નવી દિલ્હી: NSEની ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામાકૃષ્ણાનો (Chitra Ramakrishna) એક ઈ-મેઈલ (E-mail) લીક (Leak) થયો છે. આ ઈ-મેઈલમાં ચિત્રા રામાકૃષ્ણાને કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ઈ-મેઈલ યોગી દ્વારા મોકલાયો હોવાનું કહેવાય છે. આ ઈ-મેઈલમાં રોમેન્ટીક લખાણ છે. મેઈલ મોકલનાર યોગી દ્વારા ચિત્રાને સેશલ્સની રોમેન્ટીક ટૂર પર લઈ જવાની વાત કરવામાં આવી છે. મેઈલ વાંચી સેબી અને ઈન્કમટેક્સના અધિકારીઓ ચોંકી ગયા છે. હાલમાં ચિત્રા રામાકૃષ્ણાના ઘરે ઈન્કમટેક્સની તપાસ ચાલી રહી છે.
શું છે ઈ-મેઈલમાં?
17 ફેબ્રુઆરી 2015ના રોજ એક વ્યક્તિ દ્વારા NSEના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણાને એક ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો. આ મેઈલ એક યોગી દ્વારા મોકલાયો હોવાનું કહેવાય છે. તેમાં લખ્યું હતું કે, પ્લીઝ બેગ તૈયાર રાખજો. હું આવતા મહિને સેશેલ્સની ટૂર ગોઠવી રહ્યો છું. તમને સાથે લઈ જવાનો પ્રયત્ન કરીશ. તમે બે બાળકો સાથે ન્યૂઝીલેન્ડ જતા રહો તે પહેલાં. જો તમને સ્વિમિંગ આવડતું હોય તો આપણે સેશેલ્સમાં સી બાથ એન્જોય કરી શકીશું અને દરિયા કિનારે આરામ પણ કરી શકીશું.
આ ઈ-મેઈલમાં રોમેન્ટીક લખાણ
ઈ-મેઈલમાં વધુમાં લખ્યું હતું કે, હું મારા ટૂર ઓપરેટરને કહું છું કે તે આપણી બધી ટિકીટ માટે કંચનનો કોન્ટેક્ટ કરે. સેબીના રિપોર્ટ અનુસાર આનંદ સુબ્રમણ્યમને કંચન તરીકે સંબોધન કરાયું છે. 18 ફેબ્રુઆરી 2015ના રોજ અજાણી વ્યક્તિ દ્વારા ચિત્રાને ઈ-મેઈલ કરાયા છે. તેમાં તે વ્યક્તિએ ચિત્રાને લખ્યું હતું કે, તમે બહુ સરસ લાગો છો. તમારા વાળને બાંધવાની અલગ અલગ રીત તમારે શીખવી જોઈએ, જે તમને આકર્ષકબનાવે. બસ એક મફતની સલાહ આપું છું, મને ખબર છે તમે તરત માની જશો. માર્ચ મહિનામાં થોડા ફ્રી રહેજો.
સેબીના 190 પેજના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ
સેબી દ્વારા 190 પેજનો રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં NSEની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવાય છે. આ રિપોર્ટ બાદ ચિત્રાની મુશ્કેલી વધી છે. જોકે, હજુ સુધી આ રહસ્યમયી યોગી કોણ છે તે વિશે કોઈ માહિતી બહાર આવી નથી. અનેક અટકળો લગાવાઈ રહી છે.
2016 સુધી ચિત્રા NSEની હતી, 20 વર્ષ પહેલાં યોગીને મળી હતી
સેબીની તપાસમાં એ વિગતો બહાર આવી છે કે ચિત્રા 20 વર્ષ પહેલાં ગંગા કિનારે યોગીને મળી હતી. ચિત્રાએ પૂછપરછમાં સેબીને કહ્યું હતું કે, તે યોગીની અંગત અને વ્યવસાયિક મદદ લે છે. ઈ-મેઈલ મારફતે એકબીજાના સંપર્કમાં રહે છે. તમને જણાવી દઈએ કે ચિત્રા NSEમાં એપ્રિલ 2013થી 2016 સુધી એમડી હતી.
તે ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સેલેરી મેળવનાર બીજી અધિકારી હતી. 2013માં ફોર્ચ્યુન 50ની યાદીમાં ટોપ પાવરફુલ મહિલાઓમાં ચિત્રા સામેલ હતી. મહિને તેને 18 કરોડ રૂપિયા સેલેરી મળતી હતી. ચિત્રા પર આરોપ છે કે તે એક બાબાને એક્સચેન્જની ગુપ્ત માહિતી આપતી હતી. ચિત્રાના ઘરે ગુરુવારે ઈન્કમટેક્સની રેઈડ પડી હતી. NSEના અધિકારીઓની નાણા મંત્રાલયમાં થયેલી એક બેઠક પછી ચિત્રાના ઘરે દરોડા પડ્યા હતા. કો-લોકેશન મામલામાં સેબીએ 2019માં NSE પર 625 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.