ષ્મા વેકરિયા, આખા સુરતની દીકરી છે અને આખા સુરતને જ નહીં પણ આ કેસને જાણનારા એકેએક જણને પોતાની આસપાસની દીકરીઓની ચિંતા હવે રૂંવાડું ફરકાવી દેનારી સાબિત થશે. ક્યારેય પણ કંઇ પણ થઇ શકે છે. ફેનિલ ગોયાણી, જેણે ગ્રિષ્માનું ગળું કાપીને હત્યા કરી તેને આસપાસ ઊભેલા લોકો, વીડિયો શૂટ કરી રહેલા માણસો, ગ્રિષ્માના સગાંઓની બૂમાબૂમ કશાથી કોઇ ફેર ન પડ્યો. એ જે નક્કી કરીને આવ્યો હતો તે જ તેણે કર્યું. આ લખાઇ રહ્યું છે ત્યારે ફેનિલના તેના દોસ્ત સાથેના કૉલ્સ વાઇરલ થઇ રહ્યા છે. આ ઘટના એટલી બધી આઘાતજનક છે કે તેને વિશે વિસ્તારથી લખવું પણ વિચલિત કરી દે તેવું છે. આ ઘટનાના સતત સમાચાર આવી રહ્યા છે, કોઇ ને કોઇ તપાસ થઇ રહી છે. એક સમાજ તરીકે આપણને સવાલ એ થવો જોઇએ કે આ ઘટના શા માટે? પ્રેમનું આ ઝનૂન કોઇ કાળે ગળે ઊતરે તેમ નથી.
ફિલ્મો, ઇન્ટરનેટ, વધુ પડતી માહિતી, ઉછેર જેવી બાબતો પર ચર્ચાઓ થઇ રહી છે અને થશે. વળી આવો કિસ્સો પહેલી વાર થયો છે એમ પણ નથી અને આવા કિસ્સાઓ આજથી ૩૦ વર્ષ પહેલાં નહોતા થતા તેવું પણ નથી. ઝનૂન, પ્રેમ અને ગુનો આ ત્રિરાશિ જોખમી છે અને એમાં કશું પણ અજુગતું કે નવું નથી. આખરે આવું શા માટે? માણસ જાતની સંવેદનાઓ સમયાંતરે, દાયકાઓ સાથે બદલાય – પણ એ બદલાવમાં તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થાય બાકી પ્રેમમાં પડેલો માણસ હોય કે ગુસ્સે ભરાયેલો માણસ હોય કે પછી દુઃખી માણસ હોય તે આજથી અમુક દાયકા પહેલાં જેવો હતો તેવો જ હોય છે માત્ર તેની લાગણીની તીવ્રતામાં ફરક આવ્યો હોય છે. આ તીવ્રતા બદલાવા પાછળનાં કારણોની વાત કરીએ તે પહેલાં કેટલાક આંકડા અને તાજેતરની અમુક બીજી ઘટનાઓ પર નજર નાખીએ.
સમય અને સ્થળના આયામોને પાર નજર કરીએ તો ઘણાં ઘાતકી ગુનાનું મૂળ હોય છે પ્રેમ. પ્રેમ સંબંધો જેમાં લગ્ન, સજાતીય સંબંધો અને લગ્નેતર સંબંધો સહિતના તમામનો સમાવેશ કરીએ તો આખા દેશમાં થતી હત્યાઓમાંથી ૧૦ ટકા હત્યાઓ પ્રેમને ખાતર થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોનો ક્રાઇમ ઇન ઇન્ડિયા વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર ભારતમાં થયેલી ૨૯,૧૯૩ મર્ડર્સમાંથી ૩૦૩૧ હત્યાઓનું કારણ પ્રેમ પ્રકરણ હતું. દાયકા પહેલા આ પ્રમાણ સાત કે આઠ ટકાએ હતું જે હવે દસથી અગિયાર ટકાએ પહોંચ્યું છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતમાં આ પ્રકારના કેસિઝ વધુ જોવા મળે છે. જાતિભેદ, સંકુચિત માનસિકતા વગેરે પણ આવા ગુનાઓમાં મોટો ફાળો ભજવે છે. પરંતુ સુરતમાં જે થયું તેમાં પ્રેમની ઘેલછા જે અંતે ઝનુનમાં ફેરવાઇ તે બહુ મોટું કામ કરી ગઇ.
ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ પ્રશાંત ભીમાણી સાથે જ્યારે આ કિસ્સાની ચર્ચા કરી ત્યારે તેમણે કહ્યું, “જે છોકરાએ આ ગુનો આચર્યો તેના મામલે મા-બાપ પણ ક્યાંક કદાચ કાચાં પડ્યાં. હોઇ શકે કે તે બાળક તરીકે બહુ જ જીદ્દી હોય. તેનો જીદ્દી સ્વભાવ આગળ જતા ઉગ્રતા-આક્રમકતામાં ફેરવાયો હોય. આપણે વેબસિરીઝ અને ફિલ્મોમાં હવે જે રીતે ક્રાઇમ બતાડાય છે તેની વાત કરીએ તો એ સ્વીકારવું રહ્યું કે જે એક સમયે કોઇ એક ખૂણે ઘટતું હતું અથવા અમુક સમાજમાં અમુક સ્તરે જ પ્રવર્તમાન હતું તે હવે વેબ સીરિઝ વગેરેને કારણે એક બહોળા વર્ગ સુધી પહોંચી રહ્યું છે. આવા હિંસક કન્ટેન્ટનું જનરલાઇઝેશન મોટા સ્તરે થાય છે અને આ બધી બાબતોની અસર માનસિકતા પર એક યા બીજી રીતે પડતી જ હોય છે. ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં પેરન્ટિંગમાં પણ બદલાવ લાવવો પડશે અને મેકર્સ જાણે કે તેઓ જે દર્શાવે છે તે સમાજનો આયનો જ છે પણ શું ખરેખર ગુનાને મામલે આવા આયના બતાડવાની જરૂર છે ખરી? પ્રેમમાં નિષ્ફળતા તો એક વાત છે પણ નિષ્ફળતા – એક સામાન્ય પરિણામ તરીકે કેવી રીતે સ્વીકારવી તે પણ શીખવવું જરૂરી છે. ફેલ્યોર મેનેજમેન્ટ એક અગત્યનું પાસું છે. હિંસા એક અજીબ પ્રકારનું એક્સાઇટમેન્ટ આપે છે, આ ઉગ્રતાને કાબૂમાં રાખવા માટે ધ્યાન અને વ્યાયામ સૌથી સારી પેઠે કામ કરી શકે છે.”
