રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ (Russia Ukraine Controversy)વધુ ઘેરાતો જાય છે. હાલમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે તેઓએ ટ્વીટ કરીને યુક્રેનને સપોર્ટ કરવાનું પણ જણાવ્યું હતું. રશિયાએ ગુરુવાર અને શનિવારના રોજ હુમલાઓ કર્યા હતા.ગત ગુરુવારે પૂર્વીય યુક્રેનની તણાવપૂર્ણ સરહદ પર ખૂબ ભારે માત્રામાં ગોળીબાર થયો હતો. ફેયરીટેલ કિન્ડર ગાર્ડનમાં એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે બૉમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે બાળકો શાળાની અંદર હતા. આ હુમલામાં ત્રણ શિક્ષક ઘાયલ થયા હતા. ત્યારબાદ શનિવારના રોજ પૂર્વ યુક્રેનમાં કારમાં વિસ્ફોટ થયો હતો. તેમજ એક ગેસ પાઇપલાઇનને પણ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. આ ઘટના ઝોનેસ્ક શહેરમાં બની હતી. યુક્રેનમાં જે કારમાં વિસ્ફોટ થયો હતો એ પ્રાદેશિક સુરક્ષા વડા ડેનિસ સિનેન્કોવની હતી. આ પ્રકારની પરિસ્થિતિને જોતા ભારત સરકારે કિવમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy) વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો (Citizens) માટે નવી એડવાઈઝરી (Advisory) જાહેર કરી દરેકને વહેલામાં વહેલી તકેે અસ્થાયી ધોરણે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.
બેલારૂસમાં પરમાણુ કવાયત
યુક્રેન આ અને રશિયા વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. જેને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આશંકા વ્યક્ત કરી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે રશિયા યુક્રેનની રાજધાની કિવ પર પણ હુમલો કરી શકે છે. દરમિયાન રશિયાએ બેલારુસ(Belarus)માં પરમાણુ કવાયત (Nuclear Drill)કરી છે. રશિયન નેવીએ કાળા સમુદ્ર(black sea)માં પણ કવાયત કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તેની સરહદ પાસે 1.50 લાખથી વધુ સૈનિકો તૈનાત છે. થોડા દિવસો પહેલા રશિયાએ યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાં રશિયન સૈનિકોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. રશિયાએ યુક્રેનની સરહદે ફાઈટર એરક્રાફ્ટ, લશ્કરી વાહનો અને સાધનો પણ તૈનાત કર્યા છે.
1945ના બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા યુદ્ધની તૈયારી
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનનું કહેવું છે કે રશિયા 1945ના બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જર્મની અને ઓસ્ટ્રિયાએ તેમના દેશના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે.તણાવ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ એવી જગ્યા નક્કી કરવી જોઈએ જ્યાં બંને દેશોના નેતાઓ બેસીને આ વિવાદનો ઉકેલ લાવી શકે. તેમણે શનિવારે જર્મનીના મ્યુનિકમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે યુક્રેન રાજદ્વારી દ્વારા શાંતિપૂર્ણ રીતે વિવાદને ઉકેલવા માટે પહેલ કરવાનું ચાલુ રાખશે. જો કે, તેણે એ પણ જણાવ્યું કે રશિયા તરફથી કોઈ જવાબ આવ્યો નથી. રશિયાએ યુક્રેનની સરહદ નજીક રહેતા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. યુક્રેનની સરહદને અડીને આવેલા ડોનેત્સ્કમાંથી લોકોને બહાર કાઢીને રશિયા મોકલવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં 7 લાખ લોકોને પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. ડોનેટ્સક પર રશિયન સમર્થિત અલગતાવાદીઓએ કબજો જમાવ્યો છે.
યુદ્ધની સ્થિતિ વચ્ચે પુતિન યુક્રેનના લોકો પર લૂંટાવી રહયા છે પૈસા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સંભાવના વચ્ચે પુતિન હિજરત કરનારને 10 હજાર રુબેલ આપી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમની સરકારને વિસ્થાપિતોને 10,000 રુબેલ્સ (અંદાજિત 10 હજાર રૂપિયા )આપવાનો આદેશ આપ્યો છે. તેમના પ્રવક્તા, દિમિત્રી પેસ્કોવ, રાજ્ય મીડિયાને જણાવ્યું હતું કે રોસ્ટોવ પ્રદેશમાં સ્થાનિક સત્તાવાળાઓ સ્થળાંતર કરાયેલા લોકો માટે આવાસ, ખોરાક અને તબીબી સહાયની વ્યવસ્થા કરશે. પુતિને તેમના કટોકટી પ્રધાન, એલેક્ઝાન્ડર ચુપ્રિયનને દક્ષિણી પ્રદેશ પર ઉડાન ભરવાનો આદેશ આપ્યો, જે અલગતાવાદી પ્રજાસત્તાકોની સરહદે છે.