેમ્બર 2021માં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિક વિશે ખુલાસો કર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે નવાબ મલિકે દાઉદના નજીકના મિત્રો પાસેથી મુંબઈમાં જમીન ખરીદી હતી. તેમાંથી એક વ્યક્તિ મુંબઈ વિસ્ફોટમાં સામેલ હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે નવાબ મલિકના શાહ વલી ખાનના નજીકના મિત્ર સલીમ પટેલ અને બ્લાસ્ટમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા હસીના પારકર સાથે વ્યવસાયિક રીતે સંબંધો હતા.
ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે સલીમ પટેલની પાવર ઓફ એટર્ની માલિકીની કુર્લામાં ત્રણ એકર જમીન નવાબ મલિકની માલિકીની સોલિડસ નામની કંપનીને વેચવામાં આવી હતી. આ કંપની શાહ વલી ખાન દ્વારા ખરીદવામાં આવી હતી. તેમણે કહ્યું કે 2003માં જ્યારે જમીનનો સોદો થયો ત્યારે પણ નવાબ મલિક મંત્રી હતા. તેણે 2019માં કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે નવાબ મલિક અને તેના સંબંધીઓની આવી કુલ 5 મિલકતો જપ્ત કરવામાં આવી છે, જેમાંથી 4 અંડરવર્લ્ડ સાથે સંબંધિત છે.
મની લોન્ડરિંગ સાથે પણ તાર જોડાયેલા છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે મહારાષ્ટ્રની થાણે જેલમાંથી માફિયા ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી. EDએ દાઉદ અને તેના સહયોગીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ જ કેસમાં ઈકબાલ કાસકરની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર ઈકબાલ કાસકરે નવાબ મલિકનું નામ પણ લીધું હતું, જે બાદ ઈડીની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. અગાઉ, ઇડીએ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે ઇકબાલ કાસકર તેના ભાઇ દાઉદ ઇબ્રાહિમની વૈશ્વિક આતંકવાદી તરીકેની છબીનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓ અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.
નવાબ મલિકનો એનસીબી અધિકારી પર આરોપ
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક દ્વારા એનસીબી અધિકારી સમીર વાનખેડે પર સતત આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસની શરુઆતથી જ નવાબ મલિકે સમીર વાનખેડેના અંગત જીવન પર હુમલા કર્યા હતા અને તેમની સાથે સંકળાયેલા કેટલાક મહત્વના દસ્તાવેજોને સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધા હતા. એનસીબીના અધિકારીઓએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પાસે આટલા જ પૂરાવા હોય તો તેઓ કોર્ટમાં કેમ નથી જતાં?
નવાબ મલિકે એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યા હતો કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો કેસ અપહરણ અને ખંડણીનો કેસ છે અને એનસીબી અધિકારી સમીર વાનખેડે આ કાવતરાનો ભાગ છે. મંત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે છે કે, ક્રૂઝ પાર્ટી માટે આર્યન ખાને કોઇ ટિકિટ ખરીદી નહોતી. પ્રતીક ગાબા અને આમિર ફર્નીચરવાલાએ આર્યન ખાનને પાર્ટીમાં બોલાવ્યો હતો. નવાબ મલિકના આરોપ સામે એનસીબી અધિકારીઓનું કહેવુ છે કે, જે ડિસુઝા અને વીવી સિંહ વચ્ચે ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો નવાબ મલિકે જાહેર કર્યો છે એમાં કંઇ ખોટુ નથી. અધિકારીઓ ડિસુઝાને વારંવાર ફોન ના બદલવાની ચેતવણી આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સમીર વાનખેડે અને ડિસુઝા વચ્ચે કોઇ સંપર્ક નહોતો. ડિસુઝાએ જ ક્રૂઝ પર રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી આપી હતી, જે પછી એનસીબીએ દરોડા પાડ્યા હતા. આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.