મુંબઇના પ્રતિષ્ઠિત મનોચિકિત્સક ડૉ. હરીશ શેટ્ટી પ્રેમના ભ્રમની વાત પર ભાર મૂકે છે. તેઓ કહે છે, “હું તેને પ્રેમ કરું છું એટલે એ પણ મને પ્રેમ કરે છે નો ભ્રમ કેટલો જોખમી હોઇ શકે છે તેનો પુરાવો છે સુરતની ઘટના. જાહેરમાં હત્યા કરવાની જે વાત છે તેમાં આ કૃત્ય કરનારાને માટે એ મોમેન્ટ ઑફ ગ્લોરી – વાહવાહીની ક્ષણ બની જાય છે. આવું કરનાર વ્યક્તિ દુનિયા સામે જાણે જાહેરાત કરી રહી છે કે તે આમ કરીને ગૌરવ મેળવે છે, હો હા કરીને, હંગામો કરીને તે સામી વ્યક્તિને પોતાનો પ્રેમ ન સ્વીકારવા બદલ ગુનાઇત લાગણી અનુભવવા પર જાણે મજબૂર કરે છે. તે દુનિયા સામે જાહેર કરે છે કે, જુઓ મને પ્રેમમાં નાસીપાસ કરવામાં આવ્યો અને હવે હું હતાશ છું એટલે હું આમ કરીશ. માલિકીભાવ ધરાવતો પ્રેમ, વળગાડ સમો પ્રેમ જોખમી જ હોય છે. કોઇ સાથી વાતવાતમાં તમારો પાસવર્ડ માંગી લે, તમારી બધી હિલચાલ પર નજર રાખે તો આવી રિલેશનશીપથી ચેતવું જરૂરી છે.”
ડૉ.શેટ્ટીએ એંસીના દાયકામાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક ધોબીએ બૅંકમાં કામ કરતી એક મહિલાને ધોળે દિવસે જીવતી સળગાવી દીધી હતી કારણ કે તેણે તેના પ્રેમનો સ્વીકાર ન કર્યો. આ સાબિતી છે કે આ પહેલી વાર થયેલી બાબત નથી. વળી આજે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં લોકોમાં બાય સ્ટેન્ડર સિન્ડ્રોમ વધ્યું છે, ઘટના ઘટી રહી છે તો કોઇ તેમાં ધસી જઇ રોકવાની કોશિશ નથી કરતા બલકે ફોન કેમેરાથી શૂટ કરવાનું શરૂ કરી દે છે. ડૉ. શેટ્ટીએ કહ્યું કે મુંબઈમાં પહેલી વાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે લોકો અલગ અલગ વિસ્તારોના ફોટા લઇ પોતાની પાસે વધારે અરેરાટી ઉપજાવે તેવા ફોટોગ્રાફ્સ છે તેવી બડાશ હાંકતા. લોકોમાં સહાનુભૂતિ ઘટી છે, જિંદગીની ગતિ વધી છે. સાદું વિજ્ઞાન છે કે ગતિ વધે એટલે ગરમી વધે અને તેનું જ પરિણામ આપણે સમાજમાં જોઇ રહ્યા છીએ.
બાય ધ વેઃ
આજે બધાને સતત એક્સાઇટમેન્ટ જોઇએ છે, ‘લિવિંગ ઓન ધી એજ’ પ્રકારની માનસિકતા કાં તો લોકો પાસે ખોટાં કામ કરાવે છે અથવા તો આવી ઘટનાઓના મૂક સાક્ષી બનાવે છે. ઉત્તેજના અને આવેશ ક્યારે આક્રમકતામાં ફેરવાઇ જાય છે તે સમજાતું નથી. સ્પેનમાં થતી બુલફાઇટ હોય કે કોઇનું મૉબ લિન્ચિંગ હોય કે પછી શેરીના કૂતરા સાથે થતી ક્રૂરતા હોય લોકોને ગતિશીલ બનેલી જિંદગીમાં એક્સાઇટમેન્ટને નામે કંઇ પણ ચાલે છે. વળી જેન્ડર સેન્સિટિવીટીના પાઠ શીખવવામાં આપણી વ્યવસ્થા હજી પાછળ છે, પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને પોતાની જાગીર સમજનારાઓનાં ટોળાં છે. જીવનમાં થોડો કંટાળો ક્યારેય હાનિકારક નથી હોતો, સ્ક્રીનનું વળગણ હોય કે ડ્રગ્ઝનું કે પછી પૂરપાટ વાહન ચલાવવાનું – જલદી એક્સાઇટમેન્ટ મેળવવાના ખેલમાં જિંદગી ખતમ થઇ જાય છે.