વડોદરા : રાજ્ય સરકારે કોરોનાના કેસો ઓછા થતા રાજ્યભરની તમામ શાળા કોલેજોમાં 100 ટકા હાજરી સાથે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરતા આજથી શહેર જિલ્લાની તમામ શાળાઓમાં ઓફ લાઈન મોડમાં શરૂ કરાશે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ આજથી શાળાઓ શરૂ કરવામાટેની તૈયારીઓ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે. સાથે બાળકો માટે સ્કૂલ બેગ અને ગણવેશ ખરીદવા માટે દોડધામ કરવી પડી હતી .ઉપરાંત બાળકોને શાળાએ મોકલવા માટે સ્કૂલ વાન તેમજ રીક્ષા ચાલકોની વ્યવસ્થા કરવી પડી હતી. શાળાના પરિસર સહિત તમામ ઓરડાઓ સાફ સફાઈ કરીને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.
ઉપરાંત કેટલીક શાળાઓ દ્વારા વિધાર્થીઓના સ્વાગત કરવા માટે પણ આયોજન કરાયું છે જેમાં કુમકુમ તિલક કરી ફૂલ આપીને વિધાર્થીઓને સત્કારવામાં આવશે તેમજ ક્લાસરૂમને પણ બલૂનથી સજાવવામાં આવશે. અંદાજીત 50,000 જેટલા બાળકો આજથી પ્રત્યક્ષ શિક્ષણની રાબેતા મુજબ પૂર્વ વત શરૂઆત કરશે. બીજી તરફ શાળાઓ શરૂ થતાં વાલીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લગભગ 23 મહિના સુધી શાળાઓ બંધ રહેતા બાળકો ના યુનિ ફોર્મ લેવામાટે દોડધામ કરવી પડી હતી. માત્ર 40 દિવસ માટે સ્કૂલ બેગ બુટ મોજા સહિત ગણવેશ લેવાનું થતાં તેમનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો છે. કારણકે બાળકોના શારીરિક બંધારણ માં ફેરફાર થતા જુના યુનિફોર્મ પહેરી શકતા ન હોઈ ફરજિયાત નવા યુનિફોર્મ લેવાનો વારો આવ્યો હતો. જોકે શાળા સંચાલકોએ ગણવેશની વ્યવસ્થા માટે એક સપ્તાહનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે.
મોબાઈલ સામે બેસીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ રમત-ગમત માટે મેદાનમાં દેખાશે
આવતા વિધાર્થીઓને માસ્ક પહેરીને તેમજ વધારાનું માસ્ક સાથે રાખવા તેમજ પોતાની પાણીની બોટલ લાવવા જણાવાયું છે. ઉપરાંત જો કોઈ વિધાર્થી માસ્ક ભૂલી જાય તો અમે એક વાર વાપરી શકાય તેવા માસ્કની વ્યવસ્થા પણ કરી રાખી છે. કોરોના મહામારીને કારણે 23 મહિનાથી બંધ રહેલી શાળા રાબેતા મુજબ શરૂ થશે. સમૂહ પ્રાર્થના ગાન. બે પીરીયડ વચ્ચે બેલનો અવાજ, રિસેસમાં બાળકોનો કોલાહલ, સહિત શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃતિઓ પણ શરૂ થશે. શાળાના વિદ્યાર્થીઓ તેમના મિત્રો સાથે રિસેસમાં મોજ મસ્તી કરશે. ઉપરાંત વિધાર્થીઓની ઓન લાઈન શિક્ષણ ને કારણે લેખનકાર્ય ન કરી શકનારા વિધાર્થીઓ માટે લેખન કાર્ય વર્ગમાં શિક્ષકને પ્રત્યક્ષ રીતે મુશ્કેલીઓ પૂછીને નિરાકરણ કરશે. – નીતાબેન જાની, સંચાલક, શ્રેયસ વિદ્યાલય માંજલપુર
થોડા દિવસો માટે જ વાલીઓ પર બોજો નંખાયો
રાજ્ય સરકાર દ્વારા જે રીતે શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે ઘણો સારો નિર્ણય છે પરંતુ ફક્ત 40 દિવસ માટે બાળકોને સ્કૂલમાં ફરજિયાત બોલાવવા જેના કારણે બાળકોનો યુનિફોર્મ શુઝ ખરીદવા પડશે જ્યારે ચાર મહિના બાદ નવા શૈક્ષણિક સત્રમાં ફરીથી નવા યુનિફોર્મ લેવા પડશે. જે વર્તમાન પરિસ્થિતિમાં આર્થિક બોજો છે. ઉપરાંત શાળામાં મોકલવા વાહનની વ્યવસ્થા કરવામાં પણ ઘણી તકલીફ પડશે. – અંજલિ મોહિતે, વાલી