આણંદ: વિદ્યાનગર જીઆઈડીસીમાં તસ્કરોએ હાથફેરો કરતા ચકચાર મચી છે. એકસાથે સાત કંપનીમાં તસ્કરો ત્રાટકતાં કંપની માલિકો અને સંચાલકોમાં ભય વ્યાપ્યો છે. આ ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આ અંગે કંપની માલિકની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સિવિલ એન્જિનિયરિંગ કંપની અને એરટુ ઇન્ડસ્ટ્રીયલ કંપની આજુબાજુ આવેલી સાત કંપનીના મુખ્ય ઓફિસના તાળાં તોડી પાસપોર્ટ નાની-મોટી ચીજવસ્તુઓ મળીને લાખો મતની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આમ એક જ રાતમાં તસ્કરોએ જીઆઇડીસીમાં કંપનીમાં તાળાં તોડી તરખાટ મચાવતાં વિદ્યાનગર પોલીસ અને LCB પોલીસ ઘટનાસ્થળે દોડી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.
વિદ્યાનગર જીઆઇડીસીમાં શ્રી સિવિલ એન્જિનિયરિંગ કંપની સહિત આસપાસની સાત કંપનીઓ તાળાં તોડીને મુખ્ય ઓફિસમાં પ્રવેશીને કંપનીમાં મુકેલા કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા તથા કંપનીમાં પડેલાં કોપર વાયર, સોનાની ચેઇન, ચાંદી, બાઈક સહિત અન્ય 95 હજાર ઉપરાંતની ચીજવસ્તુંઓ અને માલસામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ કંપનીના માલિક દ્વારા સવારે ઓફિસે આવીને કંપનીના મુખ્ય દરવાજાઓના તાળાં તુટેલા જોતાં જ અવાક થઈ ગયા હતા. આ અંગે કંપનીના માલિક દ્વારા વિદ્યા નગર પોલીસને જાણ કરવામાં આવી હતી વિદ્યાનગર પોલીસ તથા આણંદ એલસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તસ્કરોની ભાળ મેળવવા ઉપયોગી પુરાવા એકત્ર કરવા એફએસએલની ટીમ પણ બોલાવી ફિંગર પ્રિન્ટ સહિતના નમુના લેવામાં આવ્યા હતા. આ અંગે એર ટુલ્સ ઇન્ડસ્ટ્રીઝના પંકજભાઈ પટેલની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.