ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના આદિવાસી ઝઘડીયા (Zaghadiya) તાલુકામાં સગીરા ઉપર સામુહિક બળાત્કારની (Rape) ઘટના સામે આવી છે. બળાત્કારની ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સગીરાની સાથે મિત્રતા બાંધી આરોપી તેને ફરવા લઇ જવાના બહાને ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પોતે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કરી તેના 7 મિત્રોને ફોન કરી બોલાવી લીધા હતા અને 7 મિત્રોએ પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
- સગીરા સાથે મિત્રતા ધરાવતા વિશાલે બાઇક પર ફરવા અને આર્થિક મદદની તૈયારી બતાવી કાવતરું રચ્યું
- ખેતરમાં લઈ જઈ પોતે દુષ્કર્મ આચર્યું અને અન્ય 7 મિત્રોને પણ બોલાવી હીનતાની હદ વટાવી
- પાશવી કૃત્યનો ભોગ બનેલી પીડિતા ઘરે પહોંચતા દીકરીની હાલત જોઈ માતા-પિતા સ્તબ્ધ થયા
- ઝઘડિયા પોલીસે સામુહિક દુષ્કર્મ, પોક્સો સહિતનો ગુનો નોંધી 8 દુષ્કર્મીઓને જેલ ભેગા કરવા DYSP કક્ષાના અધિકારીએ તપાસનો ધમધમાટ
સગીરાને ફરવાની લાલચ આપી મિત્ર ગાડી પર ફરવા લઈ ગયો હતો
ઝઘડીયા તાલુકાના એક ગામની સગીરા સાથે વિશાલ ચંદ્રેશ વસાવા નામના યુવકે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે સગીરા આ વિશાલ પર ભરોસો રાખતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. 16 ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદ ઈરાદાથી અજાણ સગીરા તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.
મિત્રે દુષ્કર્મ કર્યો બાદ અન્ટ 7 મિત્રોને પણ બોલાવી બળાત્કાર ગુજાર્યો
પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને સગીરા ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ 7 હેવાનોએ પણ પીડિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ સગીરાને સ્થળ પરથી ભગાડી મૂકી હતી.
પાશવી કૃત્યનો ભોગ બનેલી પીડિતા ઘરે પહોંચતા તેની હાલત જોઈ માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતાએ સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.
પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ 363 , 366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 દુષ્કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી પરિક્ષણ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.