નવસારીમાં જન્મેલા દાદાભાઇ નવરોજી બહુમુખી પ્રતિભા ધરાવતા ઝોરોસ્ટ્રીયન પારસી હતા. પોતાની પારસી આઇડેન્ટીટીને જાળવી રાખીને એમણે તમામ કોમો, વર્ણો અને વર્ગોનાં સ્ત્રીપુરુષોની સેવા કરી હતી. તેઓ એક મોટા ગજાના ઓરીએન્ટાલિસ્ટ, રાજનીતિજ્ઞ, સમાજસુધારક, આર્થિક તત્ત્વચિંતક, કેળવણીકાર, વકતા, દેશભકત અને લેખક હતા. તેઓ ગાંધીજી પહેલાં સમગ્ર ભારત વર્ષના ટોચના નેતા હતા. જે સમયે હિંદ અત્યંત નિર્ધન હોવા ઉપરાંત સામાજિક રીતે પણ બેહદ પછાત હતું તે સમયે શાસક દેશ બ્રિટનનો સાથ-સહકાર મેળવીને રાજકીય અને આર્થિક સુધારાઓની સાથે આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની હિમાયત કરનાર દાદાભાઇ હતા. આજે ઘણાંને સાવરકર, શ્યામજી ક્રિષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, મેડમ ભીકાઇજી કામા અને ભગતસિંહ જેવાં સશસ્ત્ર ક્રાંતિમાં માનતા ક્રાંતિકારીઓ કે લોકમાન્ય તિલક જેવા ઉગ્ર જહાલવાદીઓની સરખામણીમાં દાદાભાઇ, ગોખલે અને ફિરોજશાહ મહેતા જેવા લીબરલ – મોડરેટ વિનીતો ‘ફીકકા’ લાગે પણ ઐતિહાસિક તથ્યો જોતાં એમ લાગે છે કે તેઓ રાજકીય અને આર્થિક સુધારકો હોવા ઉપરાંત સામાજિક પરિવર્તનનાં સૌથી મોટા પ્રવાહકો હતા. તેઓ સેકયુલર અને પ્રોગ્રેસીવ વિચારસરણીના, બહુસાંસ્કૃતિક મૂલ્યોના પ્રવાહક હતા. દાદાભાઇ હિંદના રાજકીય પરિવર્તનના સૌ પ્રથમ ‘કેટાલિસ્ટીક એજન્ટ’ હતા.
દાદાભાઇના પૂર્વજો નવસારી અને સુરતમાં મોબેદ અને વેપારીઓ હતા. આજે પણ દાદાભાઇના પૂર્વજોનું મકાન નવસારીમાં હયાત છે. બાળપણથી જ દાદાભાઇ કોસ્મોપોલીટન મુંબઇ નગરમાં ઉછર્યા હતા. ૧૮૫૨ થી ૧૮૫૪ દરમિયાન તેઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં મેથેમેટીકસ અને ફિલોસોફીના પ્રોફેસર હતા. તેઓ સુરતના લબરમુછીયાઓ મહીપતરામ રૂપરામ નીલકંઠ અને નર્મદના પ્રોફેસર હતા. તેમણે ૧૮૫૪ માં મુંબઇમાં ‘રાસ્ત ગોફતાર’ નામનું ગુજરાતી પાક્ષિક શરૂ કર્યું હતું જેમાં નર્મદ અને મહીપતરામ લેખો લખતા હતા. પાછળથી દાદાભાઇ લંડન યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા અને એમણે આ પદ ૧૮૫૬ થી ૧૮૬૬ સુધી શોભાવ્યું હતું. દાદાભાઇ દેશવિદેશમાં ગુજરાતની અસ્મિતાના પ્રતીક હતા. તેઓ બ્રિટનમાં ગુજરાતી અને ભારતીય ડાયસ્પોરાની જીવતીજાગતી દાસ્તાન હતા.
