Dakshin Gujarat

વાહન અડફેટ મૃત્યુ પામેલા યુવાન પરથી વાહનો દોડતા રહ્યા

હથોડા : ચાર રસ્તા ખાતે મોડી રાત્રે અજાણ્યો યુવાન વાહન અડફેટે મોતને ભેટ્યા બાદ તેની લાશ પરથી સંખ્યાબંધ વાહનો ફરી વળતા મરનાર યુવકના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા.

ઘટનાની વિગત એવી છે કે ગત મોડીરાત્રે બારેક વાગ્યાના અરસામાં પાલોદ પોલીસ ચોકી નજીક પીપોદરા રોડ પર આવેલી રોયલ રેસીડેન્સી સામે ત્રીસેક વર્ષનો અજાણ્યો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલકે યુવાનને અડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક વાહન લઈને ભાગી છૂટ્યો હતો. યુવાનનું મોત થયા બાદ યુવાનની લાશ પરથી રાત્રિના અંધારામાં સંખ્યાબંધ વાહનો ફરી વળતા મરનાર યુવકની લાશ ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે. મતકના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. વહેલી સવારે નજીકમાં આવેલી પાલોદ પોલીસે લાશનો કબજો લઇને મૃતકની ઓળખ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.

સાપુતારા ઘાટમાં અકસ્માતનો સિલસિલો જારી : 3 દિવસમાં 5 વાહનોને નુકશાન
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતો આંતર રાજ્ય ધોરીમાર્ગ જાણે અકસ્માત ઝોન બની ગયો હોત તેમ દરરોજ અકસ્માતોની વણઝાર લાગે છે, જેમાં છેલ્લા 3 દિવસમાં અકસ્માતના 4 બનાવો બન્યા હતા. જેમાં સોમવારે ચીખલી ગામ નજીકનાં વળાંકમાં ખાંડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક ન. એમ.એચ. 34 એ.વી 1660 વળાંકમાં ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહીત ખાંડનાં જથ્થાનો ખુરદો બોલાઈ જતા જંગી નુકશાન થયુ હતું. જ્યારે ટ્રક ચાલક સહીત ક્લીનરને ઇજાઓ પહોચી હતી.

બીજા બનાવમાં નાસિકથી ડુંગળીનો જથ્થો ભરી પંજાબ જઇ રહેલી ટ્રક નંબર HR-38-F-3425ની બ્રેક ફેલ થતા ટ્રક ચાલકે સમયસૂચકતાથી માર્ગ સાઈડના તોતિંગ પથ્થર સાથે અથડાવી દેતા ટ્રક અટકી ગઈ હતી. જ્યારે ત્રીજા બનાવમાં મહારાષ્ટ્રનાં ઔરંગાબાદથી માલ સામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો નં. એમ.એચ. 03 સી.વી. 2349 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગનાં સાઈડનાં ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલકની સમયસૂચકતાનાં પગલે આઈસર ટેમ્પો સહીત માલ સામાનનાં જથ્થાને કોઈ પણ નુકસાન પહોચ્યુ ન હતુ. સાથે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ચોથા બનાવમાં ગતરોજ રાત્રે વાંસદાથી ભીંડા ભરી નાસિક જતી પીકઅપ વાન ન. એમ.એચ. 15 એ 9495 તથા શિન્નરથી સુરત દૂધ ભરી જઇ રહેલી પિકઅપ વાન ન. એમ.એચ. 17 બી.વાય. 8299 બન્ને વાહનો ચીખલી શિવારીમાળ ગામ નજીક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોને નુકસાન થવા સાથે ચાલકોને ઇજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top