આપણે સહુ આખું વર્ષ વિવિધ દિવસોની ઉજવણી કરીએ છીએ. જેવા કે મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન ડે, ચૉકલેટ ડે, રોઝ ડે, પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે આપણા ભારતમાં આ બધા દિવસો ઉજવાઈ રહ્યા છે. પરિણામે આપણે આપણી મૂળ સંસ્કૃતિ અને આપણી માતૃભાષાને ભૂલતા જઈએ છીએ. આપણામાંથી કેટલાને યાદ છે કે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ છે? હા, કદાચ શાળા-કૉલેજોમાં માત્ર એક દિવસ પૂરતી તેની ઉજવણી થશે. આજે તેથી આપણી માતૃભાષા ગુજરાતીની ઉપેક્ષા થઈ રહી છે. દુનિયાનો કોઈ પણ દેશ પારકી ભાષાની આંગળી પકડીને ચાલતો નથી. રશિયા, ચીન, ઈઝરાયલ જેવા દેશોએ પોતાની માતૃભાષાના આધારે જ પ્રગતિ કરી છે. આપણે આજે માતૃભાષા ગુજરાતીને હાંસિયામાં ધકેલી દીધી છે. માતૃભાષા એટલે બાળકના માતાના પેટમાં રહેતા રહેતા જે ભાષા સાંભળે એ એની માતૃભાષા. જે ભાષામાં સપના જોવાય તે આપણી માતૃભાષા. આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી ભાષા બોલીએ છીએ.. એટલે આપણી માતૃભાષા ગુજરાતી છે.
પ્રવર્તમાન સમયામાં માતા-પિતા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો દુરાગ્રહ રાખે છે જે બાળકના માનસિક વિકાસને રુંધે છે. બાળકનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. માતૃભાષા દ્વારા બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. બાળકને પ્રારંભના વર્ષોમાં માતૃભાષામાં શિક્ષણ આપવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે. આજે આપણા બાળકો માતૃભાષાના સમૃદ્ધ વારસાથી પણ વંચિત રહ્યા છે. આપણી માતૃભાષા ગુજરાતીને બચાવવી હોય તો પ્રાથમિક શિક્ષણથી માંડીને કોલેજકક્ષા સુધી તેના સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર માટે સહુએ જાગૃત થવાની જરૂર છે. અલબત્ત આજે વોટ્સઅપના માધ્યમ દ્વારા ઘણાં સાહિત્યના ગૃપો કાર્યરત છે. ગુજરાતી ભાષા પણ અંગ્રેજી લીપીમાં લોકો લખતા થઈ ગયા છે. આમ આજે માતૃભાષા ગુજરાતી નથી રહી ઘરની કે નથી રહી ઘાટની… તો માતૃભાષાના સંરક્ષણ માટે સહુ સાથે મળી આ કાર્યમાં જોડાઈને અને માતૃભાષાને બચાવીએ.
બીલીમોરા. – ડૉ. નલિની ગીલીટવાળા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે