અંકલેશ્વર : અહિંસાના પૂજારી ગાંધીના ગુજરાતમાં હથિયારોનો ઉપયોગ સામાન્ય બનવા લાગ્યો છે. ખાસ કરીને લગ્નપ્રસંગો કે બર્થ ડે પાર્ટીમાં હવે બેધડક યુવાનો તલવાર ઉછાળતા અને હવામાં ફાયરીંગ કરતા જોવા મળે છે. લોકડાયરામાં પણ પહેલાં નોટોનો વરસાદ થતો હતો હવે ગોળીબાર થઈ રહ્યા છે. અંકલેશ્વરમાં (Ankleshwar) આવી જ એક ઘટના બની ગઈ.
- અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા ઋષિકુલ ગૌધામ ખાતે ધર્મ સંમેલનનું આયોજન કરાયું હતું
- ધર્મ સંમેલનમાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ પ્રવચન આપ્યા બાદ ડાયરો શરૂ થયો હતો
- એકાએક ફાયરીંગના પગલે ગાયક કીર્તિદાન ગઢવી ચોંકી ગયા હતા, પોલીસે તપાસ શરૂ કરી
અહીંના કાપોદ્રા ગામ પાસે આવેલા ઋષિકુલ ગૌધામમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલનનું (Dharma samelan) આયોજન કરાયું હતું, જે અંતર્ગત કીર્તિદાન ગઢવીનો (Kirtidan Gadhvi) લોકડાયરો રાખવામાં આવ્યો હતો. આ લોકડાયરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CRpatil) પણ હાજરી આપી હતી. પાટીલ રવાના થયા ત્યાર બાદ અહીં કીર્તિદાન પર નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ એક યુવકે હવામાં ફાયરીંગ (Firing) કર્યું હતું. આ યુવકનું નામ વિક્રમ ભરવાડ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર ધર્મ સંમેલનમાં વડતાલ ધામ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ એક પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી, ઋષિ અગ્રવાલ, દિલીપ પટેલ અને જિજ્ઞેશ બારોટે ભજનોની રમઝટ બોલાવી હતી. કીર્તિદાન ભજન ગાઈ રહ્યાં હતાં ત્યારે જ એક યુવકે એકબાદ એક ત્રણ રાઉન્ડ ફાયરીંગ હવામાં કર્યું હતું, જેના પગલે ગાયક કીર્તિદાન ગઢવી પણ ચોંકી ગયા હતા. ફાયરીંગની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી હોવાની વિગતો સાંપડી છે.
સી.આર. પાટીલની રક્તતુલા કરાઈ હતી
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને ઋષિકુલ ગૌધામ દ્વારા ધર્મ સંમેલન અંકલેશ્વર ખાતે રાખવામાં આવ્યું હતું. ગૌધામ ખાતે આયોજિત ધર્મ સંમેલનમાં શાકોત્સવ અને રક્તતુલા નો પ્રોગ્રામ હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રક્તતુલા કરાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં ફાયરીંગની ઘટના બની તે પહેલાં પ્રદેશ અધ્યક્ષ જતા રહ્યાં હતાં.