Business

તેલ-માલિશ-ચંપી કરો …સરકારને ઝુકાવો !

વિરોધ કરવા ખાતર તો ઘણા કરે પણ ‘હમારી માંગે પૂરી કરો..પૂરી કરો’ કે પછી ‘નહીં ચલેગા..નહીં ચલેગા…’ જેવાં સૂત્રો સાથે થતાં હોકારા- દેકારા જેવાં  ચીલાચાલુ વિરોધ પ્રદર્શનથી જલદી કોઈનું ધ્યાન દોરાતું નથી. આપણા કિસાનભાઈઓએ  દિલ્હી-હરિયાણા- પંજાબની સરહદો પર  હજારો ટ્રેકટરો ખડકીને  કેન્દ્રને નમાવી. એ જ રીતે ફરજિયાત કોવિડ વેક્સિનેશન સામે હમણાં કેનેડાના પાટનગર ઑટાવામાં ત્યાંના વડા પ્રધાનના નિવાસસ્થાન ફરતે અસંખ્ય ટ્રકો ગોઠવીને ત્યાંના નાગરિકોએ જબરો વિરોધ પ્રદર્શિત કર્યો અને કેનેડાની સરકારે નમતું જોખવું પડયું. …આ પ્રકારના વિરોધ થાય તો જ એના પડઘા દૂર દૂર  પડે. આપણે ત્યાં કોઈ વાતનો અણગમો કે વિરોધ પ્રગટ કરવા પોતાનું માથું બોડાવવું-ટકો મૂંડો કરાવવો એ જાણીતી રીતરસમ છે. આ જ પ્રકારનો  વિરોધ આજકાલ ડચ પ્રજાજનો એની નેધરલૅન્ડની સરકાર સામે કરી રહ્યા છે.

મહામારી કોવિડ વધુ ન પ્રસરે એ માટે ત્યાંના સત્તાવાળાએ બાર-રેસ્ટોરાં -થિયેટર-મ્યુઝિયમ બંધ રાખ્યાં છે. ‘હવે કોવિડનો પ્રકોપ ઘટ્યો છે તો આવા પ્રતિબંધ પાછા ખેંચો’ એવી નાગરિકોની વાત હજુ પણ સરકાર સ્વીકારતી ન હોવાથી લોકો ધૂંધવાયા . પોતાનો રોષ વ્યકત કરવા જાણીતાં  મ્યુઝિયમ -બાર -રેસ્ટોરાં -ઓપેરા હાઉસ જબરજસ્તીથી ખોલાવીને ત્યાં હેરકટ- શેવિંગ-  દાઢી કરવાની ધમધોકાર પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે…! ફેમસ વૅન ગૉગના જાણીતાં પેન્ટિંગ્સ વચ્ચે વાળ કાપવાની કે દાઢી કરવાની કે પછી સંગીતકાર બૅથોવનની ગૂંજતી મશહૂર તર્જની સાથે સાથે હેર મસાજ થતા  હોય એવાં  દૃશ્યો કેવાં વરવાં- શરમજનક કે અરૂચિકર  લાગે?!  આવો ‘હેરકટિંગ -મસાજ’ વિરોધ સરકારને બરાબર પહોંચી ગયો છે અને નાગરિકોની માંગણી મુજબ સરકારે માથું ઝુકાવીને કોવિડના નિયમો હળવા કરી રહી  છે!

મૂછાળાં  ‘મહારાજા’નો ઊડનખટોલો

ચાલો, આખરે આપણા ચિરપરિચિત સાફાવાળા ગોળમટોળ મહારાજાની ૬૮ વર્ષ બાદ ટાટાને ‘ઘેર વાપસી’ તો થઈ ગઈ. આ વર્ષો દરમિયાન અનેક ખાનગી વિમાન કંપનીઓની હવાઈ સેવા શરૂ થઈ. એ બધી  એરકંપનીઓની સરખામણીમાં સરકારી ‘એર ઈન્ડિયા’ની સર્વિસ ક્રમશ: કથળતી  જતી હતી છતાંય  આપણને પેલા મહારાજા માટે ઊંડે ઊંડે ચાહત તો હતી કે ફરી ક્યારે સરકારી સકંજામાંથી છૂટીને મહારાજા એના આગવા રૂઆબમાં -મિજાજમાં એની શ્રેષ્ઠ સેવા આપવાનું શરૂ કરે.… આપણું એ સપનું સાચું ઠર્યું. વાજતેગાજતે મોટી મૂંછવાળા  મહારાજા કમરેથી સહેજ ઝૂકીને સ્મિત સાથે આપણને આવકારી એમની ડ્યુટી પર લાગી ગયા છે.  આ વર્ષો દરમિયાન તમે મહારાજા અને ‘એર ઈન્ડિયા’ વિશે અનેક કથા- કિવદંતી સાંભળી હશે પણ સ્વતંત્ર ભારતની આ સર્વ પ્રથમ એરલાઈન્સનું નામ કોણે પાડયું એ વિશે તમે કેટલું જાણો છો? વેલ, ભારતની આ પ્રથમ ખાનગી હવાઈ સેવાનો આરંભ થવાનો હતો એ પહેલાં આ એર સર્વિસ માટે જે.આર.ડી ટાટાને ખુદને ગમી જાય અને લોકોને પણ પોતીકું લાગે એવું કોઈ નામ જડતું નહોતું.

