હમણાં નજીકના ભૂતકાળમાં એબીજી શિપયાર્ડનું ૨૨૮૪૨ કરોડનું લોન કૌભાંડ પકડાયાના સમાચાર વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયા છે. આ સિવાય હર્ષદ મહેતા, નીરવ મોદી તથા અન્યોનાં બેંક લોન કૌભાંડો પકડાયાં છે. અહીં મહત્ત્વનો પ્રશ્ન એ થાય છે કે આ લોન કૌભાંડોમાં સામેલ ( બેંક સત્તાધીશો, ઓડિટર્સ, અન્ય બેંક કર્મચારીઓ ) તથા જે કોઈ કસૂરવાર હોય તેમાંથી કોને શું સજા થઈ ? તો કહેવું જોઈએ કે કોઈને કશું થયું નથી. દરેક કિસ્સામાં લોનની રકમ જ એટલી મોટી છે કે તે માત્ર સૌથી ઉચ્ચ અધિકારીઓ જ મંજૂર કરી શકે. ત્યાર બાદ જે શાખામાંથી ધિરાણ કરવામાં આવ્યું હોય તે શાખાએ તેના પર ધ્યાન આપવાનું હોય. તે ઉપરાંત દર વર્ષે ઇન્ટરનલ ઓડિટ, હેડ ઓફિસનું ઓડિટ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું ઓડિટ થતું હોય છે અને ઓડિટરોનું મુખ્ય કામ આવા કિસ્સા શોધી કાઢવાનું હોય છે.
હવે જ્યારે કોઈ પણ મંજૂર થયેલી લોન પાછળ તે માંડવાળ ન કરવી પડે તે જોવા માટે ઉપર મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે ત્યારે આ કૌંભાંડ પકડવામાં આટલો વિલંબ કેમ થયો તે સૌથી મોટો પ્રશ્ન છે? બીજી ગેરવલ્લે ગયેલી લોનો અંગે વાત કરવાને બદલે જે છેલ્લું એબીજી શિપયાર્ડનું મસમોટું કૌભાંડ પકડાયું તેમાં આ લોન મંજૂર થયાને આઠ વર્ષનો સમય થયો એવું બહાર આવ્યું છે. આ સમય નાનોસૂનો નથી અને ઉપર જે પ્રક્રિયા દર્શાવી છે તેમાંથી કોઈ પણ તબક્કે આ કૌભાંડની કોઈને પણ ગંધ ન આવી એ વિચાર કરી મૂકે તેવો પ્રશ્ન છે. ટૂંકમાં કહેવાનું એવું છે કે આ દેશમાં ફકત આ કિસ્સામાં નહીં, પરંતુ તે સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ જે ગોરખધંધાઓ અને કૌભાંડો કે ભ્રષ્ટાચાર ચાલે છે તેમાંના કોઈપણ કસૂરવારને કશું થતું નથી, પરિણામે આવી કૌભાંડકારી વ્યકિતઓ બેરોકટોક કૌભાંડો કર્યે જાય છે અને પરિણામ પ્રજાએ ભોગવવું પડે છે. ઉપર જણાવેલા બેંક લોન કૌભાંડમાં સામેલ નીચેથી ઉપર સુધીના તમામને સજા થવી જ જોઇએ.
સુરત – સુરેન્દ્ર દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.