દાદાભાઇ અને બ્રિટન…
૧૮૫૫ માં દાદાભાઇ મુંબઇની કામા કંપનીનું સંચાલન કરવા ઇંગ્લેંડ ગયા પણ તેમણે વેપાર કરતાં કરતાં રાજકારણમાં પણ રસ લીધો. ઇંગ્લેંડ અને ભારતમાં વસતા હિંદીઓનાં રાજકીય અને સામાજિક અરમાનોને પોષવા તેમ જ તે અંગે બ્રિટિશ નાગરિકોને જાગૃત કરવાના આશયથી દાદાભાઇએ ૧૮૬૫ માં ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ અને ૧૮૬૭ માં ‘ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશન’ સ્થાપ્યું હતું. ગાંધીજી સહિત ઇંગ્લેંડમાં આવેલા ભારતીય વિદ્યાર્થીઓને દાદાભાઇ મદદ કરતા હતા. ગાંધીજીના શબ્દોમાં:
‘હિન્દના વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રાન્ત કે ધર્મના હોય પણ દાદાભાઇ એમને અમૂલ્ય માર્ગદર્શન આપતા હતા. મારી આફ્રિકાની લડત વખતે પણ દાદાભાઇની હું સલાહ લેતો હતો અને એક પ્રેમાળ પિતાની જેમ તેઓ મને મદદ કરતા હતા.’ આવાં કારણોસર જ દાદાભાઇ ૧૮૮૬, ૧૮૯૩ અને ૧૯૦૬ એમ ત્રણ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેની સાથે સાથે તેઓ શ્રમજીવી અને મધ્યમવર્ગથી ભરપૂર લંડનનાં ફીન્સવશ મતવિસ્તારમાંથી લીબરલ – ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ દૃષ્ટિએ દાદાભાઇ નવરોજી શાસક દેશ ઇંગ્લેંડમાં પરાધીન ભારતના ‘અનઓફિશ્યલ એમ્બેસેડર’ હતા! દાદાભાઇનો એક પગ ઇંગ્લેંડમાં અને બીજો પગ ભારતમાં હતો. તેઓ ‘વિરાટની પગલી’ સમાન લોકલાડીલા નેતા હતા. ગાંધીજીના શબ્દોમાં ‘હિન્દુસ્તાન અને બ્રિટનમાં સ્વરાજની માનસિક અને નૈતિક ભોંય કરનાર દાદાભાઇ નવરોજી છે. તેમનાં જેવાં નરરત્નોની આજે ભારત અને આફ્રિકામાં જરૂર છે.’
દાદાભાઇ માટે કહેવાયું છે કે તેઓ નખશિખ જ્ઞાનને વરેલા અજાતશત્રુ હતા. આ વાત સાચી છે. લોકમાન્ય તિલક જેવા ઉગ્રપંથી મીલીટન્ટ નેશનાલિસ્ટે પણ એમને વિશે ૧૮૮૬ માં લખ્યું હતું કે: ‘જો અઠ્ઠાવીસ કરોડ માણસોની વસ્તી ધરાવતા ભારતને ઇંગ્લેંડની પાર્લામેન્ટના સભ્ય તરીકે મોકલવાની છૂટ આપવામાં આવે તો તે નિ:શંકપણે દાદાભાઇ નવરોજી જ હોય.’ આ તો તિલકના ઉદ્ગાર છે પણ તે જ સમયે મહંમદઅલી ઝીણાએ એવા ઉદ્ગાર કાઢયા હતા કે ‘મારો આદર્શ દાદાભાઇ નવરોજી છે અને મારી ઇચ્છા રાજકારણની દૃષ્ટિએ હિંદુ ગોખલે થવાની છે!’ મુંબઇથી પ્રસિધ્ધ થતાં સામયિક ‘વીસમી સદી’ના ડિસેમ્બર ૧૯૧૭ ના અંકમાં મૂળજી દુર્લભજી વેદે ‘હિંદુ – મુસ્લિમ એકતાના એક એલચી મહંમદઅલી ઝીણા’માં લખ્યું છે કે ૧૮૯૨ માં ઝીણા બેરિસ્ટર થવા ઇંગ્લેંડ ગયા ત્યારે તેઓ દાદાભાઇના પરિચયમાં આવ્યા. ‘મહાન દાદાભાઇ નવરોજી લંડન હિંદી એસોસિયેશનના પ્રમુખ હતા, ઇંગ્લેંડવાસી હિંદી નવજવાનોના પાલક પિતાદેવ સમાન હતા. દાદાભાઇ સાથે ઝીણા ગાઢ પરિચયમાં આવ્યા. જિજ્ઞાસા ને પૂજય ભાવથી ભરપૂર શિષ્ય સાગરીતને દાદાભાઇની પ્રેરણાનો લાભ મળ્યો ત્યાર બાદ જયારે દાદાભાઇ ૧૯૦૬ માં કલકત્તા કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે ઝીણાએ એમના મંત્રી તરીકે કામગીરી બજાવી હતી. દાદાભાઇ, બદરૂદ્દીન તૈયબજી અને ફિરોજશાહ મહેતાએ મહંમદઅલી ઝીણાના ડેમોક્રેટીક – સેકયુલર આચારવિચાર ઘડયા હતા. અત્યારે (૧૯૧૭) હિન્દુ અને મુસ્લિમ એકતા માટે મહંમદઅલી ઝીણા જે પ્રયત્નો કરી રહ્યા છે તે તેમના રાજકીય ગુરુ દાદાભાઇને આભારી છે.
આ તો તે સમયથી વાત થઇ પણ આજના સમયમાં ઇંગ્લેંડ અને ભારત વચ્ચેના સેતુ સમાન ગણાતા લોર્ડ ભીખુ પારેખે પણ દાદાભાઇને ‘નમૂનારૂપ ડાયસ્પોરીક સીટીઝન’ તરીકે ગણાવીને તેમને સેકયુલર તેમ જ બહુસાંસ્કૃતિક મૂલ્યોના પ્રણેતા તરીકે ઉપસાવ્યા છે. લંડનના ઝોરોસ્ટ્રીયન સેન્ટરમાં તા. ૧૯ ઓકટોબર ૨૦૧૭ ના રોજ ભીખુભાઇએ દાદાભાઇ નવરોજી પર ભાષણ આપતા કહ્યું હતું: ‘દાદાભાઇ હિંદી મૂળના પાર્લામેન્ટના પ્રથમ સભ્ય હતા. હું દાદાભાઇ સાથે ત્રણ સામ્યો ધરાવું છું. હું જયાં (અમલસાડ) જન્મ્યો ત્યાંથી માત્ર થોડા જ માઇલ દૂર નવસારીમાં દાદાભાઇ જન્મ્યા હતા. દાદાભાઇ લંડન યુનિવર્સિટીની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા અને ગુજરાતી ભાષા એમની તથા મારી માતૃભાષા છે. વળી દાદાભાઇ ૧૮૭૪ માં વડોદરા રાજયના દિવાન હતા. હું વડોદરા યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર થયો હતો…. દાદાભાઇ જયારે ૧૮૯૨ માં પાર્લામેન્ટરી ઇલેકશનમાં ઊભા રહ્યા ત્યારે ‘કાળા માણસ’ તરીકે ગોરાઓએ તેમનો વિરોધ કર્યો હતો. તેના સમયના બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ સેલીસવરામે પણ દાદાભાઇનો વિરોધ કરતાં કહ્યું હતું કે કાળા માણસને પાર્લામેન્ટમાં આવતો રોકવો જોઇએ. તેમ છતાં દાદાભાઇ ચૂંટણી જીતી ગયા હતા. આજે તો હવે દાદાભાઇ ઇંગ્લેંડ તેમ જ ભારતમાં એક સરખી રીતે આદરભાવ ધરાવે છે. તેઓ ઇન્ડિયન ડાયસ્પોરાના પ્રથમ પેઢીના પ્રતિનિધિ હતા.’ ભીખુભાઇએ ‘ધ કમિશન ઓન ધ ફયુચર ઓફ મલ્ટી એથનીક’ બ્રિટનના ચેરમેન તરીકે જાણે દાદાભાઇની ઉદાર, મલ્ટી-કલ્ચરલ વિચારસરણીને ઉપસાવી છે. ભીખુભાઇકૃત ‘The Future of Multi – Ethnic Britain’ ગ્રંથ (Runnymede Trust, 2000) જોવાથી આ વાત વધારે સ્પષ્ટ થશે. તે ‘પારેખ રીપોર્ટ’ તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે.
દાદાભાઇનો આર્થિક રાષ્ટ્રવાદ…
દાદાભાઇનો આર્થિક રાષ્ટ્રવાદ એમના રાજકીય રાષ્ટ્રવાદની જેમ તીવ્ર હતો. તેઓ ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રી હોવાને લીધે આંકડાકીય પુરાવાઓને આધારે સિધ્ધ કર્યું કે બ્રિટિશ નીતિ દ્વારા ભારતનું ભારે આર્થિક શોષણ થાય છે અને ભારતમાંથી ઇંગ્લેડમાં દ્રવ્ય – અપહરણ થાય છે. દાદાભાઇની આ આર્થિક વિચારસરણી ‘Drain Theory’ તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે. દાદાભાઇએ પ્રસિધ્ધ કરેલાં નીચેના ગ્રંથો કોલોનિયલ ઇન્ડિયાની પોલિટિકલ – ઇકોનોમી અને ગરીબીને સમજવામાં કામના છે. (1) England’s Duties in India (1867) (2) Wants and Means of India (1870), અને (3) Poverty and UnBritish Rule in India (1901). વળી દાદાભાઇના આર્થિક રાષ્ટ્રવાદને સમજવામાં પણ તે ઉપયોગી છે. એમણે કહ્યું કે ભારતની અસહ્ય ગરીબી અને
બેકારી બ્રિટિશ શાસકોની શોષણ નીતિનું પરિણામ છે.’
દાદાભાઇના સમયમાં ઇન્ડિયન સિવિલ સર્વિસ મોટે ભાગે ગોરાઓ માટે અનામત હતી. દાદાભાઇએ સંઘર્ષ કરીને આ નીતિ બદલી એટલું જ નહીં પણ એમણે ICSની પરીક્ષા હિંદમાં પણ લેવાય તે માટે પાર્લામેન્ટમાં ઝુંબેશ કરી. ભલે તેમના જીવનકાળ દરમિયાન તેનું પરિણામ ના આવ્યું તેમ છતાં તેમણે રંગભેદની નીતિ સામે સંઘર્ષો રચ્યા કર્યા હતા. તેમની લડત ‘સ્વરાજ’ માટે હતી. ‘સ્વરાજ’ શબ્દ પણ દાદાભાઇએ ચલણી બનાવ્યો હતો. તેઓ ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયન નેશનાલિઝમ’ તરીકે ઓળખાય છે. જાણે તેમના જીવન દ્વારા:
‘ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી’.