અનેકે જાતભાતનાં નામ સૂચવ્યાં પણ કોઈ નામ મનમાં બેસતું ન હતું. આમ છતાં ચાર નામ અલગ તારવવામાં આવ્યાં,જેમ કે : ઈન્ડિયન એરલાઈન્સ- પાન ઈન્ડિયન એરલાઈન્સ- ટ્રાન્સ ઈન્ડિયન એરલાઈન્સ અને એર-ઈન્ડિયા. …આ ચાર નામમાંથી એક પસંદ કરવાનું હતું એટલે એવું નક્કી થયું કે ટાટાના મુખ્ય કચેરી ‘બોમ્બે હાઉસ‘માં કામ કરનારા બધા જ કર્મચારીનો અભિપ્રાય લેવામાં આવે અને જે નામને  સૌથી વધુ વોટ-મત મળે એ નામ ફાઈનલ. આના પછી બધા જ સ્ટાફ-કર્મચારીને પોતાની પસંદગી વ્યકત કરવા માટે વૉટિંગ પેપર આપવામાં આવ્યા ને દરેકને કહેવામાં આવ્યું કે પોતાની પસંદગીનાં બે નામ સૂચવે…. બધાએ પોતપોતાની  રીતે નામ સૂચવ્યાં અને એ નામોની ગણતરી થઈ પછી બધાને  સૌથી વધુ પસંદ પડેલું નામ જે.આર.ડી.એ જાહેર કર્યું અને એ હતું :   આપણા મહારાજાનું વહાલું વાહન  ‘એર ઈન્ડિયા’…! 

રાની કી આયેગી બારાત

એક સ્કૂટરની બહુ જાણીતી ઍડ- જાહેરખબર તમે જોઈ જ હશે જેમાં એક ખુશખુશાલ  યુવતી સ્કૂટર પર આવે છે અને આપણને મસ્તીભર્યા લહેકામાં પૂછે છે: ‘ કેમ એકલા જ છોકરા મજા-મસ્તી કરે ?’કહેવાનો મતલબ એ જ કે સ્કૂટરની મજા  અમે છોકરી પણ કેમ ન માણી શકીએ…? વાત સાચી છે. આજના ‘જનરેશન – ઝેડ’ના જમાનામાં કામથી માંડીને મસ્તી સુધીના ફિલ્ડમાં યુવાન-યુવતી ખભેખભા મીલાવી શકે તેમ છે.… સામાન્ય રીતે, લગ્ન લેવાય ત્યારે વર જાન જોડીને કન્યાને ઘેર જાય અને પરણીને વહુને  પોતાને ઘેર-સાસરે લઈ આવે. આ જૂની-જાણીતી પ્રથા છે-પ્રણાલી છે.  જો કે હમણાં અનેક વડીલોને જૂની આંખે નવા તમાશા જોવા મળ્યા. હરિયાણાના અંબાલા શહેરમાં  એક લગ્ન લેવાયા. ધામધૂમ બૅન્ડ-બાજા સાથે બારાત નીકળી ત્યારે બધાને ગજબનું જોણું થયું કારણ કે એ વખતે બારાતીઓના  બૅન્ડ પર વાગતું  હતું :  ‘મહેંદી લગા કે રખના-ડૉલી સજા કે રખના…’ લગ્ન પ્રિયા નામની એક લેડી વકીલના હતા. જાનમાં વરને બદલે કન્યા એટલે કે પ્રિયા હાથમાં પરંપરાગત તલવાર લઈને  ઘોડી પર સવાર થઈને બારાતમાં નીકળી હતી…! લગ્ન પહેલાં ભાવિ વરને પ્રિયાએ પોઈન્ટ બ્લેન્ક સ્પષ્ટ પૂછી પણ  લીધું હતું : ‘બારાત લઈને હું તો આ રીતે  જ આવીશ.… બોલ, છે મંજૂર? તો વાત આગળ ચલાવીએ.’ છોકરા અને એના પરિવારે પ્રિયાની વાત મંજૂર રાખી અને બૅન્ડ-બાજા -બારાત સાથે વહુ એના વરને પરણી લાવી…!

શિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
ઈન્સ્ટંટ કૉફી માર્કેટમાં મૂકવા માટે અનેક દેશમાં પ્રયાસ થઈ રહ્યા હતા. આમાં સફળતા મળી એક જાપાનીઝને…. જાપાનના સાતોરી કાતોએ નામના કૉફી વેચતા વેપારીએ ૧૮૯૯ની સાલમાં સૌ પ્રથમ ‘ઈન્સ્ટંટ કૉફી’ માર્કેટમાં મૂકી. શરૂઆતમાં એની આ પ્રોડક્ટ-ઉત્પાદનને જરા પણ સફળતા ન મળી પછી ન જાણે કેમ ૧૪ વર્ષ પછી પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે એની આ ઈન્સ્ટંટ કૉફી અચાનક ઊપડી અને લોકોમાં ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ.…
ઘરની બહાર વૃદ્ધ લોકોની સાર-સંભાળ લેવાની શરૂઆત સૌ પ્રથમ ચીનમાં થઈ. ઈસુના જન્મ પહેલાં ૨૨૦૦ની સાલમાં વૃધ્ધાશ્રમનું વ્યવસ્થિત આયોજન ત્યાં થયું હતું એવા પ્રમાણ ઈતિહાસકારોએ નોંધ્યા છે….
ઈશિતાની એલચી *
તમે રહો એ સ્થળ ઘર નથી પણ તમે જેના વગર રહી શકતા નથી એ સ્થળ એટલે ઘર…!!

Most Popular

To Top