વડોદરા : વડોદરા શહેરના વડસર સુશેન રોડ ઉપર અજય નગર પાસે આવેલ વર્ષો જુના ભાથીજી મહારાજના મંદિરમાં મુકેલ ખોડીયાર માતા અને કાળકા માતાજી ના ફોટો સહિત ગણપતિજીની નાની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.આ મામલે માંજલપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. વધુ એક વખત વડોદરા શહેરની શાંતિને ડહોળવા માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થવા માંડયા છે.શનિવારે મોડી રાત્રી દરમિયાન શહેરના વડસર સુસેન રોડ ઉપર આવેલ અજય નગર રવિ સિલેક્શન પાસે વર્ષો જુના ભાથીજી મહારાજના મંદિર માં મુકેલા ભાથુજી મહારાજ, ખોડીયાર માતા અને કાળકા માતાજીના ફોટો સહિત ગણપતિની નાની મૂર્તિને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.
સવારે આ ઘટનાની જાણ થતાં જ મંદિરના પુજારી દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા માંજલપુર પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બનાવની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ માંજલપુરના અધ્યક્ષ ધર્મેશ શર્મા કાર્યકર્તાઓ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આ મંદિરમાં ભગવાનના ફોટા તોડી નાખ્યા છે તેમજ ગણપતિજીની નાની પ્રતિમા પણ તોડી નાખી છે.આ અંગે માંજલપુર પોલીસ મથકમાં મંદિરના પુજારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માંજલપુર દ્વારા હનુમાન ચાલીસા અને જયશ્રી રામના નારા સાથે તમામ દેવી દેવતાના ફોટાનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, વિસ્તારના નાગરિકો, કાઉન્સિલર, અલ્પેશભાઈ લીમ્બાચીયા, કેતનભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી.