કંઠમાં વિષ :
શિવજીએ પોતાના કંઠમાં વિષ ધારણ કરી રાખ્યું છે તેથી તેમના કંઠનો વર્ણ નીલ છે. આમ હોવાથી તેઓ નીલકંઠ કહેવાય છે. દેવો અને અસુરોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું. સમુદ્રમંથનને પરિણામે ચૌદ રત્નો મળ્યાં, અમૃત પણ મળ્યું પરંતુ સાથેસાથે વિષ પણ નીકળ્યું. આ વિષ ધારણ કરે કોણ? શિવજીએ વિષને કંઠમાં ધારણ કરી રાખ્યું છે. આધ્યાત્મિક સાધના અમૃતની પ્રાપ્તિની સાધના છે. અમૃત અર્થાત્ કાલાતીત બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ માટે જે સાધના કરવામાં આવે છે તે એક સ્વરૂપે મંથન છે. જેમ ઘી મંથનથી માખણ મળે છે તેમ અધ્યાત્મમંથનથી બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. આ અધ્યાત્મમંથનને જ કથાની ભાષામાં સમુદ્રમંથન કહેવામાં આવે છે. સમુદ્રમંથનથી અમૃત તો મળ્યું પણ સાથેસાથે વિષ પણ મળ્યું. અધ્યાત્મપથ પર આકરી વિટંબણાઓ પણ આવે છે.
આ આકરી વિટંબણા તે જ વિષ છે અને તે વિષને પચાવી જવું પડે છે. આ વિષ પચાવે કોણ? સર્વવ્યાપી શિવતત્ત્વ જ આ વિષને પચાવી શકે છે. આ એક આધ્યાત્મિક સત્ય છે,અધ્યાત્મપથનું રહસ્ય છે. આ અધ્યાત્મરહસ્યને જ કથાની ભાષામાં શિવનું વિષપાન અને વિષધારણ કહેલ છે. શિવજી વિષને ગળાની નીચે ઉતારતા નથી, પેટમાં લેતા નથી અને બહાર પણ ફેંકી દેતા નથી. વિષને જીવનમાં સ્થાન આપવાનું નથી અને વિષ બીજાને આપવાનું પણ નથી તેમ સૂચવવા માટે તેને કંઠમાં ધારણ કરી રાખેલ છે તેમ ગણેલ છે. બીજી રીતે જોઈએ તો સમુદ્રમંથનની ઘટના એટલે સૃષ્ટિસર્જનની પ્રક્રિયા. સર્જનની પ્રક્રિયામાં અમૃત અને વિષ બંને ઉત્પન્ન થાય છે. વિષને કોણ ધારણ કરી શકે ? જે કાલાતીત છે, જે સર્જનથી અતીત તત્ત્વ છે તે. આ પરમ તત્ત્વ તે જ શિવ છે અને સર્જનની પ્રક્રિયાના વિષને પણ તે શિવતત્ત્વ જ ધારણ કરી રાખે છે. આ સત્યને સૂચિત કરવા માટે શિવના કંઠમાં વિષધારણની ઘટના છે.
ત્રિશૂલ :
ત્રિશૂલ ઓમકારનું પ્રતીક છે. ત્રિશૂલના આકાર દ્વારા ઓમકાર સૂચિત થાય છે. શિવના હાથમાં ત્રિશૂલ છે. ત્રિશૂલ શિવનું હથિયાર છે અને ઓમકાર શિવતત્ત્વને પામવાનું સાધન છે. ઓમકારની ઉપાસના દ્વારા સાધક શિવતત્ત્વ – બ્રહ્મતત્ત્વને પામી શકે છે તેમ સૂચવવા માટે ત્રિશૂલરૂપી ઓમકારને શિવનું હથિયાર ગણેલ છે.
ડમરુ :
શિવના એક હાથમાં ત્રિશૂલ છે અને શિવના બીજા હાથમાં ડમરુ છે. ડમરુ નાદનું પ્રતીક છે. નાદાનુસંધાન ભારતીય અધ્યાત્મ પરંપરાનું એક મહત્ત્વપૂર્ણ અધ્યાત્મ સાધન છે. નાદ પરમાત્માની એક અભિવ્યક્તિ છે અને નાદ દ્વારા નાદાતીત સુધી પહોંચી શકાય છે. શિવને >>>>>>>>>>>’નાદબિંદુકલાત્મન’ કહેલ છે. નાદ દ્વારા બિંદુમાં, બિંદુ દ્વારા કલામાં અને કલા દ્વારા સર્વ કલાઓના અધિપતિ શિવને પમાય છે. આ નાદતત્ત્વને સૂચવવા માટે શિવના એક હાથમાં ડમરુ મૂકેલ છે
વ્યાઘ્રાંબર :
શિવ વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. વાઘ શક્તિ અને ક્રિયાનું પ્રતીક છે. શિવ શક્તિમાન છે, સર્વ શક્તિના નિધિ અને આદિસ્રોત છે,પરંતુ શિવમાં આ શક્તિ સક્રિય નથી, અક્રિય છે. વાઘ પોતે સક્રિય શક્તિનું પ્રતીક છે પરંતુ વ્યાઘ્રચર્મ અક્રિય શક્તિનું પ્રતીક છે કારણ કે વ્યાઘ્રચર્મ તો મૃત વ્યાઘ્રનું માત્ર ચર્મ છે. તે જીવંત અર્થાત્ સક્રિય વાઘ નથી. શિવ શક્તિમાન હોવા છતાં ક્રિયાશીલ નથી તેમ સૂચવવા માટે તેમના વસ્ત્રરૂપે વ્યાઘ્રચર્મ મૂકવામાં આવેલ છે.
