SURAT

હત્યારા ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હતો, ગ્રીષ્માના આખાય પરિવારને એકસાથે ઉડાવી દેવાનો પ્લાન હતો

સુરત: (Surat) પાસોદરાની 21 વર્ષીય યુવતી ગ્રીષ્માની (Grishmamurder) સરાજાહેર ગળું કાપી હત્યા કરનાર ફેનિલની (Fenil) પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ગ્રીષ્મા અને તેના પરિવારની હત્યા કરવા માટે ફેનિલના માથા પર એટલું બધું ઝનૂન સવાર થયું હતું કે, તે આખાય પરિવારને એક ઝાટકે પતાવી દેવા માટે મહિનાઓથી પ્લાન ઘડી રહ્યો હતો. ફેનિલે અનેક વેબસિરિઝ અને 30થી વધુ વેબસાઈટ પર સર્ચ કરી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. સામૂહિક હત્યાકાંડ માટે ફેનિલે એકે-47 (AK-47) ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.

  • ફેનિલે ઓનલાઈન 30થી વધુ વેબસાઈટ સર્ચ કરી હતી
  • બંદૂક, ચપ્પુ જેવા હથિયારો ઓનલાઈન ખરીદવા ટ્રાય કરી હતી
  • એકે-47 ખરીદવામાં નિષ્ફળતા મળતા એક ચપ્પુ ઓનલાઈન ખરીદયો હતો

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સુરત જિલ્લા પોલીસ આજે સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવા જઈ રહી છે. માત્ર એક અઠવાડિયામાં જ પોલીસે તપાસ પૂરી કરી લીધી છે. 150 સાક્ષી, 25 પંચનામા, 150 જેટલાં ડિજીટલ પુરાવા, ઓડિયો ક્લીપનો એફએસએલ રિપોર્ટ, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી સહિતના મજબૂત પુરાવા પોલીસે ભેગા કર્યા છે.

પોલીસની તપાસ દરમિયાન ફેનિલના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં વાંધાજનક વેબસાઈટ, વેબસિરિઝ મળી આવી હતી, જેમાં વારંવાર ફેનિલ બંદૂક, ચપ્પુ જેવા હથિયારો ખરીદવા માટે સર્ચ કરતો હોવાનું બહાર આવ્યું હતું. હથિયારો ઓનલાઈન ખરીદવા તે પ્રયાસ કરી રહ્યો હોવાનું લાગી રહ્યું હતું. દરમિયાન ગ્રીષ્માની હત્યા પહેલાં ફેનિલે ગ્રીષ્માના એક મિત્રને ફોન કર્યો હતો, જેની ઓડિયો ક્લીપ પોલીસને મળી હતી. આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને ગાંધીનગર લઈ ગઈ હતી, જ્યાં એફએસએલમાં તેનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ કરાવાયો હતો, જેમાં એવી વિગતો બહાર આવી હતી કે ગ્રીષ્મા અને તેના પરિવારની હત્યા માટે ફેનિલ ઓનલાઈન એકે-47 ખરીદવા પ્રયાસ કરી રહ્યો હતો. આ વિગતો બહાર આવતા જ પોલીસ ચોંકી ગઈ છે. ફેનિલ એકતરફી પ્રેમી કે પ્રેમમાં ઘાયલ થયેલો કોઈ સામાન્ય યુવક નહીં પરંતુ ગુનાહિત માનસિકતા ધરાવતો અને એક મોટા સામૂહિક હત્યાકાંડનો પ્લાન મહિનાઓથી ઘડીને બેઠેલો ગુનેગાર હોવાના મજબૂત પુરાવા પોલીસને મળ્યા છે. આજે ફેનિલ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. ઓછા સમયમાં ચાર્જશીટ રજૂ કરવાનો પહેલો કિસ્સો સુરત જિલ્લા પોલીસમાં બનશે.

ફેનીલે પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો
સીટના તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ગ્રીષ્માને બચાવી લેવામાં આવતે તો પણ ફેનીલનો બીજો પ્લાન નકકી હતો. તેમાં જો કોઇ સંજોગોમાં તેની પાસેથી ચાકૂ લઇ લેવામાં આવતે તો તેની પાસે બીજુ ચાકુ કમરના ભાગે હતું. આ ચાકૂ તે તેને પકડનાર કે ગ્રીષ્માને બચાવનાર વ્યકિતને મારવા માટે વાપરવાનો હતો. આ ઉપરાંત આ બીજા ચાકૂ વડે તે ગમે તે રીતે ગ્રીષ્મા સુધી પહોંચી જવાની તૈયારીમાં હતો. આ ઉપરાંત ગ્રીષ્માનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેની પાસે જ ઉભા રહેવાનો તેનો પ્લાન હતો. ફેનીલનો પ્લાન એ સફળ રહ્યો હતો. ફેનીલને જો કોઇ પકડવાની કોશિષ કરતે તો કદાચ તેનો જીવ પણ ચાલ્યો ગયો હોત.

Most Popular

To Top