શક્તિના આધારરૂપે શિવ :
પ્રાચીન પરંપરાનાં કાલીમંદિરોમાં મૂર્તિની રચના વિશિષ્ટ સ્વરૂપની હોય છે. શિવજીની મૂર્તિ શયનાવસ્થામાં હોય છે. શિવજીની છાતી પર પગ મૂકીને મહાકાલી ઊભાં હોય છે. મૂર્તિની આ પ્રકારની અવસ્થા દ્વારા એક રહસ્ય સૂચિત થાય છે. સમગ્ર અસ્તિત્વ શિવ અને શક્તિની રચના છે. શિવ અક્રિય અને આધારરૂપ તત્ત્વ છે. મહાકાલી શક્તિસ્વરૂપિણી છે. મહાકાલી શિવની જ શક્તિ છે. મહાકાલી સક્રિય શક્તિ છે. મહાકાલી અર્થાત્ શક્તિને શિવનો આધાર છે. શિવ અને શક્તિ વચ્ચે આધાર-આધેય-સંબંધ છે. શિવ થકી શક્તિનું અસ્તિત્વ છે અને શક્તિ દ્વારા શિવ ક્રિયાશીલ બને છે. શિવ પોતાના મૂળ સ્વરૂપે શવવત્ અને અક્રિયાવસ્થામાં અવસ્થિત છે અને શક્તિ તેના આધારે રહીને આ સમગ્ર અસ્તિત્વને રચી રહ્યાં છે. શિવ અને શક્તિના આ વિશિષ્ટ સંબંધને સૂચિત કરવા માટે શયનાવસ્થામાં રહેલા શિવની છાતી પર મહાકાલી ઊભાં હોય તેવી મૂર્તિ બની છે.
ચિતાભસ્મનું લેપન :
શિવ શાશ્વત તત્ત્વ છે. શિવના આધાર પર બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને પ્રલયાવસ્થામાં તેમાં જ વિલીન થાય છે. પ્રલયકાળે બ્રહ્માંડનું વિસર્જન થાય છે. ત્યારે તેનો અવશેષ અર્થાત્ તેની ભસ્મ શિવ પોતાના અંગ પર ધારણ કરે છે. ભસ્મ વિસર્જનનું પ્રતીક છે. બ્રહ્માંડ અગણિત વાર ઉત્પન્ન થાય છે અને અગણિત વાર વિસર્જિત થાય છે પરંતુ શિવતત્ત્વ અચલ છે. આ બ્રહ્માંડવિસર્જનની ભસ્મ શિવના અંગ પર રહે છે. સર્જન-વિસર્જનની આ ઘટના અગણિત વાર બને છે અને શિવ પોતે આદિ અને અંતથી રહિત છે તેમ સૂચવવા માટે શિવ અંગ પર ભસ્મનું લેપન શોભે છે. અહીં ભસ્મ બ્રહ્માંડવિસર્જનના પ્રતીક સ્વરૂપે છે પ્રસંગોવશાત્ એ પણ નોંધીએ કે મહાકાલીના ગળામાં ખોપરીની માળા દ્વારા પણ આ જ સત્ય સૂચિત થાય છે. બ્રહ્માંડવિસર્જન વખતે તે બ્રહ્માંડના નાશના અવશેષરૂપે મહાકાલી એક ખોપરી પોતાના ગળામાં ધારણ કરે છે. બ્રહ્માંડવિસર્જન અગણિત વાર થાય છે તેથી મહાકાલીના ગળામાં અનેક ખોપરીની માળા શોભે છે. ખોપરી વિનાશ-વિસર્જનના અવશેષનું પ્રતીક છે.મહાકાલીના ગળામાં રહેલી એક-એક ખોપરી એક-એક બ્રહ્માંડના વિસર્જનનો અવશેષ છે-વિસર્જનનું પ્રતીક છે. બ્રહ્માંડનાં સર્જન અને વિસર્જનની પ્રક્રિયા અનંતકાળથી ચાલ્યા જ કરે છે અને અનંત કાળ સુધી ચાલ્યા જ કરશે પરંતુ આ સર્જન-વિસર્જન વચ્ચે શિવ શક્તિ અનાદિ, અનંત અને અચલ છે. ભસ્મ અને ખોપરીને શિવ અને શક્તિ આભૂષણરૂપે ધારણ કરે છે અર્થાત્ શિવ અને શક્તિ સર્જન-વિસર્જનથી પર છે. આ સત્યને પ્રતીકાત્મક રૂપે સૂચિત કરવા માટે શિવ-અંગ પર ભસ્મ અને મહાકાલીના અંગ પર ખોપરીની માળા છે.